Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ફરી એક વાર સોશિયલ મીડિયા થકી બનેલ મિત્ર દગાખોર નિકડ્યાનો કિસ્સો સામે આવ્યો

ઈન્સ્ટાગ્રામ  થકી ૩૫ વર્ષીય મહિલાને પોતાનાથી ૧૨ વર્ષ નાના યુવક સાથે પ્રેમ થયો અને પછી પ્રેમીએ આપ્યો દગો

આ કિસ્સો બન્યા બાદ આજના લોકોએ તે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલો હિતાવહ હોય છે અને કેટલો નહી.

અમદાવાદ,તા. ૯
અમદાવાદમાં રહેતી એક ૩૫ વર્ષીય મહિલાને ઈન્સ્ટાગ્રામ થકી પોતાનાથી ૧૨ વર્ષ નાના જામનગરના એક યુવક સાથે પ્રેમ થયો. તેઓ મળ્યા, જાેડે હર્યા-ફર્યા, બન્ને વચ્ચે શારિરીક સંબંધો બંધાયા અને તે મહિલાએ પ્રેમી પાછળ લાખો રૂપિયા પણ ખર્ચ્યા તેમજ મોંધી ભેટ સોગાદો આપી, અને પ્રેમી મહિલાને લગ્ન કરીશું તેવા વાયદાઓ કરતો રહ્યો અને અંતમાં પ્રેમીએ પોતાનાથી ઉમરમાં મોટી અમદાવાદની મહિલાને દગો આપી અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જાે કે, આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી એક ૩૫ વર્ષીય મહિલાના લગ્ન ૨૦૦૫માં થયા હતા, તેમના લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચે મનમેળ ન રહેતા મહિલાએ પતિ સાથે છુટાછેડા લઈ લીધા હતા. જે બાદ વર્ષ ૨૦૨૧માં મહિલાને ઈન્સ્ટાગ્રામ મારફતે જામનગરના ભાગ્યરાજસિંહ જાડેજા નામનાં યુવક સાથે પરિચય થયો.

યુવક મહિલા કરતા ૧૨ વર્ષ નાનો હતો જાે કે, બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ ગયો. જેના કારણે આરોપી અવારનવાર મહિલાના ઘરે આવતો અને તેને રાજકોટમાં હોટલોમાં લઈ જઈ લગ્ન કરી લઈશ તેવુ જણાવી શારિરીક સંબંધ બાંધતો હતો. વર્ષ ૨૦૨૧થી ૨૦૨૪ સુધીમાં આરોપી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી બે આઈફોન, એક અન્ય ફોન, એપલની વોચ, સોનાની વીંટી- ચેઈન, કાનની કડી સહિતની મોંઘી ભેટો લીધી તેમજ ખાતામાં ટુકડે ટુકડે ૧૧.૩૮ લાખ મેળવ્યા હતા.

આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કિસ્સો બન્યા બાદ આજના લોકોએ તે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલો હિતાવહ હોય છે અને કેટલો નહી.

 

(જી.એન.એસ)