અમેરિકાને એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થવાનો છે ડર..!
વોશિંગ્ટ્ન,
રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા હવે પરમાણુ યુદ્ધના ભયથી ચિંતિત છે. અમેરિકાને એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થવાનો ડર છે. આ જ કારણ છે કે, જાે બાઈડને અમેરિકન દળોને પરમાણુ મિસાઈલ તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે. આ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને માર્ચમાં જ એક અત્યંત ગુપ્ત દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં અમેરિકાની પરમાણુ રણનીતિમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. જે ન્યુક્લિયર એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ તરીકે ઓળખાય છે.
મીડિયા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. અમેરિકાને ડર છે કે, ચીન, રશિયા અને ઉત્તર કોરિયાની આ ત્રિપુટી ગમે ત્યારે અમેરિકા પર પરમાણુ બોમ્બ વરસાવી શકે છે. તેથી અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને અમેરિકી દળોને સંભવિત પરમાણુ યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. અમેરિકાની પરમાણુ વ્યૂહરચના યોજના હેઠળ અમેરિકાએ પ્રથમ વખત પોતાની વ્યૂહરચના બદલી છે. એવું માનવામાં આવે છે કે, અમેરિકાએ ચીનના વધતા પરમાણુ હથિયારોના ભંડારને કારણે સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લીધો છે.
અમેરિકા માને છે કે, ચીનના પરમાણુ હથિયારો આગામી દાયકામાં અમેરિકાને ટક્કર આપી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને સ્પષ્ટપણે કહ્યું છે કે, અમેરિકાને માત્ર ચીન, રશિયા અને ઉત્તર કોરિયાથી પરમાણુ યુદ્ધનો ખતરો છે. તેમાં પણ અમેરિકાની સૌથી મોટી ચિંતા ચીન છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે અમેરિકા અને ચીન વચ્ચે તૂતૂમેમે ચાલુ થઈ છે.
ચીનને પરમાણુ ખતરો ગણાવવામાં આવતા બેઇજિંગે આકરી પ્રતિક્રિયા આપી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં પરમાણુ ખતરાનો મુખ્ય સ્ત્રોત અમેરિકા જ છે. ચીને અમેરિકાની ટીકા કરતા કહ્યું છે કે, અમેરિકા ચીનના પરમાણુ ખતરાને વારંવાર વાગોળી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, વિશ્વ માટે સૌથી મોટો પરમાણુ ખતરો પોતે જ છે. ચીને કહ્યું કે, અમેરિકા પોતાના પરમાણુ શસ્ત્રાગારને વધારી રહ્યું છે. અમેરિકા તેના પરમાણુ શસ્ત્રાગારને જાળવી રાખવાના બહાના તરીકે વારંવાર ચીનનું નામ લે છે. અમેરિકા દુનિયામાં સૌથી શક્તિશાળી બનવા માંગે છે, જેથી તે દુનિયાભરના દેશોને કોઈ પણ જાતના ડર વગર અને પોતાની મરજીથી ધમકી આપી શકે અને દબાણ કરી શકે. અમેરિકા આ બધું પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે કરી રહ્યું છે.
હવે સવાલ એ થાય છે કે, અમેરિકા કેટલું સાચું છે..? શું ચીન ખરેખર તેના પરમાણુ શસ્ત્રાગારમાં વધારો કરી રહ્યું છે..? તો જવાબ છે હા. જાે બાઈડેનનો ડર કારણ વગરનો નથી. હકીકતમાં ચીન તેના પરમાણુ હથિયારને ખૂબ જ ઝડપથી વધારી રહ્યું છે. આ વર્ષે પરમાણુ હથિયારોની તેની ઝડપે સમગ્ર વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું છે. હકીકતમાં પરમાણુ બોમ્બ મામલે ચીનની ગતિ જાેઈને અમેરિકા ટેન્શનમાં છે. અમેરિકાનો ડર એટલા માટે વધી ગયો છે કારણ કે, તાજેતરમાં રશિયા અને ચીને સાથે મળીને પરમાણુ બોમ્બ અંગેનો યુદ્ધાભ્યાસ કર્યો છે. પહેલીવાર ચીન અને રશિયા એકસાથે પરમાણુ બોમ્બ કેવી રીતે ફેંકવા તે અંગેનો હવાઈ યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. આ યુદ્ધાભ્યાસ અમેરિકાના અલાસ્કા નજીક ઉત્તર પેસિફિકમાં કરવામાં આવ્યો છે. તો બીજી તરફ, નોર્થ કોરિયા પણ પરમાણુ બોમ્બ કેવી રીતે ફેંકવા તે અંગેની પ્રેક્ટિસ કરી રહ્યું છે, તેથી અમેરિકાનું ટેન્શન વધી ગયું છે. આ ઉપરાંત ચીન તેના પરમાણુ હથિયારનું વિસ્તરણ વિશ્વના કોઈપણ દેશ કરતા વધુ ઝડપથી કરી રહ્યું છે. SIPRI એટલે કે, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, ચીન પાસે ૨૦૨૪માં ૫૦૦ પરમાણુ હથિયારો છે, જ્યારે એક વર્ષ પહેલા એટલે કે, જાન્યુઆરી ૨૦૨૩માં આ સંખ્યા ૪૧૦ હતી. તો ૨૦૩૦ સુધીમાં પરમાણુ હથિયારોની સંખ્યા ૧૦૦૦ કરવાની ચીનની યોજના છે.
પરમાણુ હથિયારોને ઘટાડવા અને ખતમ કરવા માટે સમગ્ર વિશ્વમાં અભિયાન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં જાે ચીન પોતાના હથિયારોનો ભંડાર વધારશે તો તેનાથી વિશ્વને મુશ્કેલી થશે. કારણ કે, ચીન ઝડપથી પરમાણુ હથિયારો વધારી રહ્યું છે. નવાઈની વાત એ છે કે, ચીનની આ ઝડપ અમેરિકા અને રશિયા કરતા ઘણી વધારે છે. રિપોર્ટ અનુસાર, હાલમાં રશિયા પાસે સૌથી વધુ ૫૫૮૦ પરમાણુ હથિયારો છે. જ્યારે અમેરિકામાં ૫૦૪૪ છે. ચીન ૫૦૦ પરમાણુ હથિયારો સાથે ત્રીજા સ્થાને છે. અમેરિકાની ચિંતાનું બીજું કારણ એ છે કે, જાે રશિયા, ચીન અને ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોની સંખ્યાને જાેડીએ તો આ આંકડો ૬૧૩૦ થઈ જાય છે. એકલા ઉત્તર કોરિયા પાસે ૫૦ પરમાણુ હથિયારો છે.
અમેરિકાને એ વાતની પણ ચિંતા છે કે, ચીન ૨૦૩૦ સુધીમાં તેના પરમાણુ હથિયારોની સંખ્યા બમણી કરી દેશે. જાે કે, ચીન પરમાણુ હથિયારોની ઝડપનો બચાવ કરે છે અને દલીલ કરે છે કે, ચીન અન્ય પરમાણુ સશસ્ત્ર દેશોના જાેખમોને ટાળવા માટે પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું છે. હવે જાેવાનું એ રહે છે કે, આ પરમાણુ હથિયારોની રેસ ક્યાં સુધી જશે. રશિયા, અમેરિકા અને ચીન ઉપરાંત બીજા દેશો પાસે કેટલા પરમાણુ હથિયાર છે, તેની વાત કરીએ તો ચોથા સ્થાને ફ્રાન્સ છે, જેની પાસે ૨૯૦ પરમાણુ હથિયાર છે, તો ૨૨૫ પરમાણુ હથિયારો સાથે યુકે પાંચમા ક્રમે છે. ભારતની વાત કરીએ તો, ૧૭૨ પરમાણુ હથિયારો સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન ૧૭૦ પરમાણુ હથિયારો સાથે સાતમા સ્થાને છે, ત્યાર બાદ ઈઝરાયેલ છે, જેની પાસે ૯૦ પરમાણુ હથિયાર છે.
પરમાણુ બોમ્બની સૌથી ખતરનાક બાબત એ છે કે, વિસ્ફોટ પછી કિરણોત્સર્ગી કણો પર્યાવરણમાં ફેલાય છે અને તેની અસર પૃથ્વીના લોકો પર લાંબા સમય સુધી જાેવા મળે છે. પરમાણુ હુમલાને કારણે તીવ્ર ગરમી અને રેડિયેશન નીકળે છે. તે લોકોને લાંબા સમય સુધી અસર કરે છે અને લ્યુકેમિયા, કેન્સર સહિત અનેક રોગોનું કારણ બને છે. જાે કોઈપણ દેશ વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો સમગ્ર વિશ્વને નુકસાન થઈ શકે છે. જાે એકથી વધુ પરમાણુ બોમ્બ વિસ્ફોટ થાય તો પૃથ્વીની આબોહવા વ્યવસ્થા પણ બગડી શકે છે.
(જી.એન.એસ)