“નન્હે રોઝેદાર” : માત્ર ૬ અને ૭ વર્ષની બે નાની બાળકીઓએ પુરા મહિનાના “રોઝા” રાખી પરિવારનું ગૌરવ વધાર્યું
આટલી નાની ઉમરમાં બંને બહેનોએ પુરા મહિનાના “રોઝા” રાખીને પરીવાર તથા કુટુંબની ખુશીમાં વધારો કર્યો છે.
અમદાવાદ,તા.૧૦
“માહ-એ-રમઝાન” મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. “રમઝાન” મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો “રોઝા” રાખીને અલ્લાહની ઇબાદત કરે છે. ૪૦ ડિગ્રી તાપમાનમાં પાણીનો એક ધૂંટ પણ મોઢામાં ન નાખવો અને તેમ છતાં દિવસભરની નિયમિત ભાગદોડ કરતા રહેવું તે કંઇ સરળ વાત નથી.
આવી સખત ગરમીમાં અને શાળામાં પરીક્ષા ચાલુ હોવા છતાં માત્ર ૬ વર્ષની શેખ મરિયમ બીબી અને તેની મોટી બહેન ફક્ત ૭ વર્ષની શેખ અશરફીયા ખાતુન આ બે નાની બાળકીઓએ આખા “રમઝાન” મહિનાના એટલે કે, પુરા ૩૦ “રોઝા” રાખ્યા છે. આ બે નાની બાળકીઓએ ગયા વર્ષે પહેલો રોઝો રાખ્યો હતો. ત્યારે જ બંને બહેનોએ નક્કી કરી લીધું હતું કે, તેઓ આવતા વર્ષે પુરા મહિનાના “રોઝા” રાખશે…અને બંને બહેનોએ જે નક્કી કરેલું તે કરી બતાવ્યું.
આ બંને દીકરીઓને સવાલ પૂછવામાં આવ્યું કે, તમે બંને બહેનોએ કોને જોઇને અને કેમ આખા મહિનાના “રોઝા” રાખ્યા તો તેના જવાબમાં બંને બહેનોએ કીધું કે, “અમે ગયા વર્ષે જયારે પેહલો રોઝો રાખેલો ત્યારે જ નક્કી કરી લીધેલું કે, અમે આવતા વર્ષે બધા જ રોઝા રાખીશું. અમારા ઘરમાં પૂરી ફેમેલી રોઝો રાખે છે એટલે અમે પણ એમની સાથે-સાથે “રોઝા” રાખી લીધા.”
આવી કાળઝાળ ગરમીમાં “રોઝા” રાખતા તમામ રોઝેદારો ખરા અર્થમાં અભિનંદનને પાત્ર છે. આટલી નાની ઉમરમાં બંને બહેનોએ પુરા મહિનાના “રોઝા” રાખીને પરીવાર તથા કુટુંબની ખુશીમાં વધારો કર્યો છે. અલ્લાહ પાક બધા જ રોઝેદારોના “રોઝા” અને “દુઆ” કબુલ કરે…(આમીન)