માતા-પિતા લડ્યા તો ઘરેથી ભાગી ગયો, થોડા જ કલાકોમાં પોલીસે શોધી કાઢ્યો
મુંબઈ, તા.૨૮
મુંબઈમાં પબજી ગેમમાં પાગલ એક ૧૬ વર્ષના યુવકે પરિવારના ૧૦ લાખ લૂંટાવી દીધા છે. આ વિશે માતા-પિતાને જાણ થતાં તેમણે છોકરાની ઝાટકણી કાઢી હતી. પરિણામે, નારાજ યુવક ઘરેથી ભાગી ગયો હતો. જાેકે મુંબઈ પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ યુવકને શોધીને પરિવારને સોંપી દીધો હતો. મુંબઈ પોલીસના DCP દત્તા નલાવડેએ જણાવ્યું હતું કે અંધેરીમાં એક ૧૬ વર્ષના છોકરાની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે છોકરાને પબજી રમવાની લત હતી અને તેણે ગેમ ID અને UC ખરીદવા માટે સમયાંતરે પોતાનાં માતા-પિતાના એકાઉન્ટમાંથી રૂ. ૧૦ લાખની રકમ કાઢી હતી. માતા-પિતા તેની સાથે લડતાં તે ઘરેથી નારાજ થઈને જતો રહ્યો હતો. અમારી ટીમે ગણતરીના કલાકોમાં તેને અંધેરી (પૂર્વ)ના મહાકાલી કેવ્સ વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો.
નલાવડેએ જણાવ્યું હતું કે યુવકના ગુમ થયા પછી તેના અપહરણની ફરિયાદ એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પ્રતિબંધ પછી ભારતમાં ફરીથી લોન્ચ થયેલી ઓનલાઈન એક્શન ગેમ પબજી વિશે ફરી નેગેટિવ સમાચારો સામે આવવા લાગ્યા છે. યુવક તેની મરજીથી ઘર છોડીને જતો રહ્યો હતો. તેથી હવે આ કેસને ક્લોઝ કરી દેવામાં આવ્યો છે અને યુવકને સમજાવીને તેના ઘરે મોકલી દેવામાં આવ્યો છે. અમે પરિવારને યુવકનું કાઉન્સેલિંગ કરાવવાની સલાહ પણ આપી છે. તપાસ દરમિયાન છોકરાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી તેને પબજી રમવાની લત લાગી હતી અને મોબાઈલ ફોનથી ગેમ રમતાં રમતાં તેણે તેની માતાના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. ૧૦ લાખનો ખર્ચ કરી દીધો હતો. આ વિશે જ્યારે અમે તેને લડ્યા તો તે ઘરેથી ભાગી ગયો હતો.