રફાહ પર ઈઝરાયેલ હવાઈ હુમલા બાદ નિર્દોષ બાળકો માટે દફનવિધિની તૈયારીઓ
આ સંઘર્ષમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા જાેતા લાગે છે કે, માનવ વસ્તીનું નિકંદન કાઢી નાખવા માટે દુનિયા ઉપરના કેટલાક સનકી લોકો જ કાફી છે.
રફાહ,તા.21
ઈઝરાયેલ હમાસ વચ્ચેનો સંઘર્ષ અત્યાર સુધીમાં કેટલાએ નિર્દોષ બાળકોનો ભોગ લઇ ચુક્યો છે અને તે હજુ પણ સતત ચાલુ છે. રફાહ શહેરમાં ઘરો પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોમાં મોટે ભાગે બાળકો જાેવા મળી રહ્યા છે જેમને અલ-નજ્જર હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
ઇઝરાયેલી દળોએ વેસ્ટ બેંકના તુલકરેમમાં નૂર શમ્સ શરણાર્થી શિબિર પર બીજા દિવસે પણ હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે જેમાં ઘણા લોકો માર્યા ગયા છે. શરણાર્થી શિબિરો સ્ત્રીઓ અને બાળકોથી ભરેલી છે. ઈઝરાયેલના સૈન્ય દળો પુરુષોને બંધક બનાવીને લઇ જતા હોય છે ત્યાર પછી થતા હુમલાઓમાં સ્ત્રીઓ અને બાળકોનો મૃત્યુઆંક ઉંચો આવતો હોય છે. સ્થાનિકોના કહેવા મુજબ ઇઝરાયેલી દળોએ રફાહને અડીને આવેલા વિસ્તારોમાં સૌથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે જેથી આ વિસ્તારોની ખેતીની જમીનનો મોટા પાયે નાશ થયો છે અને હવે આ વિસ્તાર માનવ વસવાટને લાયક બનતા ઘણો સમય લાગી જશે.
૭ ઓક્ટોબરથી ગાઝા પર ઈઝરાયેલના હુમલાઓમાં ઓછામાં ઓછા ૩૪,૦૪૯ લોકો માર્યા ગયા છે અને ૭૬,૯૦૧ લોકો ઘાયલ થયા છે. હમાસના ઑક્ટોબર ૭ના હુમલામાં ઈઝરાયેલમાં મૃત્યુઆંક ૧,૧૩૯ છે જેમાં ગાઝામાં ડઝનબંધ બંધકો છે. આ સંઘર્ષમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા જાેતા લાગે છે કે, માનવ વસ્તીનું નિકંદન કાઢી નાખવા માટે દુનિયા ઉપરના કેટલાક સનકી લોકો જ કાફી છે.