Safeer News

Breaking News from Ahmedabad

દેશ

પદ્મ પુરસ્કાર-૨૦૨૫ માટેના નામાંકન ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી ખુલ્લા રહેશે..!

નવી દિલ્હી,તા. 24

સરકાર પદ્મ પુરસ્કારોને “લોકોના પદ્મ”માં પરિવતિર્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. આથી તમામ નાગરિકોને સ્વ-નામાંકન સહિત નામાંકન/ભલામણો કરવા વિનંતી છે.

પ્રજાસત્તાક દિન, ૨૦૨૫ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો ૨૦૨૫ માટે નામાંકન/ભલામણો ૦૧ મે, ૨૦૨૪થી શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ છે. પદ્મ પુરસ્કાર માટે નામાંકનો/ભલામણો રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) પર ઓનલાઇન પ્રાપ્ત થશે.

પદ્મ પુરસ્કાર, અર્થાત પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક છે. ૧૯૫૪માં સ્થપાયેલા આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે કરવામાં આવે છે. આ પુરસ્કાર ‘વિશેષ કાર્ય’ને માન્યતા આપવાનો આશય ધરાવે છે. કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, જાહેર બાબતો, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ વગેરે જેવા તમામ ક્ષેત્રો/વિષયોમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ/સેવા માટે આપવામાં આવે છે. જાતિ, વ્યવસાય, પદ અથવા લિંગના તફાવત વિનાની તમામ વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો સિવાય પીએસયુમાં કામ કરતા સરકારી કર્મચારીઓ પદ્મ પુરસ્કારો માટે લાયક નથી.

મહિલાઓ, સમાજના નબળા વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ વ્યક્તિઓ અને જેઓ સમાજની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે, તેમનામાંથી જેમની ઉત્કૃષ્ટતા અને સિદ્ધિઓ ખરેખર લાયક છે, તેમને ઓળખવા માટે નક્કર પ્રયાસો કરી શકાય તેમ છે.

નોમિનેશન્સ/ભલામણોમાં ઉપરોક્ત પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મેટમાં ઉલ્લેખિત તમામ પ્રસ્તુત વિગતો સામેલ હોવી જોઈએ, જેમાં વર્ણનાત્મક સ્વરૂપે પ્રશસ્તિપત્ર (મહત્તમ ૮૦૦ શબ્દો) સામેલ હોવા જોઈએ, જે સ્પષ્ટપણે તેના સંબંધિત ક્ષેત્ર/શિસ્તમાં ભલામણ કરાયેલી વ્યક્તિની વિશિષ્ટ અને અપવાદરૂપ સિદ્ધિઓ/સેવાને ઉજાગર કરે છે.

આ અંગેની વિગતો ગૃહ મંત્રાલયની વેબસાઇટ (https://mha.gov.in) પર ‘એવોડ્‌ર્સ એન્ડ મેડલ્સ’ શીર્ષક હેઠળ અને પદ્મ પુરસ્કારો પોર્ટલ (https://padmaawards.gov.in)પર પણ ઉપલબ્ધ છે. આ પુરસ્કારોને લગતા કાયદા અને નિયમો વેબસાઇટ પર લિંક https://padmaawards.gov.in/AboutAwards.aspx સાથે ઉપલબ્ધ છે.

 

(જી.એન.એસ)