Safeer News

Breaking News from Ahmedabad

દેશ

OLAએ શેરબજારમાં એન્ટ્રી લેતા જ તેના રોકાણકારોને અમીર બનાવી દીધા

મુંબઇ,તા.૧૩

માત્ર ૩ દિવસમાં તેના શેરની કિંમતમાં ૭૧ ટકા સુધીનો ઉછાળો જાેવા મળ્યો છે.

કંપનીએ જાહેરાત કરી છે કે, લિસ્ટિંગ પછી તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રથમ બેઠક ૧૪ ઓગસ્ટે યોજાશે.

ઓલા ઇલેક્ટ્રિક દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક ૨-વ્હીલર કંપનીઓમાંની એક છે. તાજેતરમાં કંપનીએ શેરબજારમાં પ્રવેશ કર્યો છે. કંપનીના શેરોએ માર્કેટમાં લિસ્ટ થયા બાદ તરત જ રોકાણકારોને મોટો નફો આપ્યો છે. કંપનીના શેરે માત્ર ૩ દિવસમાં રોકાણકારોને ૭૧ ટકા વળતર આપ્યું છે.

ઓલા ઈલેક્ટ્રીકના શેરની આઈપીઓ કિંમત રૂ. ૭૬ હતી. કંપનીના શેરની લિસ્ટિંગ કિંમત પણ આની આસપાસ હતી. પરંતુ માત્ર ૩ દિવસમાં તેના શેરની કિંમતમાં ૭૧ ટકા સુધીનો ઉછાળો જાેવા મળ્યો છે. મંગળવારે બપોરે ૧૨ વાગ્યે ઓલા ઈલેક્ટ્રીકના શેર ૧૧૪ રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યા હતા. પરંતુ દિવસના ટ્રેડિંગ દરમિયાન તે ૧૩૧ રૂપિયાની હાઈ સપાટીએ જાેવા મળ્યો હતો. આ રીતે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ૫૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ પહોંચી ગયું છે.

કંપનીએ જાહેરાત કરી છે કે, લિસ્ટિંગ પછી તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રથમ બેઠક ૧૪ ઓગસ્ટે યોજાશે. કંપની તે જ દિવસે તેના એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. આ સિવાય કંપની ૧૫ ઓગસ્ટે પોતાની ઈલેક્ટ્રિક બાઈકનું પ્રદર્શન પણ કરી શકે છે. કંપનીએ તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર પણ ૧૫ ઓગસ્ટે જ લોન્ચ કર્યું હતું. ઓલા ઈલેક્ટ્રિકના લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં ડિસ્કાઉન્ટ પર શેરની માંગ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ કંપનીના શેરની કિંમત ૭૩ રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ ઓલા ઈલેક્ટ્રિકના શેરના લિસ્ટિંગથી ગ્રે માર્કેટના તમામ અંદાજાે નષ્ટ થઈ ગયા. પહેલા જ દિવસે કંપનીના શેર ૨૦ ટકા એટલે કે, અપર સર્કિટને ટચ કરી ગયા હતા.

ઓલા ઈલેક્ટ્રીકએ હાલમાં જ તેનો આઈપીઓ લોન્ચ કર્યો હતો. કંપનીનું કહેવું છે કે, તે IPOમાંથી એકત્ર થયેલા મોટા ભાગના નાણાંનો ઉપયોગ તેના વિસ્તરણ માટે કરશે. ઓલા ઈલેક્ટ્રિક ઝડપથી તેની ભાવિ ફેક્ટરી વિકસાવી રહી છે, જે દર વર્ષે ૧ કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવશે.

 

(જી.એન.એસ)