આ ઘટનામાં ગોળી હાથમાં વાગતાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો.
બિહાર,તા.૩૧
તમે એનિમલ ફિલ્મ તો જોઈ જ હશે. ફિલ્મનો હીરો બહેનને પરેશાન કરતા છાત્રોને સબક શિખવવા ક્લાસમાં એકે ૪૭ લઈને પહોંચે છે. બિહારના સુપૌલ જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં લાલપટ્ટી વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં અભ્યાસ કરતા નર્સરી ક્લાસના વિદ્યાર્થીએ ૧૦ વર્ષના બાળકને ગોળી મારી દીધી છે.
આ ઘટનામાં ગોળી હાથમાં વાગતાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ નર્સરીમાં ભણતા પાંચ વર્ષનો બાળક બંદૂક પોતાની બેગમાં છુપાવીને લાવ્યો હતો. આ ઘટના બાદ શાળામાં ચકચાર મચી ગઈ હતી. માહિતી બાદ પોલીસ શાળામાં પહોંચી અને પાંચ વર્ષના બાળક સુધી હથિયાર કેવી રીતે પહોંચ્યું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસ અધિક્ષક શૈશવ યાદવના જણાવ્યા અનુસાર, “નર્સરીના વિદ્યાર્થીએ એ જ શાળામાં ધોરણ ૩માં અભ્યાસ કરતા ૧૦ વર્ષના છોકરા પર ગોળીબાર કર્યો. “અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, બાળકને બંદૂક કેવી રીતે મળી અને તે શાળાએ લઈ જવામાં સફળ કેવી રીતે થયો.” સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસ અધિક્ષકે અપીલ કરી છે કે, “જિલ્લાભરની શાળાઓ નિયમિત ધોરણે વિદ્યાર્થીઓની બેગની સંપૂર્ણ તપાસ કરે. આ ઘટના વાલીઓ અને બાળકો માટે ચિંતાનો વિષય છે.” ભારતમાં ગનકલ્ચરનો વિકાસ થયો નથી. ઘરમાં બંદૂક રાખવી એ જ કલ્પના બહાર છે. તમારે બંદૂક રાખવી હોય તો લાયસન્સ લેવું પડે છે.
(જી.એન.એસ)