ઐતિહાસિક “નગરદેવી ભદ્રકાળી માતા”ના મંદિર જોડે ઐતિહાસિક ત્રણ દરવાજા બઝાર પણ આવેલું છે જ્યાં ઘણા વર્ષોથી હજારો લોકો રોજી-રોટી માટે ફૂટપાથ પર બેસીને ધંધો કરે છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.
“નગરદેવી ભદ્રકાળી માતા”ના મંદિરમાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ બઝારમાં મનમુકીને ખરીદી કરતા હોય છે અને ખુશી ખુશી ઘરે પરત ફરતા હોય છે.

અમદાવાદ,તા.૧૩
શહેરના ત્રણ દરવાજા ભદ્ર પ્લાજા ખાતે “નગરદેવી ભદ્રકાળી માતા”નો ઐતિહાસિક મંદિર આવેલું છે. જ્યાં હજારોની તાદાદ (સંખ્યા)માં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે માથું ટેકવા આવતા હોય છે અને પોતાની મનોકામનાઓ પૂરી થાય તેવી પ્રાર્થના કરીને ખુશખુશાલ થઈને ઘરે જતા હોય છે.
ઐતિહાસિક “નગરદેવી ભદ્રકાળી માતા”ના મંદિર જોડે ઐતિહાસિક ત્રણ દરવાજા બઝાર પણ આવેલું છે જ્યાં હજારો લોકો રોજી-રોટી માટે ફૂટપાથ પર બેસીને ધંધો કરે છે અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. આ ઐતિહાસિક ત્રણ દરવાજા બઝારની એક ખુશુશીયાત (ખાશીયત) એ છે કે, અહીં બધા જ ધર્મના લોકો કોમી એખલાસ સાથે ધંધો કરે છે અને રોજગાર મેળવે છે. ઈદ હોય દિવાળી હોય કે, પછી લગ્ન ગાળો ચાલતો હોય આજુબાજુના ગામના લોકોની પેહલી પસંદ આ માર્કેટ છે. જ્યાં લોકોના બજેટ પ્રમાણે સારી અને સસ્તી ખરીદી થઇ જાય છે. ગરીબોનો તહેવાર સચવાઈ જાય છે.

“નગરદેવી ભદ્રકાળી માતા”ના મંદિરમાં દર્શન કરીને શ્રદ્ધાળુઓ બઝારમાં મનમુકીને ખરીદી કરતા હોય છે અને ખુશી ખુશી ઘરે પરત ફરતા હોય છે. એવું લાગે છે કે, જાણે “નગરદેવી”ના આશીર્વાદથી જ આ બઝાર ચાલતું હોય..! પરંતુ આ વર્ષે દિવાળીના સમયે જે રોનક આ બઝારમાં દેખાતી હતી એ અદ્રશ્ય થઇ ગઈ છે કારણ કે, AMC દ્વારા બઝારમાં જે પાથરણા લગાવીને ધંધો કરતા છે તેઓને એમ કહીને હટાવી દેવામાં આવ્યા છે કે, તેઓ દબાણ કરે છે. જો આપણા હાથની આંગળીમાં તકલીફ હોય તો આંગળીનો ઈલાજ કરવામાં આવે… હાથને કાપીને ફેંકી થોડી દેવાનું હોય છે..! અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ દબાણ દુર કરવું જોઈએ પણ તેમણે તો લોકોની રોઝીરોટી જ છીનવી લીધી.

દિવાળીના સમયે કોર્પોરેશનનું આ પગલું કેટલું વાજબી છે..? આખા વર્ષ દિવાળીની રાહ જોતા નાના-મોટા વેપારીઓના મનમાં અનેક સવાલો ઉભા થયા છે કે, જો આવું જ રહ્યું તો અમે જે દિવાળી માટે માલનો સ્ટોક કર્યો છે તેનું શુ થશે..? જ્યાંથી ઉધાર માલ લીધું છે તેમને પૈસા કેવી રીતે ચૂકવીશું..? દિવાળી પછી આ માલ ક્યાં વેચીશું..? એવા તો ઘણા બધા સવાલો છે જેના જવાબ આ ગરીબ વેપારીઓને ફક્ત AMCના પદાધિકારીઓ જ આપી શકે છે.

અમદાવાદ કોર્પોરેશનની દબાણ શાખા અને પોલીસ દ્વારા પાથરણાં બઝાર બંધ કરાવી દેવામાં આવ્યું છે. રસ્તા પર બેઠેલા તમામ ફેરિયાઓને હટાવી દેવાયા છે. સામાન્ય રકઝક અને સમજાવટ બાદ તમામ ફેરિયાઓ દ્વારા પાથરણાં બઝાર બંધ કરવાના તંત્રના નિર્ણય સાથે સંમત થયા છે. તમામને હાલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા હટાવી દેવાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્કેટમાં સામાન્ય દિવસોમાં પણ લોકોની ભીડ જોવા મળતી હોય છે. તેવામાં તહેવારોના સમયે તો અહીં ખુબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે, તો તેને લઈને તંત્ર દ્વારા પાથરણાં બઝાર બંધ કરી દેવું અને રોજ લાઈને રોજ ખાવા વાળા ગરીબોની રોજી-રોટી છીનવી લેવી આ પગલું કેટલું યોગ્ય…?!