Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

માલદીવમાં ઈઝરાયેલના નાગરિકો માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

ગાઝા યુદ્ધ બાદ માલદીવ સરકારનું મોટું પગલું

મેલ, તા. ૩
રફાહ પર હુમલા બાદ માલદીવની સરકારે મોટું પગલું ભર્યું છે. મોઇઝ્‌‌ઝુ સરકારે ઈઝરાયેલના નાગરિકો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગાઝા પર ઈઝરાયેલી સેનાના હુમલાને લઈને માલદીવના લોકોમાં સતત વધી રહેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને મોઇઝ્‌‌ઝુ સરકાર દ્વારા આ મોટું પગલું ભરવામાં આવ્યું છે.

માલદીવના ગૃહમંત્રીએ ઈમરજન્સી પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, હવે ઈઝરાયેલના લોકો માલદીવમાં પ્રવેશી શકશે નહીં. માલદીવના ગૃહ પ્રધાન અલી ઇહુસને જણાવ્યું હતું કે, કેબિનેટે આજે ઇઝરાયેલી પાસપોર્ટ પર માલદીવમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે જરૂરી કાયદાકીય સુધારા ઝડપથી કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એક વિશેષ સમિતિની રચના કરી છે, જેમાં દેશના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓને રાખવામાં આવ્યા છે. કેબિનેટે પેલેસ્ટાઈનને લઈને અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા છે. તેમાં પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે યુએનઆરડબલ્યુએ દ્વારા ભંડોળ ઊભું કરવું, પેલેસ્ટાઈન સાથે એકતા માટે રેલી કરવી અને પેલેસ્ટિનિયન સંઘર્ષના ઉકેલ માટે મુસ્લિમ દેશો સાથે ચર્ચા કરવાનો સમાવેશ થાય છે.

માલદીવમાં દર વર્ષે લગભગ ૧ મિલિયનથી વધુ પ્રવાસીઓ આવે છે જેમાં ઇઝરાયેલના લગભગ ૧૫,૦૦૦ પ્રવાસીઓનો સમાવેશ થાય છે. કેબિનેટે પેલેસ્ટાઈનને માલદીવની મદદની જરૂર હોય તેવા ક્ષેત્રોને ઓળખવા માટે વિશેષ દૂતની નિમણૂક કરવાનો પણ નિર્ણય કર્યો. બીજી તરફ, ભારત માલદીવમાં $ 23 મિલિયન અમેરિકી ડોલરના મૂલ્યના ૬૫ સામુદાયિક વિકાસ પ્રોજેક્ટ્‌‌સને સમર્થન આપી રહ્યું છે અને તેના અમલીકરણમાં સતત પ્રગતિ થઈ રહી છે.

 

(જી.એન.એસ)