લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’ના સૂત્ર સાથે મેટ્રો સ્ટેશન તથા ટ્રેનમાં ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું.
મેટ્રો ટ્રેનમાં ગુંજ્યો ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નાદ, મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા નાગરિકોએ લીધા અચૂક મતદાનના શપથ
અમદાવાદ,તા.૧૫
આગામી તા.૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત શહેરના અનેક આઇકોનિક સ્થળ પર ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરના મેટ્રો સ્ટેશન તથા મેટ્રો ટ્રેનમાં ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત યુવાનો દ્વારા મેટ્રો સ્ટેશન ખાતે ‘મતદાન જાગૃતિ’ અંગે આકર્ષક રંગોળી કંડારવામાં આવી હતી.
પ્રથમ વખતના યુવા મતદારોએ ગુજરાત યુનિવર્સિટીથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. તે દરમિયાન નાગરિકો સાથે મતદાન કરવા મુદ્દે સંવાદ સાધ્યો હતો. યુવાનોએ મતદાન પર્વના મહત્ત્વ વિશે લોકોને સમજ આપી હતી.
આ ઉપરાંત ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડી હતી. વધુમાં મતદાનની પ્રક્રિયા જેવી બાબતો વિશે પણ માહિતી આપી હતી.
યુવાનો દ્વારા મેટ્રો ટ્રેનમાં ‘દસ મિનિટ, દેશ માટે’ના નાદ સાથે મુસાફરી કરતા સૌને દેશહિતમાં અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી. મુસાફરોએ પણ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે, તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે.
(જી.એન.એસ)