અખાદ્ય વસ્તુ સહિતની રૂ. ૨.૨૭ કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. ૫.૯૨ કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી
અમદાવાદ,
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિર્વાચન અધિકારીના નેતૃત્વમાં રાજ્યભરમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ આદર્શ આચારસંહિતાની ચુસ્ત અમલવારી, ચૂંટણી ખર્ચ નિરિક્ષણ તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા વિવિધ ટીમો કાર્યરત થઈ ગઈ છે.
લોકસભાની ૨૬ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ૦૫ બેઠકોની પેટાચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્દેશિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નક્કી કરવામાં આવેલી ખર્ચ મર્યાદા જળવાઈ રહે અને પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર અટકે તે માટે ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં ૭૫૬ ફ્લાઈંગ સ્કવોર્ડ કાર્યરત છે.
આ ટીમો દ્વારા અત્યાર સુધીમાં રૂ.૧.૩૫ કરોડની કિંમતનો ૩૯,૫૮૪ લીટર દારૂ, રૂ. ૨.૨૮ કરોડની કિંમતનું ૩.૪૧ કિલો સોનું અને ચાંદી તથા મોટરકાર, મોટર સાઈકલ અને અખાદ્ય ગોળ સહિતની રૂ.૨.૨૭ કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. ૫.૯૨ કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. રાજ્યનો કોઈપણ નાગરિક કોઇપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી C-Vigil (સી-વીજીલ) મોબાઈલ ઍપ પર તા.૧૬/૦૩/૨૦૨૪થી તા.૨૦/૦૩/૨૦૨૪ સુધી કુલ ૨૧૮ ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક અસરથી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. National Grievance Services Portal પર તા.૧૬/૦૩/૨૦૨૪થી આજદિન સુધી મતદાર ઓળખપત્ર (EPIC) અંગેની ૯૪૨, મતદાર યાદી સંબંધી ૬૮, મતદાર કાપલી સંબંધી ૨૦ તથા અન્ય ૩૨૧ મળી કુલ ૧,૩૫૧ ફરિયાદો મળી છે.
આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.૧૬/૦૩/૨૦૨૪થી આજદિન સુધીમાં કુલ ૦૮ ફરિયાદો મળી છે, જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં ટપાલ અને ઈ-મેઇલ મારફતે મીડીયા સંબંધી ૦૮, રાજકીય પક્ષો લગત ૦૧ તથા અન્ય ૪૨ સામાન્ય મળી કુલ ૫૧ ફરિયાદો મળી છે. વધુમાં તા.૧૬/૦૩/૨૦૨૪થી અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમાનુસારની કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ ૧,૪૭,૧૯૫ તથા ખાનગી મિલકતો પરથી કુલ ૫૪,૯૨૪ રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.
(જી.એન.એસ)