બન્ને બહેનોએ મેટ્રોપોલિટન કોર્ટમાં એડવોકેટ અજય શેખાવત મારફતે સામેથી લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવા માટે અરજી કરી છે.
અમદાવાદ,
નરોડામાં સાસુએ જ પુત્રવધૂ અને તેની બહેન સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. નરોડા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. આ જ કેસમાં પુત્રવધૂ અને તેની બહેને સામેથી લાઇ ડિટેક્ટર ટેસ્ટની અરજી મેટ્રોકોર્ટ-૧૮માં કરી છે. નોંધનીય છે કે, ચોરીના કેસમાં જેની પર ચોરીનો આરોપ હોય તે જ સામેથી લાઇ ડિટેક્ટર ટેસ્ટની અરજી કરે તેવો આ પહેલો કિસ્સો હશે.
નરોડા વિસ્તારમાં રહેતા માણેક બહેન ઇશ્વરજી સોલંકીએ પુત્રવધૂ કિરણબહેન અને તેની બહેન શિતલબહેન ઠાકોર સામે ચોરીની ફરિયાદ નોંધાવી આક્ષેપ મૂક્યો હતો કે, ફરિયાદી બહાર હતા ત્યારે કિરણ અને તેની બહેન શિતલ ઘરમાં આવ્યા હતા અને ૧.૩૦ લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. પોલીસે બન્ને બહેનોની ધરપકડ કરી જેલમાં મોકલી હતી. બીજી તરફ સેશન્સ કોર્ટે બન્ને બહેનો ખોટી રીતે ગુનામાં સંડોવી દેવાયા હોવાનું અવલોકન કરી જામીન પર મુક્ત કરી હતી. મુક્ત થયા બાદ બન્ને બહેનોએ મેટ્રોપોલિટન કોર્ટમાં એડવોકેટ અજય શેખાવત મારફતે સામેથી લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવા માટે અરજી કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે, અમે ફરિયાદી સાથે એક જ ઘરમાં રહેતા હતા, કોઇ જ ગુનાઇત ઇતિહાસ નથી, સાસુએ ખોટી રીતે ફરિયાદ કરી છે, અમારી ધરપકડ બાદ પણ કોઇ જ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો નથી, અમે નિર્દોષ છીએ તેથી કોર્ટ તાકીદે અમારો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવા પરવાનગી આપે.
ફરિયાદમાં ફરિયાદીએ ચોરી કરનાર મહિલાને પોતાની બહેનના દીકરાની પુત્રવધૂ હોવાનું દર્શાવ્યું છે. પરંતુ અમારી પાસે જે દસ્તાવેજ છે તેમાં સ્પષ્ટ થઇ જાય છે કે, આરોપી કિરણના પતિ મુકેશને ફરિયાદીએ દતક લીધેલ છે. આમ ફરિયાદીએ ફરિયાદમાં પોલીસને ગેરમાર્ગે દોરી છે. ઉપરાંત ચોરીની ફરિયાદ પણ ખોટી રીતે કરવામાં આવી છે. અમે આ મામલે સામેથી જ લાઇ ડિટેક્ટર ટેસ્ટની અરજી કરી છે.
(જી.એન.એસ)