“રમઝાનુલ મુબારક”નો ૧૭મો ચાંદ એટલે “જંગે બદર”
(સૈયદ એહસાનુલહક કાદરી હૂદી હુસૈની)
ઈતિહાસકાર ઈબ્ને કસીરનું વર્ણન છે કે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે મુહાજિરીનનો અલમ હઝરત અલી ઈબ્ને અબીતાલિબ કર્રમલ્લાહુ વજહહુલ કરીમને આપ્યો. તે સમયે હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમ ઉંમર ફક્ત વીસ વરસની હતી. જયારે અનસારનો અલમ સઅદ ઈબ્ને અબાદહને આપ્યો. (અલ બિદાયા વન્નિહાયા, ભાગ ૭, પેજ નં. ૨૩૨)
તમામ સહાબા હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમનના હાથ નીચે હતા. દુશ્મનો પણ સફો બાંધીને હથિયાર સજીને મુકાબલા પર આવ્યા.
ઉતબા ઈબ્ને રબીયા, તેનો ભાઈ શૈબા અને તેનો પુત્ર વલીદ કુરૈશની સફોમાંથી નીકળી મુસલમાનોની સામે આવ્યા. મુસલમાનોના લશ્કરમાંથી ઔફ ઈબ્ને હારિશ, મઉઝ ઈબ્ને હારિશ અને અબ્દુલ્લાહ ઈબ્ને રવાહા રદિયલ્લાહુ અન્હુમ મુકાબલા માટે બહાર આવ્યા.
ઉતબાએ પુછયું તમે કોણ છો ? ઉત્તર આપ્યો અમે અનસારે મદીના છીએ. ઉતબાએ પોતાની પેશાની ઉપર વળ ચઢાવીને કહ્યું. તમે અમારી બરાબરીના લોકો નથી. માટે તમે પાછા જાઓ. પછી તેણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમ ને ઉદ્દેશીને કહ્યું :
‘‘અય મુહમ્મદ! અમારા મુકાબલા માટે અમારી બરાબરીના લોકોને મોકલો. જે અમારી કોમમાંથી હોય.”
આ ત્રણે પોતાની સફોમાં પાછા ફર્યા. પયગમ્બરે ઈસ્લામે જયારે કુરૈશની આ અહંકારી મનોવૃત્તિ જોઈ તો સમજી ગયા કે આ લોકોની પ્રકૃત્તિમાં ઘમંડીપણું છે. તેઓ અનસારને પોતાના મુકાબલે સમજતા નથી. તો તેમની જગ્યાએ ઉબૈદા ઈબ્ને હારિશ, હમઝહ ઈબ્ને અબ્દુલ મુત્તલિબ, અને અલી ઈબ્ને અબીતાલિબને રદિયલ્લાહુ અન્હુમ ને મોકલ્યા. જેમાં હઝરત ઉબૈદા રદિયલ્લાહુ અન્હુની ઉમર ૭૦ વર્ષની હતી.
ઉતબાએ ફક્ત આ જ માંગણી કરી હતી કે તેમના મુકાબલા માટે કુરૈશી આવે. પરંતુ પયગમ્બરે ઈસ્લામે ન ફક્ત કુરૈશને બલકે કુરૈશમાંથી પણ ઉચ્ચોચ્ચ એવા જનાબ અબ્દુલ મુત્તલિબના જિગરના ટૂકડાઓને પસંદ કરીને મોકલ્યા. પોતાના સગા કાકા હઝરત હમઝહ તથા પોતાના કાકાના દીકરા ભાઈ અને લાડલી બેટીના શોહર-જમાઈ હઝરત અલી ઈબ્ને અબીતાલિબ કર્રમલ્લાહુ વજહહુલ કરીમને મોકલ્યા. હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમ તો નવયુવાન હતા, અને પ્રથમવાર એક અનુભવી યોધ્ધાની જેમ મેદાનમાં કૂદી પડયા.
જયારે ઉતબાને ખબર પડી કે અલી, હમઝા અને ઉબૈદા લડવા માટે આવ્યા છે. તો બોલ્યો કે આ બરાબરીની લડાઈ છે. હઝરત ઉબૈદા ઉતબા સાથે, હઝરત હમઝહ શીબા સાથે અને હઝરત અલી વલીદ સાથે લડવા તૈયાર થયા. વલીદે તલવારનો વાર કર્યો પરંતુ અલીએ એક તીર મારીને તેને એવો મજબૂર કરી દીધો કે તે શું બીજો હુમલો કરે ? તીર વાગતાં જ પોતાના બાપ ઉતબા પાસે ભાગ્યો. પરંતુ અબુતાલિબના ફરઝંદે એવો ઘેરી લીધો કે તેમની તલવારના વારથી બચી શક્યો નહીં. બાપના દામનમાં જતાં પહેલાં જ હલાક થઈ ગયો.
એટલામાં મુસલમાનોએ અવાજ બુલંદ કરી કે ‘‘અય અલી! શૈબા તમારા કાકા ઉપર છવાઈ રહ્યો છે. હઝરત અલીએ પાછા ફરીને જોયું તો બંને બાથમબાથ જમીન પર પડેલા છે. તલવારો બુઠ્ઠી થઈને પડેલી છે. ઢાલના ટૂકડા પણ વિખરાઈને પડયા છે. આપે આગળ વધીને શૈબા ઉપર વાર કર્યો અને તલવારથી તેનું માથું કલમ કરી નાખ્યું. હવે હઝરત અલી અને જનાબ હમઝહ ઉતબાની તરફ લપક્યા જે જનાબ ઉબૈદા સાથે લડી રહ્યો હતો. જોયું તો ઉબૈદા ઘાયલ થઈને મુકાબલો કરવાની શક્તિ ગુમાવી ચૂક્યા છે. ઉતબા તલાવરનો વાર કરવાની તૈયારીમાં જ હતો કે હઝરત અલી અને જનાબ હમઝહ તેના ઉપર તૂટી પડયા. તેની લાશ ખૂનમાં લથપથ જમીન ઉપર તડપતી થઈ ગઈ.
હઝરત ઉબૈદા જખ્મોથી ચૂર હતા. શરીર ઉપર ખૂબ જ જખ્મો હતા. હઝરત અલી અને જનાબ હમઝહ બંનેએ તેમને ઊઠાવ્યા. તેમને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમ ની ખિદમતમાં લાવ્યા. પયગમ્બર સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે જોયું કે હઝરત ઉબૈદાનો પગ કપાઈ ગયો છે, હડ્ડીમાંથી રસ ઝરપી ઝરપીને બહાર આવી રહ્યો છે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે ઉબૈદાના માથાને પોતાની જાંઘ ઉપર રાખ્યું. આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમની આંખોમાં આંસુ આવી ગયાં. જે ઉબૈદાના ચેહરા ઉપર પડયાં. તેમણે આંખો ખોલીને પયગમ્બર સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમની તરફ જોયું અને કહ્યું.‘‘યા રસૂલુલ્લાહ! શું હું શહીદોમાં શામિલ થઈ ગયો ?”
દરબારે રિસાલતથી ઉત્તર મળ્યો‘‘હાં આપની ગણતરી શહીદોમાં થઈ છે”, બોલ્યા, ” કાશ! આજે અબુતાલિબ જીવતા હોત તો જોઈ શકત કે અમે તેમના કથનને ખોટું પડવા નથી દીધું. બલ્કે આપના કથનને સત્ય સાબિત કરીને રહ્યા”.
હઝરત ઉબૈદા ૭૦ વર્ષની ઉંમરના હતા. અબુતાલિબનો જમાનો જોયો હતો, રસૂલથી, કુરૈશની દુશ્મની જોઈ હતી. અબુતાલિબનો પયગમ્બર પ્રત્યેનો પ્રેમ જોયો હતો. હઝરત અબુતાલિબનું આ કથન હઝરત ઉબૈદાના કાનોમાં ગુંજતું હતું જે હઝરત અબુતાલિબે કુરૈશના સરદારોને કહ્યું હતું.
‘‘અમે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમને તે સમયે દુશ્મનોના હવાલે થવા દઈશું જયારે કે લડતાં લડતાં તેમની સામે જ મરી જઈએ અને બાલબચ્ચાંઓની યાદથી ગાફિલ થઈ જઈએ.”
મેદાને બદરથી પરત થતાં વાદીએ રૂમા અથવા સફરાની જગ્યાએ ઉબૈદા ઈન્તિકાલ ફરમાવી ગયા. આપને ત્યાં જ દફન કરવામાં આવ્યા. કુરૈશના આ પ્રખ્યાત શૂરવીરોના કતલ થઈ જવાથી કાફિરો ઉપર ભય છવાઈ ગયો. અબુજહલે તેમને માયુસ થતા જોયા તો ચીખી ચીખીને તેમને પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું. તઈમા ઈબ્ને અદીને જોશ આવ્યો. તે ગાંડા હાથીની જેમ કૂદતો કૂદતો શફની બહાર આવ્યો. તે તલવારનો વાર કરે તે અગાઉ જ હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમે તેના ઉપર ભાલાથી વાર કર્યો. એવો સખત ઘવાયો કે ઊભો ન રહી શક્યો. લડખડાતા પગે જમીન ઉપર ઢળી પડયો. જમીન ઉપર એડીઓ ઘસતાં ઘસતાં મૃત્યુ પામ્યો.
હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમે ફરમાવ્યું :
‘‘ખુદાની કસમ ! આજના દિવસ પછી આ લોકો અલ્લાહના બારામાં શત્રુતા અને લડાઈ બધું જ ભૂલી જશે.”
તઈમાના હલાક થયા પછી આસ ઈબ્ને સઈદ હથિયાર સજીને મેદાનમાં ઊતરી પડયો, હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમે તેને પણ તલવારનો વાર કરીને મોતના મોંમાં ધકેલી દીધો. પછી અબ્દુલ્લાહ ઈબ્ને મનઝર અને હુરમલા ઈબ્ને ઉમર અભિમાનથી ગર્જતા ગાળો ભાંડતા મેદાનમાં આવ્યા. બંને હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમની તલવારથી હલાક થઈ ગયા. ત્યાં હન્ઝલા ધુંઆપુંઆ થઈને ગુસ્સાની આગમાં ગમે તેમ બકવાશ કરતો મેદાનમાં આવ્યો. હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમે તેને તલવાર ચલાવવાનો મોકો જ ન આપ્યો. તે તલવાર વીંઝે તે અગાઉ આપ કર્રમલ્લાહુ વજહહુલ કરીમના ફૂર્તીલા હાથોએ તલવાર એવી વીંઝી કે તેનું માથું કપાળ અને કાનના ભાગોમાંથી કપાઈ ગયું. આંખો બહાર આવી ગઈ. તે તડપી તડપીને ઠંડો થઈ ગયો.
આ હન્ઝલા હઝરત અબુ સુફયાનનો પુત્ર અને અમીર મુઆવીયાનો ભાઈ થતો હતો. હજી હમણા જ તેનો નાનો ઉતબા અને મામો વલીદ હઝરત અલીની તલવાર દ્વારા હલાક થઈ ચૂક્યા હતા.
કુફ્ફારની આ પ્રખ્યાત વ્યક્તિઓ જેમની ગણતરી શૂરવીરોમાં થતી હતી તેમના હલાક થઈ જવાથી દુશ્મનની શફોમાં ખળભળાટ મચી ગયો. જેથી હવે તેઓ એક એક વારાફરતી મેદાનમાં ઊતરવાથી ડરવા લાગ્યા. બલકે ઈન્કાર કરવા લાગ્યા. તેમણે સમજી લીધું કે આવી રીતે એક એક કરીને મેદાનમાં નીકળીશું તો કોઈપણ શેરેખુદાની તલવારથી બચી શકશે નહિ બલકે જીવતા રહેવું જ શક્ય નથી. એક એક કરીને બધા જ મોતના મોંમા ધકેલાઈ જઈશું. જેથી તેઓએ મશ્વરો કર્યો કે આપણે એકી સાથે મોટી સંખ્યામાં હુમલો કરીએ. મુસલમાનોએ પણ એકીસાથે હુમલાનો જવાબ આપવા વિચાર્યું. પરંતુ પયગમ્બરે ઈસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે મુસલમાનોને રોક્યા. ફરમાવ્યું:‘‘તમો તમારી શફોને સલામત રાખો. વેરવિખેર ન થવા દો, દુશ્મનોના હુમલાને તીરોથી રોકો”. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે અલ્લાહની હુઝૂરમાં દુઆ કરવા લાગ્યાᅠ:
‘‘બારે ઈલાહા ! જો મુસલમાનોની આ જમાઅત હલાક થઈ ગઈ તો જમીનના પટ ઉપર તારી ઈબાદત કરવાવાળું કોઈ બાકી રહેશે નહિ. પરવરદિગાર ! વિજય અને મદદના તારા વાયદાને પૂરો કર.”
દુઆના ખતમ થવા સાથે પયગમ્બરે ઈસ્લામે ઊંઘના ઝોકાંની જેમ આંખો મીંચી દીધી. તરત જ આંખો ખોલીને ફરમાવ્યું:
‘‘ખુદાનો શુક્ર છે. તેણે મારી દુઆ કબૂલ ફરમાવી, અને આપણી મદદ માટે ફરિશ્તાઓ મોકલી આપ્યા.
અલ્લાહ તઆલાનો ઈરશાદ છે :
ઈઝ તસ-તગીષૂ-ન રબ્બકુમ ફસ્તજાબ લકુમ અન્ની મુમિદ્દુકુમ બિ-અલ-ફિમ મિ-નલ મલાઇ-કતિ મુર-દિફીન (સુરહ અનફાલ આયત નં. ૯)
અર્થાત્ : ‘‘જયારે તમે પોતાના પરવરદિગારથી ફરીયાદ કરી રહ્યા હતા. પછી અલ્લાહ તઆલાએ તમારી દુઆ કબૂલ કરી, હું એક હજાર ફરીશ્તાઓ સાથે તમારી મદદ કરીશ કે જેઓ તમારી પીઠ પાછળ લગાતાર ગોઠવાયેલા હશે.”
જયારે કુરૈશ તીરોની સામે તીર વરસાવતા લશ્કરે ઈસ્લામની નજીક આવ્યા. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે મુસલમાનોને હુકમ આપ્યો કે તેઓ એકદમ અચાનક હુમલો કરીને દુશ્મનો ઉપર તૂટી પડે. તરત જ મુસલમાનોની બધી જ તલવારો એકસાથે મ્યાનમાંથી બહાર આવી, તીર કમાનો ઊંચી થઈ. ઘમસાણ લડાઈ શરૂ થઈ. તલવારોની ઝંકાર અને તીરોના વરસાદથી સમગ્ર મેદાન ગુંજી ઉઠયું.
મુસલમાનો તલવારો ચલાવતાં ચલાવતાં દુશ્મનોની શફો ચીરતા તેમને તલવારને ઘાટ ઉતારતા આગળ વધવા લાગ્યા. હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમ અને હઝરત હમઝહ રદિયલ્લાહુ અન્હુએ એવા હુમલા કર્યા કે કાફિરોના કદમ ઊખડી ગયા. અલીની તલવારે તેમને વેરવિખેર કરી દીધા. જેવી રીતે સિંહના હુમલો કરવાથી ઘેટાં-બકેરાં વેરવિખેર થઈ જાય છે.
સઅદ રદિયલ્લાહુ અન્હુ કહે છે :
‘‘મેં બદરના દિવસે અલીને લડતાં જોયા-તેમની છાતીમાંથી ઘોડાની હનહનાહટ જેવી અવાજ નીકળી રહી હતી. આપ બરાબર રજ્ઝ પઢતા જતા હતા. જયારે પાછા ફર્યા તો આપની તલવાર લોહીથી ખરડાયેલી હતી.”
આ ઘમસાણ યુદ્ધ દરમ્યાન નોફલ ઈબ્ને ખુલેદ જે પયગમ્બર સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમનો કટ્ટર દુશ્મન હતો. હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમની નજીકથી પસાર થયો. આપે તેના માથા ઉપર તલવાર મારી. જે લોખંડની ટોપીને કાપીને માથું ચીરીને તેના જડબા સુધી ઉતરી ગઈ, પછી બીજો વાર તેના પગ ઉપર કર્યો. જેનાથી તેના બંને પગ કપાઈ ગયા. તે જાલિમ હલાક થઈ ગયો.
આ દુશ્મને ખુદાના હલાક થવાથી આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમ ઘણા જ ખુશ થયા. આપે ફરમાવ્યું :
‘‘અલ્લાહનો શુક્ર છે કે તેણે મારી દુઆને કબુલીયત બક્ષી.”
લડાઈ હવે આખરી તબક્કામાં પહોંચી ચૂકી હતી. આ નિર્ણાયક પરિસ્થિતિમાં કાફિરોની શક્તિ ખતમ થઈ ચૂકી હતી. અબુજહલ, તેનો ભાઈ આસ ઈબ્ને હિશ્શામ અને બીજા સરદારો પણ હલાક થઈ ગયા હતા.
આ ગઝવહમાં જે ઈસ્લામનો પ્રથમ ગઝવહ હતો. કાફિરોને ઘણું જ નુકશાન ઉઠાવવું પડયું. તેમના કુલ ૭૦ માણસો કતલ થયા. અને ૭૦ કેદી પકડાયા. બાકીના માણસોએ મક્કા તરફ ભાગી જઈને પોતાનો જીવ બચાવ્યો. મુસલમાનોમાં ફક્ત ૧૪ માણસો શહીદ થયા. જેમા છ મુહાજિરો હતા અને આઠ અનસાર હતા.
હઝરત અલી ઈબ્ને અબીતાલિબ કર્રમલ્લાહુ વજહહુલ કરીમની તલવારથી કતલ થનારાઓની સંખ્યા ૩૫ (પાંત્રીસ) હતી.
મતલબ કાફિરોના જેટલા માણસો મુસલમાનોની તમામ ફોજના હાથે મરાયા. એટલી જ સંખ્યામાં કાફિરો હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમની તલવાર વડે હલાક થયા. કાફિરોને મારવામાં એક પલ્લામાં તમામ મુસલમાનોનું લશ્કર અને એક પલ્લામાં ફક્ત હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમ. તેમાં પણ હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમનું પલ્લુ ભારી છે. આપે કાફિરોના ઉચ્ચોચ્ચ સરદારોને કતલ કર્યા છે. બહાદૂર કહેવાતા ઘમંડી મૂછાળાઓની ગરદનો ઉડાડી દીધી. જેમની પ્રત્યક્ષ જવામાં મુસલમાનો ખોફ અનુભવતા હતા. કાફિરો પોતાના જે સુરમાઓ ઉપર ગર્વ લેતા હતા તે સુરમાઓને હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમે કતલ કર્યા છે.
જેમા કુરેશનો સરદાર શૈબા, વલીદ, હન્ઝલા, નોફલ ઈબ્ને ખુલેદ, આસ ઈબ્ને સઈદ, મુગીરહ ઈબ્ને વલીદ, વગેરે.
હઝરત અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમે બહાદુરી અને યુદ્ધ કૌશલ્યનો તે અજોડ નમૂનો પેશ કર્યો કે જેના કારણે દુશ્મનોના દિલોમાં ઈસ્લામની શક્તિ અને શ્રેષ્ઠતાની હંમેશ માટે ધાક બેસી ગઈ.
મુસલમાનો માટે વિજયના રસ્તા ખૂલી ગયા. જો ઈસ્લામની આ પ્રથમ જંગમાં મુસલમાનોની હાર થઈ હોત તો મુસલમાનો કુફ્ફારના મુકાબલામાં હંમેશા માટે કમજોર બની ગયા હોત, ભયભીત થઈ ગયા હોત.
આ ફતેહના કારણે મુસલમાનો સમગ્ર અરબસ્તાનના ઈલાકામાં એક શક્તિ બની ગયા. કાફિરોના બધા જ બહાદૂર કબીલાઓએ મુસલમાનોના અસિત્વની, તેમની શક્તિની નોંધ લીધી. તેમને સમગ્ર ઈલાકામાં એક વિજેતા કોમ તરીકે ઈજ્જત પ્રાપ્ત થઈ. ત્યાર બાદની બધી જ જીતો જંગે બદરની જીતના પરિણામરૂપ જ ગણાશે.
મુસલમાનોં એ અલી કર્રમલ્લાહુ વજહહુલ કરીમ જેવા બહાદુર શેરનો જેટલો આભાર માને તેટલો ઓછો છે. બદરની કામ્યાબીનો તાજ ફક્ત અલીના માથા ઉપર છે. અને કયામત સુધી રહેશે.
આ લડાઈ જુમુઆના દિવસે ૧૭ રમઝાનુલ મુબારક હિજરી સન- ૨ માં થઈ.
બપોર પછી દુશ્મનોએ હથિયાર નાખી દીધાં. પોતાનો સરસામાન છોડીને ભાગવા લાગ્યા, મુસલમાનોએ ભાગવાવાળાઓનો પીછો કર્યો. જેઓ પકડાયા તેમને કેદી બનાવ્યા. જેથી આ કેદીઓના બદલામાં દંડ વસૂલ કરીને તેમને છોડી શકાય.
સિત્તેર કાફિરો આ જંગમાં હલાક થયા હતા. જેમની લાશો વેરવિખેર પડી હતી. આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે તે લાશોને બદરના કૂવામાં નખાવી દીધી. આ લાશોને ઉદ્દેશીને કહ્યું :
‘‘મારી સાથે મારા રબનો વાયદો સાચો સાબિત થયો છે, શું તમે પણ તમારા રબના વાયદાને પૂરો થતો જોયો ?”
કેટલાકે પૂછયું,‘‘યા રસૂલુલ્લાહ! આપ મૂડદાઓ સાથે વાતો કરો છો ? શું મુડદાં સાંભળી શકે છે?” ફરમાવ્યું, ‘‘તેઓ તમારાથી વધારે મારી વાતો સાંભળી શકે છે. પરંતુ જવાબ આપી શકતા નથી.”
આ બધાં કામોથી પરવારી પયગમ્બરે ઈસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે હુકમ આપ્યો કે ‘‘માલે ગનીમત એક જગ્યાએ એકત્ર કરવામાં આવે.”
જેથી બધો જ માલે ગનીમત એકત્ર કરીને અબ્દુલ્લાહ ઈબ્ને કઅબ સહાબીને સોંપવામાં આવ્યો. તેમને માલના રક્ષક બનાવવામાં આવ્યા અને કેદીઓને બાંધીને મદીના તરફ રવાના કરવામાં આવ્યા.
જયારે સફરા નામની ઘાટી પાસે પહોંચ્યા તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે માલે ગનીમત અહીં જ વહેંચી દેવાનો હુકમ કર્યો.
જયારે મદીનાં પહોંચ્યા તો કેદીઓને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે અલગ અલગ લોકોને સોંપી દીધા. ઉપરાંત તેમની સાથે અખ્લાકી વર્તણુંક-સારો વ્યવહાર કરવાની હિદાયત કરી. જયાં સુધી આ લોકો મુસલમાનો પાસે રહ્યા તેમની સાથે ખૂબ જ બેહતર વ્યવહાર કરવામાં આવ્યો. આ બાબતનો ઈકરાર કેટલાક કેદીઓએ પણ કર્યો છે. પછી આ કેદીઓમાંથી જે લોકોની આર્થિક સ્થિતિ મજબૂત હતી તેમને દંડની રકમ વસૂલ લઈને અને જે લોકો ગરીબ હતા, નાદાર હતા તેમને દંડ વસૂલ કર્યા વગર છોડી દેવામાં આવ્યા.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમ ની બેઅસત (નુબુવ્વતની જાહેરાત) વખતે કુરૈશમાં ફક્ત સત્તર (૧૭) માણસો વાંચતા-લખતાં જાણતા હતા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે આ કમીને દૂર કરવા તે કેદીઓ જેઓ ગરીબ હતા અને લખી-વાંચી શકતા હતા તેમને હુકમ આપ્યો કે તેઓ કુરૈશના દસ-દસ છોકરાઓને લખતાં-વાંચતા શીખવી આપે તો બદલામાં તેઓ પણ આઝાદ થઈ જશે.
ઈસ્લામે અને પયગમ્બરે ઈસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે ઈલ્મને કેટલું મહત્ત્વ આપ્યું છે ? તે ઉપરોક્ત દૃષ્ટાંત દ્વારા માલૂમ પડે છે. આ કેદીઓ કંઈ અરબી ભાષા જાણતા ન હતા. બલ્કે કેટલાકના મતે તેઓ હિબ્રુ ભાષા જે તે સમયે યહૂદીઓની ભાષા ગણાતી હતી તે જાણતા હતા. જેના શીખવવાના બદલામાં તેમને આઝાદી મળતી હતી.
નૂઝૂલે કુર્આનની પ્રથમ સૂરા અલકમાં પણ આપણે કલમની તારીફ જોઈશું.
અલ્લઝી અલ્લમ બિલ કલમ ( સૂરા અલક આયત નં.ᅠ૪)
‘‘જેણે કલમ દ્વારા ઈલ્મ શીખવ્યું.”
અલ્લાહ પોતાના સર્વે શ્રેષ્ઠ બંદા ઉપર કુર્આન દ્વારા જે ઈલ્મ ઊતારે છે. તેની પ્રથમ સૂરામાં કલમની પ્રસંશા કરેᅠછે.
➡️ સૈયદ એહસાનુલહક કાદરી હૂદી હુસૈની