અમદાવાદ,
શહેરના શિવરંજની ચાર રસ્તા પાસે સોમવારે મોડી રાત્રે ફૂટપાથ પર સૂતેલા પરિવાર પર કાર ચલાવી ફરાર થઈ ગયેલો પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે. આ ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ કાર ચાલક અને તેની સાથેના અન્ય 4 લોકો ફરાર થઈ ગયા હતા. જે કારથી આ અકસ્માત સર્જાયો હતો તે i20 મીઠાખળીના શૈલેષ શાહ નામે રજિસ્ટર્ડ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ કારના 9 જેટલા મેમા પણ ભરવાના બાકી હતા. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ કાર શૈલેષ શાહનો પુત્ર પર્વ ચલાવી રહ્યો હતો.
21 વર્ષનો પર્વ શાહે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને પોતાના પિતા સાથે કુર્તીનો બિઝનેસ કરે છે. પર્વ શાહ કર્ફ્યુ વચ્ચે તેના બે ભાઈઓ અને એક મિત્ર સાથે ફરવા નીકળ્યો હતો. જો કે, સિંધુ ભવન રોડ પર પોલીસને જોઈને તેઓ ગલીમાં વળી ગયા હતા. પાછળ પોલીસ આવી રહી હોવાથી તેણે કાર ભગાવી હતી અને પોલીસથી બચવાના ચક્કરમાં તેણે શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાથ પર સૂઈ રહેલા મજૂર પરિવાર પર કાર ચડાવી દીધી હતી. આ ચકચારી ઘટનામાં સંતુબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાબુભાઈ નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઉપરાંત ત્રણ બાળકો જેતન, સુરેખા અને વિક્રમ પણ ગંભીર રીતે ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરાવાયા છે.
આ અકસ્માત સમયે કાર પર્વ શાહ ચલાવી રહ્યો હતો. તે અને તેની સાથેના લોકો અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જોકે, મંગળવારે બપોર બાદ પર્વ શાહ સેટેલાઈટના એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. પર્વ શાહના પિતા શૈલૈષભાઈએ એક ન્યૂઝ પેપરને જણાવ્યું હતું કે, કર્ફ્યુનો સમય છે એટલે તેમને એમ હતું કે, તે એપાર્ટમેન્ટની બહાર જ ઊભો હશે. તેમણે કહ્યું કે, અકસ્માત પછી તે ઘરે આવ્યો અને હકીકત જણાવી ત્યારે પરિવારના બધા ડરી ગયા હતા.
બીજી તરફ પર્વનો દાવો છે કે, તેની કાર 40ની સ્પીડે જ ચાલી રહી હતી. તેણે કહ્યું કે, કાર ફૂટપાથ પર ચડી ગઈ એટલે લોકો લાકડી લઈને મારવા દોડ્યા એટલે અમે ભાગી ગયા હતા. તેણે પોતાની સાથે પોતાના બે ભાઈ અને એક મિત્ર હોવાનું જણાવ્યું હતું. પર્વએ જણાવ્યું કે, અકસ્માત પછી તે લોકો ભાગીને શિવરંજની સુધી ગયા હતા અને ત્યાંથી તેના પિતા તેમને લઈ ગયા હતા. ત્યાંથી તેઓ ફોઈને ઘરે ગયા હતા. જ્યાંથી પછી પોલીસમાં હાજર થયો હતો. પર્વએ જણાવ્યું કે, સિંધુ ભવન ખાતે મોડી રાત સુધી મિત્રો સાથે બેઠો હતો. વરસાદ હોવાના કારણે તેઓ રોકાઈ ગયા હતા અને રાત્રે 12 વાગ્યાની આસપાસ તે ઘરે પાછો ફરી રહ્યો હતો એ સમયે આ અકસ્માત થઈ ગયો હતો. તેણે કહ્યું કે, એક ગાડી તેમનો પીછો કરતી હતી અને તેણે મારી કારને દબાવતા કાર ફૂટપાથ પર ચડી ગઈ હતી.