Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

પતિ-પત્નીના પવિત્ર સંબંધને તૂટતા બચાવી લેવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે એક નવતર અભિગમ દાખવ્યો

એક શુભ આશયથી ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ ટૂંક સમયમાં જ ગુજરાતને એક નવીન ભેટ આપવા જઈ રહયા છે.

ઉચ્ચ વિચાર શૈલીમાંથી પ્રગટ થયેલું એક વિચારબિજ આગામી સમયમાં કુટુંબ સશકિતકરણનું એક વિશાળ વટવૃક્ષ બનીને ભાંગતાં કુટુંબોને સમાધાનનો છાંયડો પૂરો પાડનાર બનવાનું છે.

અમદાવાદ,તા.૧૩
બદલાતી જીવનશૈલી અને વિચારધારાને પગલે હવે પતિ-પત્ની વચ્ચે ઘણીવાર નાની બાબતોમાં પણ ખટરાગ ઉદભવતા હોય છે અને ઘણીવાર નાના ખટરાગ છૂટાછેડાનું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે ત્યારે પતિ-પત્નીના પવિત્ર સંબંધને તૂટતા બચાવી લેવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે એક નવતર અભિગમ દાખવ્યો છે.

જેના પગલે રાજ્યભરમાં દાંમ્પત્ય વિવાદોનો ઉકેલ લાવવા ખાસ પ્રિલીટીગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. જેમાં યુગલ પોલીસ ફરિયાદ કરવા જાય તો આ કેસોમાં સમાધાન પાત્ર કેસોને ખાસ લોક અદાલત સમક્ષ મોકલવામાં આવશે જ્યાં ફેમિલી કોર્ટનાં જજ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની બનેલી પેનલ સમજણ પુરી પાડી વિવાદોનો ઉકેલ લાવવા પ્રયત્ન કરશે. એક સમય હતો કે, જયારે સ્ત્રી અને પુરૂષ એકવાર લગ્નનાં તાંતણે બંધાય પછી જીવનનાં છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવતાં હતાં. સુખ-દુઃખ આવે અને જાય પણ પતિ-પત્ની કયારેય એકબીજાનો સાથ છોડતા ન હતા પરંતુ આજના ઝડપી યુગમાં સંબંધો જેટલી ઝડપથી બંધાય છે એટલી જ ઝડપથી તૂટે પણ છે. આવી પરિસ્થિતિમાં દંપતિને જાે મૈત્રીપૂર્ણ રીતે સાંભળવામાં આવે અને સમજાવવામાં આવે તો તૂટવાનાં આરે આવી ગયેલાં સંબંધો પણ ફરીથી નવપલ્લવિત થતા હોય છે.

આવા જ એક શુભ આશયથી ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ ટૂંક સમયમાં જ ગુજરાતને એક નવીન ભેટ આપવા જઈ રહયા છે. લગ્ન જીવનમાં પડકારોનો સામનો કરી રહેલાં કુટુંબો માટે એક નવતર પ્રયોગ રજુ થવા જઈ રહયો છે. જેમાં લગ્ન સંબંધિત તકરારોનું મૈત્રીપૂર્ણ અને શાંતિસભર વાતાવરણમાં સમાધાન કરવાની એક પ્રક્રિયા પ્રારંભ થઈ રહી છે. ઉચ્ચ વિચાર શૈલીમાંથી પ્રગટ થયેલું એક વિચારબિજ આગામી સમયમાં કુટુંબ સશકિતકરણનું એક વિશાળ વટવૃક્ષ બનીને ભાંગતાં કુટુંબોને સમાધાનનો છાંયડો પૂરો પાડનાર બનવાનું છે. દાંપત્યજીવનનાં વિવાદોનાં નિરાકરણ માટે બહુ નજીકનાં સમયમાં જિલ્લા મથકે કાયમી પ્રિલીટીગેશન લોક અદાલત શરૂ થનાર છે. જેનો ઉદેશ પરિવારોને મજબુત બનાવવાનો છે. પતિ-પત્નીનાં સંબંધોમાં ઉદભવતી તકરારો આગળ વધે અને મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તેમાંથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કરવામાં આવશે.

પતિ કે, પત્ની પોલીસ કેસ કે, કોર્ટ કાર્યવાહીમાં પડે તે પહેલાં જ તકરારોનું અસરકારક નિવારણ કરવાની સુવિધા આપવાનો આ એક નિષ્ઠાવાન પ્રયાસ છે.

વૈવાહિક સમસ્યાઓ માટેની કાયમી પ્રિલીટીગેશન લોક અદાલતની કામગીરી એકદમ ગુપ્ત અને તટસ્થ વાતાવરણમાં યોજવામાં આવશે. આ પ્રક્રિયામાં જાેડાવા માટે કોઈ ફી કે વકીલ ખર્ચ કરવો પડતો નથી. આ યોજનાનો ઉદેશ પારિવારિક સુખાકારી વધારવાનો છે. જેથી મઘ્યસ્થી દ્વારા બંને પક્ષોનાં વિવાદનાં મુદ્દાઓને સમજી, સંયુકત પ્રયાસોથી સુખદ અને કાયમી નિરાકરણ શોધવાનું કામ કરે છે. જયારે એકવાર બંનો પક્ષો વચ્ચે સમજૂતી થઈ જાય એટલે તેનુ લખાણ કરવામાં આવે છે અને તે સમાધાનનું કાયમી પાલન થાય તે સુનિશ્ર્‌ચિત કરવામાં આવે છે. દાંપત્યજીવનનાં વિવાદોને સોહાર્દપૂર્ણ રીતે ઉકેલવાનાં હેતુથી બહુ ટૂંક સમયમાં જ શરૂ થનાર આ પારિવારિક પ્રિલીટીગેશન લોક અદાલતનો જરૂર જણાયે લાભ લેવા જિલ્લા કાનુની સેવા સતામંડળનાં સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એન.એચ નંદાણીયાએ અબતક સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગે એસઓપી મુજબ ટૂંક સમયમાં અમલવારી કરવામાં આવનાર છે. જે મુજબ કોઈ યુગલ ફરિયાદ કરવા આવે ત્યારે જાે કેસ સમાધાનને પાત્ર હોય તો આ કેસો ખાસ લોક અદાલત સમક્ષ મોકલવામાં આવશે. જ્યાં ફેમિલી કોર્ટના જજ અને વકીલોની કમિટી સમજણ આપીને વિવાદનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવશે. આ લોક અદાલત દ્વારા આપવામાં આવેલો ચુકાદો એક પ્રકારની ડીક્રી જ ગણવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.

 

(જી.એન.એસ)