ગેમ ચેન્જરનું એક ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે.
મુંબઈ,તા.૨૮
‘ભારતીય’, ‘નાયક’ અને ‘રોબોટ’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા પ્રખ્યાત નિર્દેશક એસ શંકર રામ ચરણને લઈને ગેમ ચેન્જર નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં રામ ચરણની સામે કિયારા અડવાણી જાેવા મળશે. આ ફિલ્મ તેની જાહેરાત બાદથી સતત હેડલાઇન્સમાં રહી છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. જાેકે, રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ હવે આ ફિલ્મના નિર્માતા દિલ રાજુએ આ અંગેની માહિતી શેર કરી છે.
રામ ચરણે ૨૭ માર્ચે તેમનો ૩૯મો જન્મદિવસ ઉજવ્યો. જન્મદિવસની ઉજવણીના અવસર પર દિલ રાજુએ ફિલ્મ વિશે માહિતી શેર કરી હતી. તેણે કહ્યું કે, ‘ગેમ ચેન્જર’ પાંચ મહિનામાં સિનેમાઘરોમાં આવશે. આ હિસાબે આ ફિલ્મ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી જાેઈ શકાશે. તેણે એ માહિતી પણ શેર કરી કે, આ ફિલ્મનું શૂટિંગ મેના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.
આ ફિલ્મમાં લગભગ પાંચ ગીતો હશે. દિલ રાજુ કહે છે કે, પાંચમાંથી ત્રણ એવા ગીતો છે જે મન મોહી લેશે.
ગેમ ચેન્જરનું એક ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે. મેકર્સે રામ ચરણના જન્મદિવસના અવસર પર ફિલ્મ ‘જરાગાંડી’નું પહેલું ગીત રિલીઝ કર્યું છે. આ ગીત દલેર મહેંદી અને સુનિધિ ચૌહાણે સાથે ગાયું છે. રામ ચરણ અને કિયારા સાથે આ ફિલ્મમાં જયરામ, એસજે સૂર્યા, શ્રીકાંત જેવા અન્ય ઘણા સ્ટાર્સ જાેવા મળશે.
તાજેતરમાં જ એવી માહિતી સામે આવી છે કે, મેકર્સે આ ફિલ્મના OTT રાઇટ્સ પ્રાઇમ વીડિયોને ૧૦૫ કરોડ રૂપિયામાં વેચી દીધા છે. આ અધિકારો માત્ર દક્ષિણની ભાષાઓ માટે છે. રિપોર્ટ અનુસાર, નિર્માતાઓ હિન્દી વર્ઝન માટે ZEE5 સાથે ડીલ કરી શકે છે. જાે કે, આ એક મોટા બજેટની ફિલ્મ છે. રિપોર્ટ અનુસાર તેનું બજેટ લગભગ ૨૫૦ કરોડ રૂપિયા છે.
(જી.એન.એસ)