ગાઝા : મદદની રાહ જાેઈ રહેલા લોકો પર ફરી એકવાર ઈઝરાયેલે હુમલો કર્યો, ૨૦ પેલેસ્ટાઈનના મોત, ૧૫૫થી વધુ ઘાયલ
પેલેસ્ટાઈન,તા.૧૫
ઈઝરાયેલના હુમલાને કારણે ક્ષતિગ્રસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ઘાયલોને હોસ્પિટલો સુધી પહોંચાડવા મુશ્કેલ થઈ ગયા છે.
ઈઝરાયેલ ગાઝામાં સતત હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં ૩૧ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલે મદદની રાહ જાેઈ રહેલા ગાઝા પર હેલિકોપ્ટરથી ગોળીબાર કર્યો હતો, જેમાં લગભગ ૨૦ પેલેસ્ટાઈનના બેગુનાહ લોકોના મોત થયા છે. આ હુમલામાં ૧૫૫થી વધુ લોકો ઘાયલ થયા છે.
હુમલા અંગે માહિતી આપતા ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “મૃતકોના ૨૦ મૃતદેહો અને ૧૫૫ ઘાયલ લોકોને અલ-શિફા મેડિકલ કોમ્પ્લેક્સમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ઘણા ઘાયલોને કમલ અડવાન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.”
મંત્રાલયે એમ પણ કહ્યું કે, ઈઝરાયેલના હુમલાને કારણે ક્ષતિગ્રસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ઘાયલોને હોસ્પિટલો સુધી પહોંચાડવા મુશ્કેલ થઈ ગયા છે. મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુઆંક વધી શકે છે કારણ કે, હોસ્પિટલો પાસે સારવાર માટે પૂરતા સંસાધનો નથી. લેબનીઝ મીડિયા સાથે વાત કરતા, ગાઝા નાગરિક સંરક્ષણના પ્રવક્તા મહમૂદ બસ્સલે જણાવ્યું હતું કે, ઇઝરાયેલની ટેન્કોએ તોપમારો શરૂ કર્યો તે પહેલાં ઇઝરાયેલી લશ્કરી હેલિકોપ્ટરે મદદની રાહ જાેઈ રહેલા લોકો પર ગોળીબાર કર્યો. અહેવાલો અનુસાર, ઇઝરાયેલે બે સ્થળોએ હુમલા કર્યા હતા.
પ્રથમ ઘટનામાં, ઇઝરાયેલી સેનાના હેલિકોપ્ટરોએ સહાય વિતરણ કેન્દ્રમાં મદદની વ્યવસ્થા કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો, જેમાં લગભગ ૮ લોકો માર્યા ગયા. બીજાે કિસ્સો ઉત્તરી ગાઝામાંથી પ્રકાશમાં આવ્યો હતો જ્યાં ઇઝરાયેલી ટેન્કોએ સહાય ટ્રકની રાહ જાેઈ રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ હુમલા અંગેના નિવેદનમાં IDFએ આ હુમલા માટે જવાબદાર હોવાનો ઇનકાર કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સહાય કેન્દ્રો પર ડઝનેક ગઝાન પર હુમલાના સમાચાર ખોટા છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે, અમે મીડિયાને માત્ર વિશ્વસનીય માહિતી પર જ વિશ્વાસ રાખવા વિનંતી કરીએ છીએ.
(જી.એન.એસ)