તા.૨૯
ફેસબુકના ફોર્મર સિવિક ઈન્ટીગ્રિટી ચીફ સમિધ ચક્રવર્તી તરફથી આ નવા નામનું સૂચન આપવામાં આવ્યું હતું. માર્ક જુકરબર્ગ પહેલેથી જ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીમાં ભારે રોકાણ કરી રહ્યા હતા તેવામાં તેમના માટે પોતાની કંપનીનું નામ બદલીને “મેટા” કરી દેવું કોઈ મોટી વાત નહોતી. હવે આ નવા નામ દ્વારા તેઓ આખી દુનિયા સામે પોતાને ફક્ત એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૂરતા સીમિત નહીં રાખે.
સોશિયલ મીડિયા કંપની ફેસબુકે પોતાનું નામ બદલી નાખ્યું છે. હવેથી દુનિયા ફેસબુકને ‘મેટા’ તરીકે ઓળખશે. ફાઉન્ડર માર્ક જુકરબર્ગે ગુરૂવારે એક મીટિંગ દરમિયાન આની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઘણાં લાંબા સમયથી ફેસબુકનું નામ બદલવાની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે હવે તે પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને ફેસબુકનું નવું નામ ‘મેટા’ કરી દેવામાં આવ્યું છે. માર્ક જુકરબર્ગ ઘણાં લાંબા સમયથી પોતાની સોશિયલ મીડિયા કંપનીનું ફરી બ્રાન્ડિંગ કરવા ઈચ્છતા હતા. તેઓ તેને એકદમ અલગ ઓળખ આપવા ઈચ્છે છે, એક એવી જ્યાં ફેસબુકને ફક્ત એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે ન જાેવામાં આવે. હવે તે દિશામાં આગળ વધીને ફેસબુકનું નામ બદલીને “મેટા” કરી દેવામાં આવ્યું છે. કંપનીનું ફોકસ હવે મેટાવર્સ બનાવવા પર છે જેના દ્વારા એક એવી વર્ચ્યુઅલ દુનિયાની શરૂઆત થશે જ્યાં ટ્રાન્સફર અને કોમ્યુનિકેશન માટે અલગ અલગ ટૂલનો ઉપયોગ કરી શકાશે.