અમદાવાદ,તા.૨૬
શહેરના શાહપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ “એકતા ગ્રુપ” દ્વારા ઉત્તરાયણમાં ઘાતક સાબિત થતી ૬૩ કિલો ગ્રામ જેટલી દોરીનું નાશ કરવામાં આવ્યું હતું.
ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ ગયા પછી વેસ્ટેજ ઘાતક લટકતી દોરીથી વાહન ચાલકોને ઈજા થતી હોય છે, વૃક્ષો પર લટકતી, રસ્તામાં પડેલી દોરીથી અબોલ પક્ષીઓ તથા પશુઓને ગંભીર ઈજાઓ થતી હોય છે. આવી ખતરનાક અને ઘાતક દોરીથી ઉત્તરાયણ પતી ગયા પછી પણ અનેક બનાવો બનતા હોય છે. આવા સંજોગોમાં શહેરના બુદ્ધિજીવી અને જાગૃત નાગરિકો દ્વારા એક જુંબેશ ચલાવવામાં આવી જેમાં એક કિલો વેસ્ટેજ દોરી આપી જાઓ અને રૂ.૧૦૦ પુરસ્કાર લઇ જાઓ. આ મુહિમ છેલ્લા ૩ વર્ષથી “એકતા ગ્રુપ”ના સભ્યો દ્વારા ચલાવવામાં આવી રહી છે.
આ વર્ષે “એકતા ગ્રુપ” દ્વારા ૬૩ કિલો જેટલી દોરી ભેગી કરવામાં આવી હતી અને તેનો નાશ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં “એકતા ગ્રુપ”ના સભ્યો ચિરાગ ભાવસાર, વકાર શેખ, હર્ષ ભાવસાર, જગત સર, જીતુ સોલંકી, રોનક પટેલ, વૃશીકા પટેલ, સુધીર બુન્દેલા અને રીઝવાન આમ્બલીયાએ ખુબ જ સારો કાર્ય કરીને એક જાગૃત નાગરિક હોવાની મિશાલ કાયમ કરી હતી.