Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“ઈદ-ઉલ-અઝહા”નો તહેવાર કેમ ઉજવવામાં આવે છે..? જાણો….

(અબરાર એહમદ અલવી)

ઈસ્લામ ધર્મનો પહેલો મહિનો “મોહર્રમ” છે, જે હઝરત ઈમામ હુસૈનની શહાદતની યાદ અપાવે છે. જયારે છેલ્લો મહિનો “ઝીલહજજ”નો છે.

“ઈદ-ઉલ-અઝહા” અથવા તો “બકરી ઈદ”નો તહેવાર મુસ્લિમોના વિશેષ તહેવારોમાંનો એક છે, તેને ‘ઈદ-ઉલ-અઝહા’ તરીકે સંબોધવામાં આવે છે. દુનિયાભરના મુસ્લિમો “ઇદ-ઉલ-અઝહા”ને બલિદાન અને ત્યાગનો તહેવાર તરીકે ઉજવણી કરે છે. “બકરી ઈદ”નો તહેવાર મુસ્લિમો માટે બીજી મોટી ઇદ છે. જ્યારે પ્રથમ મોટી ઈદ “ઈદ-ઉલ-ફિત્ર” છે જે રમઝાન મહિનાના ઉપવાસ સમયગાળાના અંતે ઉજવવામાં આવે છે, જ્યારે “બકરી ઈદ” વાર્ષિક હજ યાત્રા સમાપન માટે જાણીતી છે.

ઈસ્લામ ધર્મનો પહેલો મહિનો “મોહર્રમ” છે, જે હઝરત ઈમામ હુસૈનની શહાદતની યાદ અપાવે છે. જયારે છેલ્લો મહિનો “ઝીલહજજ”નો છે. જેમાં “અલ્લાહ” પાકએ પોતાના પૈગંબર હઝરત ઈબ્રાહિમ અલયહીસ્સલામની કસોટી કરી અને ફરમાવ્યું કે, “મારી રાહમાં તમારી મનપસંદ વસ્તુ કુરબાન કરો” પૈગંબર ‘હઝરત ઈબ્રાહિમ અલયહીસ્સલામે’ “અલ્લાહ”ની રઝા (ખુશી) માટે પોતાના ચહીતા પુત્ર ‘હઝરત ઈસ્માઈલ અલયહીસ્સલામ’ની જાનની કુર્બાની આપવા ઘરેથી નીકળી પડ્યા. ઈસ્લામી માન્યતા મુજબ, ‘ઈબ્રાહીમ અલયહીસ્સલામ’ની પરિક્ષા લેવા માટે અલ્લાહે તેમને પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકમ આપ્યો. તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર પોતાના પુત્ર ‘ઈસ્લાઈલ અલયહીસ્સલામ’ને કુરબાન કરવા માટે પહેલા તેમણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી અને આંખ પર પટ્ટી બાંધીને જ હઝરત ઈસ્માઈલ અલયહીસ્સલામના ગળા પર છરી ચલાવી હતી.

પૈગંબર ‘હઝરત ઈબ્રાહિમ અલયહીસ્સલામ’ પોતાના યુવાન દીકરા ‘ઇસ્માઇલ અલ્લયહીસલામ’ને અલ્લાહની રાહમાં કુરબાન કરવાનો નિર્ણય કરી લીધો હતો. જો કે, એ જયારે પોતાના દીકરાને અલ્લાહની રાહમાં કુરબાન કરવાના હતા ત્યારે અલ્લાહે તેમની જગ્યાએ એક બકરીને (દુમ્બા-ઘેટાંની એક પ્રજાતિ) રાખી દીધી. અલ્લાહની તરફથી આ ફક્ત કસોટી હતી એટલે હઝરત ‘ઈસ્માઈલ અલયહીસ્સલામ’ના ગરદન પર છરી ન ચાલી અને અલ્લાહે તેમને આંચ પણ ન આવા દીધી. અલ્લાહ માત્ર એમની પરીક્ષા લઈ રહ્યો હતો.

અલ્લાહને પૈગંબર ‘હઝરત ઈબ્રાહિમ અલયહીસ્સલામ’ની કુરબાની એટલી પસંદ આવી કે, અલ્લાહે આ દિવસને “ઈદ-ઉલ-અઝહા” એટલે કુરબાનીનો દિવસ કરી દીધો. તેમની કુરબાની માટે “ઈદ-ઉલ-અઝહા”નો મહિનો જાણીતું છે. આમ ઈસ્લામી મહિનાની શરૂઆત અને અંત બન્ને કુરબાનીથી જ થાય છે. જે દર્શાવે છે કે, ઈસ્લામ ધર્મમાં કુરબાની એટલે બલિદાનનું કેટલું મહત્વ છે.

મુસલમાનોનો વિશ્વાસ છે કે, અલ્લાહે ‘ઇબ્રાહિમ અલયહીસ્સલામ’ની ભક્તિની પરીક્ષા લેવા માટે પોતાની સૌથી ગમતી વસ્તુની કુરબાની માંગી હતી. “ઈદ-ઉલ-અઝહા” (બકરી ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે. “ઈદ-ઉલ-અઝહા”, અઝહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે. એટલે “ઇદુલ અઝહા”નો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે. આ અલ્લાહ અને તેના હુકમ પ્રત્યે શ્રધ્ધાનુ પ્રતિક છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાઝ પછી કુરબાની કરે છે. ભારતમાં અને આખા વિશ્વમાં પરંપરાગત ઉલ્લાસની સાથે આ કુરબાનીનો ત્યોહાર ઉજવવામાં આવે છે.