અશોકકુમાર હંસદેવજી સાગઠિયા
આ સરસ પ્રતિમા ‘દેવી પોમોના’ કે, જે ફળના ઝાડ અને બગીચાઓની પ્રાચીન રોમન દેવી છે.
શું આ પ્રતિમા વિષે તમને ખબર છે..? જ્યારે તમે કોઈ એવી વાત જાણતા હો કે, જેની સામાન્ય રીતે અન્ય લોકોને ખબર નથી હોતી, અને તમે જ્યારે તેમને પુછો છો, ત્યારે જાણ્યે અજાણ્યે તમારો અહમ સંતોષાય છે અને તમને મજા આવે છે. હું પણ તેમાંથી બાકાત નથી.
જામનગર શહેરના લાલ બંગલામાં ટ્રેઝરી ઓફિસ સામેના કમ્પાઉન્ડમાં એક સરસ પ્રતિમા વિષે લોકોને પુછ્યું, તો કોઈને તેના વિષે ખબર નહોતી. અરે હદ તો ત્યારે થઇ જયારે ઘણા લોકોએ તે મૂર્તિ જોઇ પણ નહોતી.
આ સુંદર મૂર્તિ ‘દેવી પોમોના’ કે, જે ફળના ઝાડ અને બગીચાઓની પ્રાચીન રોમન દેવી છે. તેણીનું નામ લેટિન શબ્દ ‘પોમમ’ પરથી આવ્યું છે, જેનો અર્થ બગીચાનું ફળ થાય છે. ઘણા રોમન દેવતાઓથી વિપરીત, ફળોનો મુગટ પહેરેલી અને હાથમાં કાપણીની છરી પકડીને ઊભેલી એક સુંદર, નિર્દોષ યુવાન કન્યા તરીકે દેખાતી ‘પોમોના’ એક એવી વિશિષ્ટ રોમન દેવી હતી, જેની કોઈ અન્ય ગ્રીક દેવી સાથે તુલના થઇ શકે તેમ નહોતી. જોકે, ક્યારેક તેની સરખામણી પ્રાચીન ગ્રીક લણણીની દેવી ‘ડીમીટર’ સાથે કરવામાં આવે છે.
‘દેવી પોમોના’નું નામ વાચકને પરિચિત લાગે છે કારણ કે, તે ઘણા અંગ્રેજી અને ફ્રેન્ચ શબ્દોનું મૂળ બની ગયું છે, જેમાં દાડમ, પોમ્મે (સફરજન માટે ફ્રેન્ચ), અને પોમ્મે ડી ટેરે (બટાકા માટે ફ્રેન્ચ, અથવા ‘પૃથ્વીનું સફરજન’)નો સમાવેશ થાય છે.
આટલી જાણકારી આપ્યા પછી જામનગરના શહેરીજનોને વિનંતી કરીશ કે, ત્યાં રહેલી બધી સુંદર પ્રતિમાઓના પુન:સ્થાપન અને જાળવણી માટે કંઈક યોગ્ય નક્કર કાર્યવાહી કરે….આપનો દિન શુભ રહે.
અશોકકુમાર હંસદેવજી સાગઠિયા
સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧