શ્રીલંકાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણેય ફોર્મેટની શ્રેણીનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. હાલમાં તે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે પાકિસ્તાનની યજમાની કરી રહ્યું છે.
શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક સંકટની અસર ત્યાંના ક્રિકેટ બોર્ડ અને રમત પ્રેમીઓને ભોગવવી પડી શકે છે. વાસ્તવમાં એશિયા કપ 2022ની યજમાની શ્રીલંકા પાસેથી છીનવાઈ શકે છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના બોર્ડના સભ્યોએ વિકલ્પ પર વિચાર કરવાનું શરૂ કરી દીધું છે. આ માટે UAEમાં અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) સાથે ચર્ચા ચાલી રહી છે.
નોંધનીય છે કે શ્રીલંકાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણેય ફોર્મેટની શ્રેણીનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. હાલમાં તે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે પાકિસ્તાનની યજમાની કરી રહ્યું છે.
શ્રીલંકાના બોર્ડ સેક્રેટરીએ પણ પુષ્ટિ કરી
શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સેક્રેટરી મોહન ડી સિલ્વાએ એક વેબસાઇટને જણાવ્યું હતું કે હા, એશિયા કપને યુએઈમાં શિફ્ટ કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. આ મામલે ACCના અધિકારીઓ સાથે પણ વાત કરવામાં આવી છે. તેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. છેલ્લો એટલે કે 2018 એશિયા કપ પણ UAEમાં જ યોજાયો હતો. ત્યારે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની હતી.
યુએઈની ગરમીનો સામનો કરવાનો પડકાર
સંયુક્ત આરબ અમીરાતને સંભવિત યજમાન તરીકે જોવામાં આવે પરંતુ ટુર્નામેન્ટના સમયને જોતાં રણની ગરમીમાંથી પસાર થવું એ આયોજકો માટે એક મોટો પડકાર હશે. આ ઘટનાક્રમ વચ્ચે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નું તાજેતરનું નિવેદન શ્રીલંકન ક્રિકેટ માટે આશાનું કિરણ બની રહ્યું છે.
PCBના CEO ફૈઝલ હસનૈને કહ્યું, ‘અમારી પ્રથમ પ્રાથમિકતા શ્રીલંકાને સપોર્ટ કરવાની અને ત્યાં એશિયા કપ રમવાની છે. જો આ ટૂર્નામેન્ટ શ્રીલંકામાં નહીં થાય તો તેમના માટે મોટું આર્થિક નુકસાન થશે. પાકિસ્તાનના શ્રીલંકાના ચાલુ પ્રવાસમાં કોઈ સમસ્યા નથી કારણ કે અમે શ્રીલંકા ક્રિકેટ (SLC) સાથે સતત સંપર્કમાં છીએ.
ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે
27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એશિયા કપ 2022માં છ ટીમો ભાગ લેવા જઈ રહી છે. શ્રીલંકા, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. છઠ્ઠી અને અંતિમ ટીમ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ પછી નક્કી કરવામાં આવશે. હોંગકોંગ, કુવૈત, સિંગાપોર અને UAEનો સમાવેશ કરતી છ ટીમોની ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ 20 ઓગસ્ટથી શરૂ થશે.