ફરીયાદીની ફરીયાદના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકા દરમ્યાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાંની માંગણી કરી, સ્વીકારી, રંગે હાથ ઝડપાયો હતો.
અમદાવાદ,તા.૪
ગુજરાતમાં આમ તો લોકો ભ્રષ્ટાચારની વાતો કરતા જ હોય છે સાથે જ લાંચ લેતા ઘણા અધિકારીઓ એસીબી (ACB)ના હાથે ઝડપાયા છે પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે પણ વિચારમાં પડી જશો.
આપને જણાવીએ કે, દસ્ક્રોઇ મામલતદાર કચેરીમાં લાંચનો મામલો સામે આવ્યો છે. ફરીયાદીએ ખેડુત હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા દસ્ક્રોઇ પ્રાંત કચેરીમાં કુલ-૭ અરજીઓ કરી હતી, જે અરજીઓ રીજેક્ટ થતા ખુટતા કાગળો સાથે ફરીથી કુલ-૭ અરજીઓ કરી હતી. જે પૈકી બે અરજીઓ દફતર કરી અને બાકીની પાંચ અરજીના કામે આરોપીએ દસ્ક્રોઇ મામલતદાર કચેરીનો અભિપ્રાય આપવા પેટે એક અરજી દીઠ રૂ.૫,૦૦૦/- તેમજ પ્રાંત કચેરીમાં આગળના કામ પેટે એક અરજી દીઠ રૂ.૧૦,૦૦૦/- મળી એક અરજીના રૂ.૧૫,૦૦૦/- લેખે કુલ પાંચ અરજીના કુલ રૂ.૭૫,૦૦૦/-ની લાંચની માંગણી ફરીયાદી પાસે કરી હતી.
આ લાંચના નાણાં આજરોજ આપી જવાનો વાયદો કર્યો હતો, ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબી (ACB)નો સંપર્ક કર્યો હતો, ફરીયાદીની ફરીયાદના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકા દરમ્યાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાંની માંગણી કરી, સ્વીકારી, રંગે હાથ ઝડપાયો હતો.
(એચ.એસ.એલ)