અમદાવાદ,તા.૯
કોરોના મહામારીએ આખા વિશ્વને બાનમાં લીધુ અને તેનાથી ગુજરાતનું અમદાવાદ શહેર પણ બાકાત રહ્યું નથી. કોરોના મહામારીની બીજી લહેરમાં આખા અમદાવાદ શહેરની સ્થિતિ બદલાઇ ગઇ હતી અને ઠેર-ઠેર એમ્બ્યુલન્સની કતારો જાેવા મળી હતી તો શહેરના મોટા ભાગના સ્મશાનોમાં લાશોની અંતિમક્રિયા માટે વેઇટિંગ ચાલી રહ્યું હતું. ત્યારે શહેરમાં લોકડાઉન અને તે બાદ લોકો સોસાયટી કે મોહલ્લાના નાકે બેસે નહીં તે માટે પોલીસ દ્વારા સોસાયટીની બહાર મૂક્વામાં આવેલા બાકડાઓ ઉંધા કરી દેવાયા હતા. ત્યારે આ વર્ષે અમદાવાદ કોર્પોરેશન દ્વારા બાકડાઓને લઇ એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.
સામાન્ય રીતે શહેરમાં દરેક ઇલેક્શન બાદ જનતાના પ્રતિનિધિઓ પોતાની ગ્રાન્ટમાંથી પોતાના વિસ્તારમાં બાકડાઓ મૂકાવતા હોય છે પરંતુ હવે આ વર્ષે તેઓને બાકડાઓનું બજેટ નહીં મળે. અમદાવાદ શહેરમાં કોરોનાને લઈને કોર્પોરેશને આ ર્નિણય લીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે નાણાં વિભાગને પત્ર લખી આ વિશે જાણ કરી છે. જેમાં જણાવાયું છે કે, અમદાવાદના કોર્પોરેટરોને આ વર્ષે બજેટમાં બાકડાઓનું બજેટ ફાળવવામાં નહીં આવે. કોવિડ-૧૯ના કારણે વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટ ફાળવવામાં નહીં આવે. સાથે જ કોરોનાના લીધે આ બજેટમાં વિકાસના કામોમાં ફાળવવામાં આવશે.