અમદાવાદ મેયર અને કમિશ્નર ઓફિસની બહાર પોસ્ટરો
અમદાવાદ,તા.૨૧
મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે સ્વચ્છતાને લઇ મેયર અને કમિશનર ઓફિસ બહાર હલ્લાબોલ કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના બીજા માળે કમિશનર અને ત્રીજા માળે મેયર, ડેપ્યુટી મેયરની ઓફિસ બહાર શહેરમાં ગંદકી અંગેના પોસ્ટરો લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા.
કરોડો રૂપિયા આવ્યા છે તેને કોન્ટ્રાકટરો સાથે મળી અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સફાઇની વાસ્તવિક પરિસ્થિતિ અલગ છે. આજે કોંગ્રેસ પક્ષ સ્વચ્છતા અભિયાનના નામે ભાજપ દ્વારા જે 7 સ્ટાર રેન્કિંગ આપે છે તેનો વિરોધ કરીએ છીએ અને આવી જ પરિસ્થિતિ રહેશે તો કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરશે. 5 અને 7 સ્ટાર રેન્કિંગ લેવાની વાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે પરંતુ આજે વાસ્તવિક પરિસ્થિતિ અલગ છે અને તેના માટે આજે મેયર અને કમિશનર ઓફિસની બહાર શહેરની પરિસ્થિતિના પોસ્ટરો લગાવ્યા છે. વર્ષો સુધી સરકારી બાબુઓ અને નેતાઓ એક દિવસનું ફોટો સેશન કરાવવા માટે હાથમાં ઝાડુ લઈને રસ્તા પર ઉતરે છે. માત્ર ફોટામાં જ સારું દેખાડે છે પરંતુ ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ અલગ છે. સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરને સૌથી સ્વચ્છ મેગા સિટીનો એવોર્ડ મળ્યો હતો. પરંતુ શહેરમાં અનેક જગ્યાએ ગંદકીના ઢગ હોવાના આક્ષેપ સાથે આજે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અને અન્ય કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર ઓફિસ અને કમિશનર ઓફિસ બહાર વિરોધ કર્યો હતો.
શહેરના વિસ્તાર સાથે રોડ પર ગંદકીના ફોટો સાથેના મેયર અને કમિશનર ઓફિસ બહાર મોટા પોસ્ટરો લગાવ્યા હતા. સરકારી બાબુ અને શાસક પક્ષની કોન્ટ્રાકટરો સાથે મિલીભગત હોવાનું કહી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હોય કે કોઈપણ કમિટીનો અધિકારી હોય તમામ લોકો ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે તેવા આક્ષેપ કર્યા હતા.