Safeer News

Breaking News from Ahmedabad

Entertainment મનોરંજન

અલ્લુ અર્જુને જામીન પછી કહ્યું, ‘જે કંઈ થયું તેના માટે સોરી, હું કાયદાનું સન્માન કરું છું’

અલ્લુ અર્જુને કહ્યું કે, આ ઘટના અજાણતા બની છે. અભિનેતાએ કહ્યું- જ્યારે હું ફિલ્મ જાેવા ગયો હતો ત્યારે અચાનક આ ઘટના બની. આ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું ન હતું.

હૈદરાબાદ,તા.૧૪
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ  (૧૪ ડિસેમ્બર) સવારે હૈદરાબાદ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ અને સસરા કંચરલા ચંદ્રશેખર તેમને રિસીવ કરવા પહોંચ્યા હતા. અલ્લુ અર્જુનના ફેન્સ તેની રિલીઝથી ઘણા ખુશ છે. જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુન તેના પરિવાર સાથે તેના ઘરે પહોંચી ગયો છે. ઘરે પહોંચીને તેણે તમામ ચાહકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માન્યો.

જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુને મીડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું- ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું. હું કાયદામાં માનું છું. આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે તેથી હું વચ્ચે ટિપ્પણી નહીં કરું. હું કાયદાનું પાલન કરતો નાગરિક છું. હું પોલીસને સહકાર આપીશ.પીડિત પરિવાર પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા અભિનેતાએ કહ્યું- જીવ ગુમાવનાર મહિલાના પરિવાર પ્રત્યે મારી સંવેદના. આ એક કમનસીબ ઘટના હતી. હું પરિવારને દરેક સંભવિત રીતે ટેકો આપવા અને આ મુશ્કેલ સમયમાં તેમને શક્ય તમામ ટેકો આપવા માટે હાજર રહીશ.

આ ઘટના વિશે વાત કરતા અલ્લુ અર્જુને કહ્યું કે, આ ઘટના અજાણતા બની છે. અભિનેતાએ કહ્યું- જ્યારે હું ફિલ્મ જાેવા ગયો હતો ત્યારે અચાનક આ ઘટના બની. આ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું ન હતું. છેલ્લા ૨૦ વર્ષથી હું ફિલ્મો જાેવા સિનેમા હોલમાં જઉં છું. તે હંમેશા એક સુખદ અનુભવ રહ્યો છે, પરંતુ આ વખતે વસ્તુઓએ અલગ વળાંક લીધો.
અલ્લુ અર્જુને પ્રશંસકો માટે કહ્યું – આ સમય દરમિયાન મારી સાથે ઉભા રહેલા તમામનો હું આભારી છું. દરેકના પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર. તમારા સમર્થનને કારણે આજે હું અહીં છું. હું મારા ચાહકોનો આભાર માનવા માંગુ છું. જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુન ઘરે પહોંચતા પહેલા ગીતા આર્ટસની ઓફિસે પહોંચ્યો હતો. ગીતા આર્ટસ દક્ષિણ ભારતીય સિનેમાની સૌથી મોટી અને લોકપ્રિય ફિલ્મ નિર્માણ અને વિતરણ કંપની છે. તેની શરૂઆત ૧૯૭૨માં અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદે કરી હતી. અભિનેતા અલ્લુ અર્જુન પણ તેને ચલાવે છે. પોતાનું પ્રોડક્શન હાઉસ ગીતા આર્ટ્‌સ છોડ્યા બાદ અલ્લુ સીધો તેના પરિવાર સાથે તેના ઘરે ગયો. તેમના ઘરની બહાર પહેલેથી જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ૪ ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા ૨’ની સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન ભાગદોડને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં ગત રાત્રે (૧૩ ડિસેમ્બર) એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુનને ૧૪ દિવસના રિમાન્ડ પર મોકલ્યા બાદ શુક્રવારે તેને ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો.બાદમાં તેલંગાણા હાઈકોર્ટે તેમને રૂ. ૫૦,૦૦૦ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા હતા. પરંતુ આ પછી પણ તેને જેલમાં રાત વિતાવવી પડી હતી, કારણ કે, એવું કહેવામાં આવ્યું હતું કે, જામીનના આદેશની નકલો ઓનલાઈન અપલોડ કરવામાં આવી ન હતી, જેના કારણે અભિનેતાને જેલમાં રાત વિતાવવી પડી હતી.

(એચ.એસ.એલ)