Safeer News

Breaking News from Ahmedabad

Entertainment અમદાવાદ

‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ’નું રવિન્દ્રનાથ ટાગોર હોલમાં આયોજન કરવામાં આવ્યો

(Rizwan Ambaliya) (Jayesh Vora)

‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ’ના પ્લેટફોર્મ પર સમગ્ર વિશ્વના 105 દેશોમાંથી 3500થી વધુ ફિચર ફિલ્મ્સ, શોર્ટ ફિલ્મ્સ, ડોક્યુમેન્ટ્રીસ, મ્યુઝીક વિડીયોઝ અને એનિમેશન મૂવીઝનું સબમીશન થયું હતું. 

તા. 25/4/2025 

શહેરના પાલડી સ્થિત રવિન્દ્રનાથ ટાગોર હોલમાં ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ’ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ઓમ્કાર સંપ્રદાયના પ્રણેતા, રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત અને દિવ્યાંગો માટે તથા સામાજિક સેવાઓ માટે સતત પ્રયત્નશિલ પૂ. ઓમ્ગુરૂના માર્ગદર્શન હેઠળ આ ફિલ્મ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો હતો.

કલા અને કલાકારો માટે એક પુરતું માધ્યમ હોવું અતિ આવશ્યક છે અને ફિલ્મ જગતથી જોડાયેલી કોઈપણ વ્યક્તિને સન્માન મળે તે અતિ આવશ્યક છે એ પછી નિર્દેશક હોય, લેખક હોય, અદાકાર હોય કે, પછી તકનિકી ક્ષેત્રની વ્યક્તિ હોય. આ પુરસ્કારથી કલાકારો પોતાની આવડતને હજુ વધુ નિખારી શકે અને સમાજને ઘણી સારી ફિલ્મો મળતી રહે તેવા ઉદ્દેશથી પૂ.ઓમ્ગુરૂ ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન પ્રતિવર્ષ કરી રહ્યા છે. ઓમ્ગુરૂ ફિલ્મ્સ અને રેમ્બો ઇવેન્ટના સહિયારા પ્રયાસથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાતો આ ફિલ્મ ફેસ્ટિવલ અન્ય ફેસ્ટીવલ કરતા એટલા માટે વિશેષ છે કે, આ ફિલ્મ ફેસ્ટીવલમાં ફિલ્મ સબમીશન, આયોજન સ્થળ પર ભોજન તથા ઉતારાની વ્યવસ્થા, ફિલ્મ ફેસ્ટીવલની એન્ટ્રી તથા વિજેતાઓ માટે એનાયત કરવામાં આવતી ટ્રોફી આ બધું જ તદ્દન નિઃશુલ્ક છે. જે બીજા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ્સમાં ક્યાંય જોવા મળતું નથી.

આ વખતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ’ના પ્લેટફોર્મ પર સમગ્ર વિશ્વના 105 દેશોમાંથી 3500થી વધુ ફિચર ફિલ્મ્સ, શોર્ટ ફિલ્મ્સ, ડોક્યુમેન્ટ્રીસ, મ્યુઝીક વિડીયોઝ અને એનિમેશન મૂવીઝનું સબમીશન થયું હતું. એક વર્ષના સમયગાળામાં આ બધી જ ફિલ્મોનું જ્યૂરી મેમ્બર્સ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને ઇન્ડિયન તથા ફોરેન એમ મુખ્ય બે વિભાગ અંતર્ગત 75 કેટગરીઝમાં વિભાજીત કરવામાં આવી.

‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ’ અંતર્ગત તા.23 અને 24 એપ્રિલ 2025 અમદાવાદના ક્લબ 07માં બે દિવસ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું. જ્યાં ભારતની અને અન્ય દેશોની સ્ક્રીનીંગ માટે સિલેક્ટ કરવામાં આવેલી 50 જેટલી ફિચર ફિલ્મ્સ, શોર્ટ ફિલ્મ્સ તેમજ ડોક્યુમેન્ટ્રીસ પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો તથા સિલેક્ટ થયેલી ફિલ્મના કલાકારો, ડાયરેક્ટર તથા ટીમ ઉપસ્થિત રહી હતી. 2 સ્ક્રીનમાં રજૂ કરાયેલ ફિલ્મોના સ્ક્રીનીંગમાં ભારતીય અને વિદેશી ફિલ્મ નિર્દેશકો, નિર્માતાઓ અને કલાકારો વચ્ચે સંગોષ્ઠી અને ચર્ચા વિચારણા થઈ હતી. જેમાં વિઝન, ક્રિએટીવિટી, ટેક્નિક્સ, ડાયરેક્શન તથા એક્ટીંગ જેવા ફિલ્મને લગતા વિષયોની આપ-લે થઈ હતી.

ત્યારબાદ તા.25/04/2025ના રોજ ટાગોર હોલ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ’માં ૭૪ કેટેગરીઝમાં વિજેતાઓ અને નોમિની પ્રાપ્ત કરનારને ટ્રોફી અને સર્ટીફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. જેમાં ફિલ્મ ફેસ્ટીવલના ફાઉન્ડર ઓમ્ ગુરૂ, રેમ્બો ઇવેન્ટના ધવન શેઠ, દેવમ શાહ અને નીલ પટેલ, આંતરરાષ્ટ્રીય નૃત્યકાર ભરત બારિયા અને અક્ષય પટેલ, મૂર્ધન્ય કવિ શ્રી માધવ રામાનુજ, ફિલ્મ તથા ધારાવાહિક એક્ટર વરુણ કપૂર, કવિ પ્રતાપસિંહ ડાભી (હાકલ), ફિલ્મ ડાયરેક્ટર અને જ્યૂરી સતિશ ડાવરા, મ્યૂઝીક ડાયરેક્ટર અને જ્યુરી પાર્થ પિઠડીયા, રાઈટર તથા લિરિસિસ્ટ અને જ્યૂરી મેમ્બર વિશાલ જોષી (સ્વપસ) ના હસ્તે દિપપ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં, આ ઇવેન્ટના ઓર્ગનાઈઝર રેમ્બો ઇવેન્ટ્સ (ધવન શેઠ, દેવમ શાહ નીલ પટેલ), મુખ્ય સ્પોન્સર (ક્લિવ ઇન્ડસ્ટ્રીઝ )ના ચેરમેન શ્રી કિંજલભાઈ શાહ, ફેસ્ટિવલના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર મિહિરભાઈ શાહ, ફિલ્મ ફેસ્ટીવલમાં મહત્વની ભૂમિકા ભજવનાર જ્યૂરી મેમ્બર્સનો સન્માન સમારોહ આયોજિત થયો હતો. ફેસ્ટીવલમાં હિન્દી ફિલ્મ જગતના કલાકારોમાં રોહિત રોય, હિમાંશ કોહલી, શરીબ હાશ્મી અને પ્રખ્યાત ડાયરેક્ટર અને એક્ટર સ્વ. જોય મુખર્જીના પુત્ર ડાયરેક્ટર સુજોય મુખર્જી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય ઇન્ટરનેશનલ કેટેગરી અંતર્ગત ૨૦ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં બેસ્ટ એક્ટર પુરુષ કેટેગરીમાં ટાઈ થતા શોર્ટ ફિલ્મ હૂનરમાં શ્રેષ્ઠ અદાકારી બદલ રોહિત રોય અને બીજી શોર્ટ ફિલ્મ ફ્યૂનરલ બેર (ગહવારા)માં શ્રેષ્ઠ અદાકારી બદલ યુવા કલાકાર હિમાંશ કોહલીને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ફેસ્ટીવલના આર્ટીસ્ટિક ડાયરેક્ટર અને એસોસિએટ સ્પોન્સર દીપ ધૂડિયા અને કપિલ રાણાના હસ્તે આપવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવોર્ડ સ્વિકારતા સુજોય મુખર્જીએ જણાવતા પૂ. ઓમ્ગુરૂનો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય છે તે બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો અને પોતાની શોર્ટ ફિલ્મ વિષે માહિતગાર કર્યા હતા. તદુપરાંત દરવર્ષની જેમ આ વખતે પણ કલા ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ સેવાઓ બદલ સેવા રત્ન લાઇફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો જેમાં સુરેન્દ્રનગરના પદ્મશ્રી મુક્તાબેન ડગલી તેમની સામાજિક ઉત્કૃષ્ટ સેવા બદલ તથા ભારતની સુરીલી કોયલ તરીકે સ્થાન પામેલા સ્વ. શ્રી લતામંગેશ્કરજી (દીદી)ના આસીસ્ટન્ટ રહી ચુકેલા અને તેમની સેવામાં પોતાના જીવનના ૨૮ વર્ષોનું સમર્પણ કરનારા મહેશ રાઠોડને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ ફેસ્ટીવલના ફાઉન્ડર પૂ. ઓમ્ગુરૂના હસ્તે સેવા રત્ન લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

વિશેષ રૂપે જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવેલી બે ફિલ્મો – શ્રીકાન્ત અને ચંદુ ચેંપીયન, આ બંને ફિલ્મોની ટીમને સ્પેશલ જ્યૂરી મેન્શન એવોર્ડ એનાયત થયો હતો. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને પદ્મશ્રીના સર્વોચ્ચ સન્માનથી બિરદાયેલા મુરલીકાંત પેટકર સાહેબ કે, જેમના જીવનસંઘર્ષ અને અઢળક સફળતાઓથી પ્રેરાઈને હિન્દી ફિલ્મ ચંદુ ચેમ્પીયન નિર્દેશિત કરવામાં આવી છે. પૂ.ઓમ્ગુરૂના વરદ્ હસ્તે શ્રીમાન મુરલીકાંત પેટકરજીને વિશેષ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ ફિલ્મ ફેસ્ટીવલનો માહોલ જોઈને તેઓ ઘણાં અભિભૂત થયા તો તેમના જીવનસંઘર્ષ અને સફળતાને સાંભળીને દર્શકો પણ ભાવવિભોર થયા અને સ્ટેન્ડિંગ ઓવેશનમાં સૌકોઈએ પેટકર સાહેબને ઉષ્માભર્યું સન્માન પ્રત્યાર્પણ કર્યું.

વધુમાં અહીંયા ઉપસ્થિત દેશ વિદેશના ભાવી કલાસાધકોને ૭૪ કેટગરીના કુલ (260) એવોર્ડ એનાયત થયા. વિશેષ વાત તો એ હતી કે, દરેક કેટેગરીમાં એક વિજેતા સાથે અન્ય નોમિનેટ થયેલી વ્યક્તિને પણ એવોર્ડ આપીને સન્માનિત કરાયા છે. ટૂંકમાં કહીએ તો, અહીંયાથી કોઈ ખાલી હાથે પાછું ગયું નથી. પૂ. ઓમ્ગુરૂના સફળ નેતૃત્ત્વ અને રેમ્બો ઇવેન્ટના સફળ આયોજન હેઠળ ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ’એ અમદાવાદ, ગુજરાત અને આપણા ભારત દેશનું નામ વિશ્વમાં ફિલ્મ ફેસ્ટીવલના ક્ષેત્રે ચમકાવ્યું છે. આગામી સમયમાં પણ ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ’ ફિલ્મ ફેસ્ટીવલના આયોજનને હજુ વધારે વિશેષ આયોજનસભર આયોજિત કરવા પ્રયત્નશીલ થશે. જેનાથી હજારો ફિલ્મી ઉદ્યમીઓને એક ઉત્કૃષ્ટ માધ્યમ મળશે અને તેમની કલાશક્તિને બમણો વેગ મળશે.
ફરી એકવાર કાર્યક્રમ સાથે જોડાયેલ તમામ વ્યક્તિને ખૂબ ખૂબ શુભેચ્છા…..

‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ’એ હિતેશભાઈ ચાવડાનો સ્પેશિયલ આભાર માન્યો હતો જેમણે pr તરીકે આખા કાર્યક્રમના સુંદર મજાની જવાબદારી નિભાવી હતી.