અમદાવાદ,
હાલ પરિવારો નાના થઇ રહ્યાં છે અને તેમાં પણ પતિ અને પત્ની બંને નોકરી ધંધો કરતા થયા છે. જેના કારણે પતિ-પત્નીને પોતાના ઘર અને બાળકોનું ધ્યાન રાખવા માટે નોકરની જરૂર પડતી હોય છે. તો આવા પરિવાર માટે અમદાવાદનો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. દંપતી બંને આઈટી કંપનીમાં નોકરી કરે છે. તેમને ૧૧ મહિનાની એક બાળકી છે. તેના માટે ઓનલાઇન કંપનીમાંથી એક આયા રાખી હતી. જે આખો દિવસ બાળકીનું ધ્યાન રાખે. આ આયાએ બાળકીને મહારાષ્ટ્રમાં દલાલોને વેચવાનો પ્લાન બનાવી લીધો હતો પરંતુ બંગાળ પોલીસની સતર્કતાએ દીકરીને દલાલોના હાથમાં જતી બચાવી લીધી.
શહેરના ચાંદખેડાના વિસ્તારમાં રહેતા વર્કિંગ દંપતીને ૧૧ મહિનાની દીકરી છે. આ બંને પતિ પત્ની આઈટી પ્રોફેશનલ છે. બંને જણા કામના સમયે પોતાની દીકરી પર ધ્યાન આપી શકતાં નહોતાં, જેથી તેના ઉછેરમાં ખૂબ જ તકલીફ પડતી હતી. જેથી તે લોકોએ બાળકીને સાચવવા માટે ઓનલાઇન એજન્સીમાંથી આયાને કામ પર રાખી હતી. આ આયાનું નામ બિંદુ હતુ. આ દંપતી બિંદુને મહિને ૧૮ હજાર રૂપિયા આપતા હતા. બિંદુ બાળકીને સારી રીતે રાખતી હતી. જેથી દંપતી તેનાથી ખુશ હતા.
એક દિવસે પતિ પોતાની ઓફિસમાં હતો અને ત્યારે જ પશ્ચિમ બંગાળથી એક પોલીસ ઓફિસરનો ફોન આવ્યો કે તમે બાળકને સાચવવા માટે આયા રાખી છે તેનું નામ બિંદુ છે ? પોલીસે વધુમાં જણાવ્યું કે, તમારી દીકરીનો ફોટો હ્યુમન ટ્રાફિકિંગ કરતી ગેંગ પાસે છે. બિંદુ આ દીકરીને વેચવાનો પ્લાન કરી રહી છે. જેથી તેઓ તરત જ પોતાના ઘરે ગયા અને બિંદુને સીધો જ સવાલ કર્યો કે, તું દીકરીને વેચવાની હતી, પરંતુ બિંદુ આનો યોગ્ય જવાબ ન આપી શકી અને ભાગવાનો પ્રયત્ન કર્યો. જે બાદ ચાંદખેડા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ.)