અશોકકુમાર હંસદેવજી સાગઠિયા
વીતેલા વર્ષોનું સુરીલું સંભારણું : મારા આગામી પુસ્તક “ફિલ્મ સંગીતનો સુવર્ણકાળ અને તેના સર્જકો” નું એક મીઠું મધુરું પ્રકરણ પણ – માસ્ટર ઈબ્રાહીમ અને તેમની ક્લેરોનેટ….
સન ૧૯૩૦ના દાયકામાં હિન્દી સિનેમા જગતમાં ફિલ્મ આલમઆરા સાથે બોલપટની શરૂઆત થઇ અને ફિલ્મ સંગીતના સુવર્ણકાળની શરૂઆત થઇ. HMV, કોલમ્બિયા, ઓડિયોન જેવી ખ્યાતનામ રેકોર્ડીંગ કંપનીઓએ ફીલ્મી ગીતોના હક્કો મેળવ્યા અને તેની રેકોર્ડઝ બહાર પાડવા માંડી. તેમાં પણ HMVએ વ્યવસાયને કોઈ નવો આયામ આપવાનું વિચાર્યું. તેણે ફિલ્મી ગીતોના રેકોર્ડ્સના વેચાણ સાથેસાથે વ્યવસાયને અન્ય દિશામાં વિસ્તારવાનું વિચાર્યું. તેમની પાસે ફિલ્મોના લોકપ્રિય ગીતો અન્ય ગાયકો ગાતા હોય તેવો પણ ઘણો સંગ્રહ હતો. તેને વર્ઝન રેકોર્ડઝ કહેવામાં આવતી.
તે સિવાય માર્કેટિંગનું એક નવું ક્ષેત્ર વિચારવામાં આવ્યું. તેમાં કોઇપણ ગીતને મૂળ રેકોર્ડીંગ ટ્રેક જેવા જ બીજા ટ્રેકનો ઉપયોગ કરીને ગાયકની જગ્યાએ કોઈ એક વાદ્ય પર વગાડવામાં આવે અને તેની રેકોર્ડ બહાર પાડવામાં આવે અને તેના માર્કેટિંગ માટે રેડિયો જેવું માધ્યમ હાજર હતું જ. રેડિયો પર સાઝ ઔર આવાઝ કાર્યક્રમ શરુ થયો અને નિષ્ણાત સાજીન્દાઓના સાજ પરથી પ્રખ્યાત ફિલ્મી ગીતોની ધૂનો ધૂમ મચાવવા લાગી.
માસ્ટર ઈબ્રાહિમને પોતાની પ્રતિભા બતાવવાની સોનેરી તક દેખાઈ અને HMV કંપનીએ તેમની ક્લેરોનેટની ૭૮ આરપીએમની ટ્યુન રેકોર્ડ બનાવવાનું શરૂ કર્યું. જે ખુબ જ વેચાઈ અને તેઓ ખૂબ જ લોકપ્રિય બન્યા. આજે તેમની ૭૮ આરપીએમ રેકોર્ડ્સ ખૂબ જ દુર્લભ છે અને હવે ઇન્ટરનેટ પર હજારો રૂપિયામાં વેચાઈ રહી છે. સમય જતાં HMVએ તે રેકોર્ડિંગની ઇપી, એલપી અને સીડી પણ બહાર પાડી હતી. પ્રખ્યાત ભારતીય લેખક રસ્કિન બોન્ડ માસ્ટર ઈબ્રાહિમની ટ્યુન રેકોર્ડઝના પ્રસંશક હતા. જે તેમણે ડેક્કન હેરાલ્ડમાં ૧૭ ઓક્ટોબર ૨૦૦૪ના અંકમાં લખ્યું છે.
માસ્ટર ઈબ્રાહિમનો જન્મ સન ૧૯૧૫માં થયો હતો, તેમનો પરિવાર મૂળ રાજસ્થાનના શહેર અજમેરની પાસે આવેલા કિશનગઢમાં રેહતો હતો. તેઓ લગભગ ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા રહેમતઅલી મુંબઈ આવ્યા અને પાયધુની વિસ્તારમાં ઘર લીધું. માસ્ટર ઈબ્રાહિમ ત્યાં જ મોટા થયા અને આખી જીંદગી ત્યાં જ વિતાવી. રોજ સાંજે સ્કુલ છૂટ્યા પછી કે, સ્કુલમાં રજાનો દીવસ હોય અને પાડોશના છોકરાઓ સાથે રમવાનું કોને ન ગમે ? ઈબ્રાહીમ પણ તેમાં અપવાદ નહોતો. પણ તેમનો પાડોશ કંઇક જુદા જ પ્રકારનો હતો. તેના પડોશમાં પુરા દસ છોકરાઓ રહેતા હતા, અને આપણા ઈબ્રાહીમના તે બધા જીગરજાન મિત્રો બ્રાસ બેન્ડ બોયઝ હતા. તેમનો નિયમિત થતો રીયાઝ, તેથી અજાણપણે તેઓમાં આવતી શિસ્તબદ્ધતા અને હૃદયને સ્પર્શી જતા સંગીતના સુરોમાંથી આપણો ઈબ્રાહીમ પણ બાકાત રહ્યો નહીં. બાકી હતું તો ઈબ્રાહિમને બેન્ડ માસ્ટરની ક્લેરોનેટ પર હાથ બેસાડતો જોઈ અને તેના પિતા શ્રીમાન રહેમતઅલીએ તેને ૧૩ કી ની ક્લેરોનેટ લાવી આપી. તે પછી ઈબ્રાહિમે રીયાઝ કરવામાં પાછુ વળીને જોયું નહીં.
તેમણે તે સમયના દંતકથા સમાન સંગીતકારો શ્રી બન્નેખાન મીરુતવાલે અને જિરયખાન પાણીપતવાલે પાસે બાકાયદા ભારતીય શાસ્ત્રીય સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી. તે સાથે નિયમિત રીતે મુંબઈમાં યોજાતા મોટામોટા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો કે, જેમાં ભારતના ખ્યાતનામ ગાયકો અને વાદકો ભાગ લેતા તેમાં હાજરી આપતા રહ્યા અને તેમના ક્લેરોનેટ વાદનમાં ગાયકીનું અંગ ઉતારવામાં નિપુણ બન્યા. સાથેસાથે તેઓ સોપ્રાનો સેક્સોફોન, ઝાયલોફોન, વાઈબ્રોફોન અને જલતરંગ જેવા અન્ય સાધનો પણ વગાડતા શીખતા રહ્યા.
એક વ્યવસાયી કલેરિઓનેટ વાદક તરીકે તેમણે પ્રથમ વિદેશી એબોનાઇટ ક્લેરનેટથી શરૂઆત કરી. થોડા સમય પછી તેમને સમજાયું કે, આ પ્રકારની વિદેશી એબોનાઇટ ક્લેરનેટ મુંબઈની ભેજવાળી આબોહવા માટે યોગ્ય નહોતી. તે પછી તેણે લાકડાની ક્લેરનેટ વગાડવાનું શરુ કર્યું અને તેને વધુ સારું લાગ્યું. તે સમયે અન્ય ક્લેરનેટ વાદકો સીધીસાદી ૧૩ ચાવીની આલ્બર્ટ સિસ્ટમથી ટેવાયેલા હતા અને તેઓને બોહેમ સિસ્ટમની ફાવટ આવતી નહોતી. માસ્ટર ઇબ્રાહિમે વધુ જટિલ બોહેમ સિસ્ટમ ક્લેરનેટ્સનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. તે સમયના પ્રખ્યાત વાંસળી વાદક થિયોબાલ્ડ બોહેમની વાંસળી માટેની સિસ્ટમથી પ્રેરિત થઈને શ્રી હાયસિન્થે ક્લોસે અને ઓગસ્ટે બફે જીયુન નામના સંગીતકારોએ સન ૧૮૩૯થી ૧૮૪૩ સુધી ક્લેરનેટમાં વિવિધ સુધારાઓ કરી ક્લેરનેટ માટેની કીવર્કની એક સિસ્ટમ તૈયાર કરી અને તેને બોહેમ સિસ્ટમ નામ આપ્યું. તેમના સુપુત્ર ઇકબાલ અજમેરીના માનવા અનુસાર માસ્ટર ઇબ્રાહિમ ભારતમાં બોહેમ સિસ્ટમનો ઉપયોગ કરનાર પ્રથમ ક્લેરનેટિસ્ટ હતા.
ત્રીસના દાયકાની શરૂઆતમાં ભારતમાં બોલતી ફિલ્મો બનવાનું શરૂ થયું કે, અન્ય વ્યાવસાયિકો માટે નવી તકો ખુલી. હિન્દી/ઉર્દૂ થિયેટરમાં કામ કરતા લોકો ફિલ્મ ઉદ્યોગમાં જોડાવા લાગ્યા. તે જાણીતું છે કે, માસ્ટર નિસાર જેવા ગાયક-અભિનેતાઓ, જહાનઆરા કજ્જન અને અન્ય અભિનેત્રીઓ, ઉસ્તાદ ઝંડેખાન જેવા સંગીત દિગ્દર્શકો, આગા હશર કાશ્મીરી જેવા ગીતકારો અને અન્ય થીયેટરના લોકો શરૂઆતના દાયકાઓમાં થિયેટરમાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી ગયા.
માસ્ટર ઈબ્રાહિમ પણ ઈન્ટરવ્યુ માટે અજંતા મૂવીટોન, રણજીત મૂવીટોન અને અન્ય ફિલ્મ કંપનીઓમાં ગયા. તેમને રણજીત મૂવીટોન કંપની, મુંબઈમાં સન ૧૯૩૪માં ત્રણ વર્ષ માટે કરારબદ્ધ કરવામાં આવ્યા. તે સાથે તેમણે પોતાનું ધ્યાન તે સમયની બીજી નવી માસ મીડિયા ટેક્નોલોજી, રેડિયો તરફ વાળ્યું.
ઓલ ઈન્ડિયા રેડિયો સત્તાવાર રીતે ૮ જૂન, ૧૯૩૬ના રોજ સંપૂર્ણપણે શરૂ થયું. તે માધ્યમની લોકપ્રિયતાને કારણે ૨૨ ડિસેમ્બર ૧૯૩૫થી ઈન્ડિયન લિસનર નામનું મેગેઝિન શરૂ થયું. તેના પ્રથમ અંકમાં ત્રણ રેડિયો સ્ટેશનો માટે પ્રોગ્રામ માર્ગદર્શિકાઓ હતી. તે સમયે મુંબઈ, દિલ્હી અને કલકત્તાના રેડિયો સ્ટેશન્સ શરુ થયા હતા. ઓલ ઈન્ડિયા રેડિયો, મુંબઈ પર ૮ જૂન, ૧૯૩૬ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે બાઈ સુંદરાબાઈના કંઠે સારંગી, હાર્મોનિયમ અને તબલાની સંગાથે લોકપ્રિય ગીત સાથે શરૂઆત થઈ. તે પછી થોડું વધુ સંગીત અને સમાચાર પછી બ્રીટીશ રાષ્ટ્રગીત ‘ગોડ સેવ ધ કિંગ એમ્પરર’ વગાડવામાં આવ્યું અને કાર્યક્રમ પૂરો થયો.
માસ્ટર ઈબ્રાહિમે ઓલ ઇન્ડિયા રેડિયોમાં ઈન્ટરવ્યુ આપ્યું અને પહેલો કોન્ટ્રાક્ટ મેળવ્યો. તેમણે રેડિયો પરના પ્રથમ કાર્યક્રમ ૭મી નવેમ્બર ૧૯૩૬ના રોજ સાંજે ૫:૧૫ વાગ્યે ક્લેરનેટ પર એકધારું પંદર-મિનિટ સુધી સંગીત રેલાવ્યું. આ વાત ભારતીય લિસનર અંકમાં જણાવવામાં આવી છે. સન ૧૯૭૪ સુધી તેઓ રેડિયો પર કરાર આધારિત કામ કરતા રહ્યા, પણ પછી તેમને સંધિવા થયો અને તેઓ વગાડવાનું ચાલુ રાખી શક્યા નહીં.
સન ૧૯૪૨માં, માસ્ટર ઈબ્રાહિમ તત્કાલીન એચએમવી (હિઝ માસ્ટર્સ વોઈસ) સાથે જોડાયા અને તેમના સમગ્ર કાર્યકાળ સુધી સ્ટાફ કલાકાર તરીકે તેમની સાથે રહ્યા. તેમની એચએમવી દ્વારા ૭૮ આરપીએમની સન ૧૯૩૯થી ૧૯૬૩ સુધી ૨૩૫ ગીતોની રેકોર્ડઝ બહાર પાડવામાં આવી. તે સિવાય સમયને અનુરૂપ સંખ્યાબંધ ઈપી અને એલપી રેકોર્ડઝ પણ ખરી. તે સાથે માસ્ટર ઈબ્રાહિમે સેંકડો ફિલ્મોમાં તમામ પ્રખ્યાત ગાયકો અને લોકપ્રિય સંગીત દિગ્દર્શકો સાથે હજારો ગીતોમાં વગાડ્યું પણ ખરું.
માસ્ટર ઈબ્રાહિમ કદાચ એકમાત્ર ક્લેરિનિસ્ટ છે જેમના શાસ્ત્રીય સંગીત પર P.hd. કરવામાં આવ્યું હોય. શ્રીમતી શાંતિ રાવલે આ થીસીસ યુ.એસ.એ.ની ન્યુયોર્ક યુનિવર્સિટી ઓફ ન્યુયોર્કના ડો. એસ્થર લેમનેકની અધ્યક્ષતામાં ‘ધ એડેપ્ટેશન ઓફ ધ ક્લેરીનેટ ટુ હિન્દુસ્તાની મ્યુઝિકઃ ધ પ્લેઇંગ સ્ટાઈલ ઓફ માસ્ટર ઈબ્રાહિમ’ સન ૨૦૦૯માં યુનિવર્સિટીની સ્ટેઈનહાર્ટ સ્કૂલ ઓફ કલ્ચર, એજ્યુકેશન અને હ્યુમન ડેવલપમેન્ટ દ્વારા સબમિટ કરવામાં આવી હતી અને મંજૂર કરવામાં આવી હતી.
માસ્ટર ઈબ્રાહિમના સાત બાળકોમાંથી, સલીમ અજમેરી, ફારૂક અજમેરી અને ઈકબાલ અજમેરીએ તેમના સંગીતના વારસાને આગળ વધાર્યો છે. તેમણે ખય્યામ, શંકર-જયકિશન, હેમંત કુમાર, કલ્યાણજી-આનંદજી, સલિલ ચૌધરી, રવિન્દ્ર જૈન, કનુ ઘોષ, જગજીત સિંગ, ભપ્પી લહેરી અને જતિન લલિતના રેકોર્ડિંગમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ ત્રણેય ભાઈઓએ બોલીવુડના હજારો ગીતોમાં વાઈબ્રાફોન વગાડ્યું છે. જેમાં કેટલીક ફિલ્મો સચ્ચા જુઠા (૧૯૭૦), આનંદ (૧૯૭૧), કભી કભી (૧૯૭૫), મિસ્ટર નટવરલાલ’ (૧૯૭૯), ઉમરાવ જાન, લાવારિસ (૧૯૮૧), રઝિયા સુલતાના (૧૯૯૩) અને રામાયણ, મહાભારત, મિર્ઝા ગાલિબ, કહકશન (અલી સરદાર ઝફરે), શામ-એ-ગઝલ, આરોહી અને ‘શબ્દંચ્યા પાલિકડે’ જેવી ઘણી સિરિયલોમાં પણ વગાડ્યું છે.
આ સમગ્ર લેખ તૈયાર કરવા માટે મને તેમના સુપુત્ર શ્રી ઇકબાલ અજમેરીએ ઘણીબધી વિગતો આપી તેમજ પ્રો. સુરજીત સિંઘ દ્વારા લખવામાં આવેલું અંગ્રેજી પુસ્તક “માસ્ટર ઈબ્રાહીમ – ધ ફરગોટન એસ ક્લેરનેટ” પણ ભેટ આપ્યું છે, તે માટે હું તેમનો આભારી છું.
ખરેખર માસ્ટર ઈબ્રાહીમ નસીબદાર છે કે, તેમના પુત્રો સલીમ, ફારૂક અને ઈકબાલે તેમના પ્રતિષ્ઠિત વારસાને પ્રશંસનીય રીતે આગળ વધાર્યો છે. આપનો દિન શુભ રહે…
– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા
સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧