Safeer News

Breaking News from Ahmedabad

દેશ

હે…રામ…સ્મશાનોમાંથી કફનની ચોરી કરી નવા ટેગ લગાવી વેચતી આખી ગેંગ ઝડપાઈ

બડૌત,તા.૧૧
કોરોના કાળમાં એક તરફ લોકો જીવવા માટે ઝઝૂમી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકો એવા છે કે આવા સમયમાં પણ લોકોની સેવા કરવાને બદલે કાળા કામો કરી પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. અત્યાર સુધી તો રેમડેસિવિર ઈન્જેકશન, ઓકિસજનના બાટલા અને કોરોના માટે જરૂરી દવાઓ અને વસ્તુઓના કાળા બજાર અને ચોરી થતી હતી. પણ, હવે ઉત્તર પ્રદેશમાં તો એક એવી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમારો ‘માનવતા’ શબ્દ પરથી જ વિશ્વાસ ઉઠી જશે. અહીં સ્મશાન ઘાટ પરથી કફનની ચોરી કરતી ગેંગ પકડાઈ છે. આ લોકો કફન ચોરી તેના પર બ્રાન્ડેડ કંપનીના લેબલ લગાવી તેને ફરીથી બજારમાં વેચી દેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં કપડા પણ જપ્ત કર્યા છે.
બડૌતના પોલીસ ઈન્સ્પેક્ટર અજય શર્માએ કહ્યુ જિલ્લામાં રવિવારે લોકડાઉન દરમિયાન પોલીસ ટીમ ચેકિંગ કરી રહી હતી. તે સમયે એક વાહન બ્રાન્ડેડ કપડાથી ભરેલુ મળ્યુ હતુ. પોલીસને શંકા જતા તેમણે તેનું બિલ માગ્યુ હતુ. આરોપી બિલ બતાવી શક્યો ન હતો. પોલીસે લાલ આંખ કરી તો ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો હતો. આ લોકો કફનની ચોરી કરીને તેનો વેપલો કરાતો હોવાનું રેકેટ સામે આવ્યુ હતુ.
આ લોકો સ્મશાન ગૃહોમાંથી શબોના કફનની ચોરી કરીને તેને વોશ કરાવીને તેની પર નામી બ્રાન્ડનો ટેગ લગાવીને વેચી દેતા હતા. પોલીસે વારાફરતી કુલ ૭ લોકોની ધરપકડ કરીને તેમની પાસેથી ૫૨૦ કફન, ૧૨૭ કુર્તા, ૧૪૦ શર્ટ, ૩૪ ધોતી, ૧૨ ગરમ શાલ, ૫૨ સાડી, રિબનના ત્રણ પેકેટ તેમજ નામી બ્રાન્ડના ૧૫૮ સ્ટીકર કબજે કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ટોળકીએ ગત વર્ષે પણ કોરોનાકાળ દરમિયાન આ વ્યાપાર જારી રાખ્યો હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસ હાલ તો સાતેય આરોપીઓને જેલ ભેગા કરી દીધા છે.
ત્યાંના COએ જણાવ્યું હતું કે આરોપીઓ સ્મશાન અને કબ્રસ્તાનમાં રહેનારા લોકોને ૩૦૦ રૂપિયાની લાલચ આપીને આ કામ કરાવતા હતા. સ્મશાનમાં કાર્ય કરતા લોકો મૃતદેહનાં કપડા, ધોતી, શર્ટ, પેન્ટ, કફન વગેરે તમામ વસ્તુઓની ચોરી કરતા હતા. ત્યાર પછી તેઓ કપડાને ધોઈને ઈસ્ત્રી કરીને નવું સ્ટીકર લગાવતા હતા અને ફરીથી પેક કરીને વેચી દેતા હતા. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને આ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ તમામ આરોપીઓની ઉપર કલમ-૧૪૪ના ભંગની તથા મહામારીનાં અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.
પોલીસે બધા શખસો- શ્રીપાલ પ્રવીણકુમાર જૈન, પ્રવીણ આશીષ જૈન, રામમોહન શ્રવણકુમાર શર્મા, અરવિંદ ઋષભ જૈન, ઈશ્વર, વેદપ્રકાશ, મોબીન શાહરૂખ ખાનને પકડી જેલ હવાલે કરી દીધા છે. પકડાયેલા બધા આરોપીઓ બાગપત જિલ્લાના બડૌતના રહેવાસી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *