પેલેસ્ટિનિયનોની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ભવિષ્યમાં સ્થિતિ વધુ વણસી જવાની આશંકાથી વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ ઈઝરાયેલને રફાહ પર હુમલો ન કરવાની અપીલ કરી છે.
ગાઝા,તા.૧૭
ગાઝા પર ઈઝરાયેલનો હુમલો એટલો વધી ગયો છે કે, તેણે હવે નરસંહારનું સ્વરૂપ લઈ લીધું છે. આ હુમલાઓને કારણે ગાઝાની મોટાભાગની વસ્તીએ ગાઝાના રફાહ શહેરમાં આશરો લીધો છે. પેલેસ્ટિનિયનોની બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ભવિષ્યમાં સ્થિતિ વધુ વણસી જવાની આશંકાથી વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ ઈઝરાયેલને રફાહ પર હુમલો ન કરવાની અપીલ કરી છે.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ છઠ્ઠા મહિનામાં પહોંચી ગયું છે. ગાઝા પર ઈઝરાયેલના સતત હુમલામાં હજારો પેલેસ્ટિનિયનોના મોત થયા છે. ગાઝામાં સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. આ હુમલાઓમાં ગાઝાના ઘણા ઘરો ધ્વસ્ત થઈ ગયા છે, જેના કારણે લોકો હવે આશ્રય મેળવવા માટે રફાહ તરફ વળ્યા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે ગાઝા શહેર રફાહ પર હુમલો કરવા માટે ઇઝરાયેલની સેનાને મંજૂરી આપી દીધી છે.
રફાહમાં થયેલા હુમલાને કારણે મોટી સંખ્યામાં નાગરિકોના મોતની આશંકા છે. આને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા ઈઝરાયેલને રફાહ પર હુમલો ન કરવાની અપીલ કરી છે. તેમના ટ્વીટમાં તેમણે કહ્યું કે “હું રફાહ પર જમીન પર હુમલો કરવાની ઇઝરાયેલની યોજનાના અહેવાલોથી ગંભીર રીતે ચિંતિત છું.” તેમણે એમ પણ કહ્યું કે, આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ આશ્રય લીધો છે અને જાે શહેર પર હુમલો થશે તો આ વિસ્તારમાં હિંસા વધવાને કારણે મોટી સંખ્યામાં લોકો માર્યા જશે.
તમને જણાવી દઈએ કે, હાલમાં રફાહમાં ૧૦ લાખથી વધુ લોકો હાજર છે. ગેબ્રેયેસસે કહ્યું કે, રફાહમાં રહેતા લોકો માટે જવા માટે હવે કોઈ સુરક્ષિત જગ્યા નથી. ઈઝરાયેલને અપીલ કરતા તેમણે લખ્યું કે, માનવતાના નામે અમે ઈઝરાયેલને અપીલ કરીએ છીએ કે, તે આગળ વધવાને બદલે શાંતિની દિશામાં કામ કરે. ઇઝરાયેલી સેનાને રફાહ પર હુમલો કરવાની મંજૂરી આપતાં નેતન્યાહૂએ કહ્યું હતું કે, હુમલા પહેલા તેઓ નાગરિકોને અન્ય સ્થળે ખસેડશે, ત્યારબાદ હમાસને ખતમ કરવા માટે રફાહ પર હુમલો કરશે.
આને ધ્યાનમાં રાખીને, ઘેબ્રેયેસસે કહ્યું કે, ગાઝામાં ક્યાંય પણ સલામત સ્વાસ્થ્ય સુવિધાઓ નથી કે, જ્યાં તેઓ સરળતાથી પહોંચી શકે. તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્તમાન સંજાેગોમાં આ યુદ્ધમાં જે લોકો ઈઝરાયેલના હુમલાનો સામનો કરી રહ્યા છે તેઓ શારીરિક રીતે ખૂબ જ નબળા છે. આમાંના મોટી સંખ્યામાં લોકો બીમાર અને ભૂખ્યા છે, જેના કારણે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું શક્ય નથી.
(જી.એન.એસ),