Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

આગામી ૧૧ માર્ચથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને ખાસ સૂચના

જે વિદ્યાર્થીએ ફી ન ભરી હોય તેમની હોલ ટિકિટ અટકાવવામાં ન આવે તેવી તાકીદ કરી

ગાંધીનગર,
બોર્ડ પરીક્ષા દરમિયાન એવા કિસ્સા સામે આવતા હોય છે કે, જ્યાં જે વિદ્યાર્થીએ ફી ન ભરી હોય તેમની હોલ ટિકિટ અટકાવવામાં રાખી હોય છે. આ પ્રકારના શહેરી વિસ્તારમાં ૬ જેટલા કિસ્સા સામે આવ્યા છે. જે બાબતે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપી હોલ ટિકિટ અપાવવાની વ્યવસ્થા કરાઇ છે. સાથે સાથે કચેરી મારફતે જે શાળા આ પ્રકારે હોલ ટિકિટ રોકી રાખે તેને ખાસ તાકીદ કરીને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવા માટે પણ સૂચના આપી છે.

આગામી ૧૧ માર્ચથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને ખાસ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કુલ ૩૪૯ બિલ્ડિંગમાં ૧,૦૧,૩૫૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધોરણ ૧૦ના ૫૮,૬૯૧ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૯,૪૯૩ અને સામાન્ય પ્રવાહના ૩૩,૧૬૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ૨૬૧ કેન્દ્રો પર ૭૭,૮૩૦ વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેમાં ધોરણ ૧૦ના ૪૭,૧૯૦ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૬,૪૬૦ અને સામાન્ય પ્રવાહના ૨૪,૧૮૦ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

ગ્રામ્ય વિસ્તારમાં ખાસ પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય વિભાગની મદદથી એક કીટ પણ આપવામાં આવશે. આ ફર્સ્ટ એડ કીટમાં આવતી પ્રાથમિક સારવાર માટે જરૂરી એવી દવાનો સમાવેશ થાય છે. પરીક્ષાની સૌથી મોટી બાબતે એ છે કે, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક પણ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર નથી. પરીક્ષાના તમામ કેન્દ્રો CCTVથી સજજ રાખવામાં આવશે. પરીક્ષા સાથે સંકળાયેલ કર્મચારીઓને તાલીમ પણ આપવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.

આ ઉપરાંત કલેકટરની અધ્યક્ષતામાં ટોરેન્ટ પાવર, AMTS, વાહન વ્યવહાર વિભાગ, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ સાથે બેઠક કરી પરીક્ષાને ધ્યાને રાખી વિદ્યાર્થીઓના અગવડતા ન પડે, તેનું ખાસ સંકલન પણ કરવામાં આવ્યું છે.

 

(જી.એન.એસ)