ધોરાજી,તા.૩
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે તંત્ર દ્વારા લોકોને નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. તો બીજી તરફ રાજ્યની તમામ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી છે. દર્દીને હોસ્પિટલમાં દાખલ થવા માટે વેઇટિંગ કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત કેટલાક દર્દીઓને તો હોસ્પિટલ સુધી પહોંચવામાં એમ્બ્યુલન્સ ન મળતી હોવાના કારણે પરિવારના સભ્ય દર્દીને અલગ -અલગ રીતે હોસ્પિટલમાં પહોંચાડતા હોય તેવા પણ કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આ પ્રકારનો કિસ્સો રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવ્યો છે કે જેમાં એક દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની સુવિધા ન મળી હોવાના કારણે પરિવારના સભ્યો મિનિ ટ્રેક્ટરમાં આ દર્દીને મૂકીને સારવાર માટે હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને જે સમયે દર્દીના પરિવારજનો દર્દીને મિનિ ટ્રેક્ટરમાં હોસ્પિટલ સુધી લઈ જઈ રહ્યા હતા. તે સમયના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એક દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાનું હતું અને પરિવારના સભ્યો ૧૦૮ની રાહ જાેઈ રહ્યા હતા પરંતુ દર્દીને સમયસર ૧૦૮ની સુવિધા ન મળી હોવાના કારણે દર્દીના પરિવારના સભ્ય દર્દીને મિનિ ટ્રેક્ટરની ટ્રોલીમાં નાખીને હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. આ ઘટના પણ ઘણું સૂચવી જાય છે. કારણ કે એક તરફ રાજ્ય સરકાર એવું કહી રહી છે કે, સરકાર પાસે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે પરંતુ બીજી તરફ આ દૃશ્યો કંઈક બીજું જ કહી રહ્યા છે. કારણ કે, દર્દીને ૧૦૮ના અભાવે ટ્રેક્ટરની ટ્રોલીમાં સારવાર અર્થે લઈ જવા પડી રહ્યો છે.