નર્મદા પોલીસ, NDRF તથા SDRFની ટીમે જલપ્રલયમાં ફસાયેલાં લોકોનું રેસક્યું કરી સલામત સ્થળે ખસેડ્યા
રાજપીપળા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પૂરનું પાણી બાદ જુદા જુદા વિસ્તારમાં રેસ્ક્યુ કરાયું
સાજીદ સૈયદ , નર્મદા
16 સપ્ટેમ્બરની સાંજથી નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા કાંઠે વસેલા ગામોની માઠી દશાની શરૂઆત થઈ હતી. ચારે બાજુ પૂર્ણ પાણી પરિવર્તન ખેતરો અને મકાનોમાં 15 ફૂટ જેટલો પાણી ફરી વળ્યા હતા. એક તરફ વરસાદ વરસી રહ્યો હતો તો, બીજી તરફ પૂરનું પાણી માનવ વસાહતમાં ઘૂસી ગયું હતુ, જેથી પોલીસ સ્ટાફ અને NDRF તથા SDRF ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચીને નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી. જેમાં રાજપીપળા સહિત, માંગરોલ, તરસાલ, ગુવાર, હઝરપૂરા તથા રૂંઢ ગામમાંથી કુલ 160 લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
આ રેસ્કયુમાં માંગરોલ નવી વસાહત અને ડેરી ફળિયામાં 50, તેમજ રામાનંદ આશ્રમ અને સીતારામ આશ્રમમાં 45થી 55 તથા માંગરોલ ગામમાં આવેલ વાયબ્રન્ટ સ્કૂલ તેમજ બી.એડ. કોલેજમાં 30 જેટલા વિદ્યાર્થી અને શિક્ષકો, તથા તરસાલ અને ગુવાર ગામમાં 38 જેટલા માણસો પુરના પાણીમાં ફસાઈ ગયા હતા. નર્મદા પોલીસ અને NDRF તેમજ SDRFની ટીમે રેસક્યુ હાથ ધરી, પૂરમાં ફસાયેલા તમામ લોકોને બોટમાં બેસાડી સુરક્ષિત ઠેકાણે પહોંચાડ્યા હતા. જ્યારે રાજપીપળા કરજણ નદીના કિનારે આવેલ જુનાકોટ વિસ્તારમાંથી 9 અને હજરપુરા ગામમાંથી 35થી 40 જેટલા પરિવારના લોકો તેમજ રુંઢ જલારામ આશ્રમમાં 9 જેટલા માણસો પુરના પાણીમાં ફસાઈ જતા તેમને પણ નર્મદા પોલીસ અને NDRF તેમજ SDRF દ્વારા રેસક્યું કરી સલામત રીતે બચાવી લઈ બીજા સ્થળે ખસેડવામાં આવ્યાં હતા.
આ રેસ્ક્યુ કામગીરી નર્મદા પોલીસ વડા પ્રશાંત સુંબેની હાજરીમાં NDRF અને SDRF ટીમના જવાનો સાથે ડી.વાય.એસ.પી. જી.એ. સરવૈયા, રાજપીપળા ટાઉન પી.આઈ. આર.જી. ચૌધરી, પો.કો. નરેન્દ્રભાઈ પટેલ, પો.કો વિનોદભાઈ ચૌધરી, પો.કો.વિશાલભાઈ વસાવા, પો.કો. વનરાજસિંહ તથા પો.કો. વિક્રમભાઈ દેસાઈએ કરી હતી.