અક્ષય કુમારે એક લાલ રંગના સરકારી દસ્તાવેજની તસ્વીર શેર કરી છે. જેના પર ભારતીય રાષ્ટ્રીય પ્રતીક ચિન્હ બનેલું છે. ભારત સરકારના આ દસ્તાવેજ પર લખ્યું છે નાગરિકતા પ્રમાણપત્ર.
મુંબઈ,તા.૧૬
બોલીવુડના ખિલાડી કુમાર એટલે કે, અક્ષય કુમાર હવે ભારતીય નાગરિક બની ગયા છે. તેમને ભારતીય નાગરિકતા મળી ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા લોકોને પુરાવો આપ્યો છે. તેમની આ પોસ્ટ બાદ ફેન્સ ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેમને ભારતીય નાગરિકતા મળતા સ્વાગત કરી રહ્યા છે.
અક્ષય કુમાર બોલીવુડના એ કલાકારોમાં સામેલ છે, જે મોટા ભાગે સામાજિક મુદ્દા પર ફિલ્મો બનાવે છે. કેનેડાની નાગરિકતાના કારણે તેઓ સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થતાં રહે છે. એટલું જ નહીં ટ્રોલ્સ તેમને સોશિયલ મીડિયા પર કનાડા કુમાર પણ કહે છે. જાે કે, હવે તેમને ભારતીય નાગરિકતા મળ્યા બાદ અક્ષય કુમારે ખુશી વ્યક્ત કરી છે અને આ જ કારણ છે કે, તેમને ભારતીય નાગરિકતા મળતા જ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે આ ખુશખબરી શેર કરી છે.
અક્ષય કુમારે એક લાલ રંગના સરકારી દસ્તાવેજની તસ્વીર શેર કરી છે. જેના પર ભારતીય રાષ્ટ્રીય પ્રતીક ચિન્હ બનેલું છે. ભારત સરકારના આ દસ્તાવેજ પર લખ્યું છે નાગરિકતા પ્રમાણપત્ર. અક્ષયે ખુદ સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપતા લખ્યું છે કે, “હવે દિલ અને સિટિજનશિપ બંને હિન્દુસ્તાની છે. હેપ્પી ઈંડિપેંડેંસ ડે. જય હિંદ…”
અક્ષય કુમારને વર્ષ ૨૦૧૧માં કેનેડાઈ સંઘીય ચૂંટણી બાદ ત્યાંની કંઝરવેટિવ સરકાર દ્વારા કેનેડાની નાગરિકતા મળી હતી. ડિસેમ્બર વર્ષ ૨૦૧૯માં અક્ષય કુમારે ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી હતી અને કહ્યું હતું કે, તે પોતાની કેનેડિયન નાગરિકતા છોડવાના છે. અરજીના ૩ વર્ષ બાદ તેમને ભારતીય નાગરિકતા મળી છે. આ સમાચાર બાદ અક્ષય કુમારના ફેન્સ ખુબ જ ખુશ છે. અમુક ફેન્સ તેમને શુભકામના પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું – અક્ષય કુમાર ભારતનો હીરો છે. તો વળી અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ પણ કમેન્ટ કરીને પોતાનો મત રજૂ કરી રહ્યા છે. અક્ષય કુમાર હાલમાં પોતાની ફિલ્મ “OMG ૨”ને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તેમની સાથે પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ છે અને તે ટૂંક સમયમાં ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તેમની આગામી ફિલ્મ દ ગ્રેટ ઈંડિયન રેસ્ક્યૂ છે. જે જસવંત સિંહ ગિલની બાયોપિક છે.