મુંબઈ,તા.૨
ફિલ્મ અભિનેતા સોનુ સૂદે ઝાંસીના બાળકના જન્મજાત હ્રદયરોગની સારવારની જવાબદારી લીધી છે. ઝાંસીની રહેવાસી સુષ્મિતા ગુપ્તાએ ટિ્વટર પર એક બાળકની બીમારીનો ઉલ્લેખ કરતી વખતે સોનુ સૂદની મદદ માગી હતી. આ પછી, સોનુ સૂદે આ ટ્વીટનો જવાબ આપ્યો અને કહ્યું, તેઓ બાળકની સારવાર કરાવી લેશે.
ઝાંસીના નંદનપુરામાં રહેતો નસીમ બે વર્ષના બાળક અહમદની હ્રદયરોગની સારવારનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતો. નસીમ મજૂર તરીકે કામ કરે છે અને ગમે તે રીતે પરિવારનું ગુજરાન ચલાવે છે. નસીમે બાળકની સારવાર માટે આશા રોશની નામની સંસ્થાની મદદ માગી હતી.
સંસ્થાના સભ્ય અને શિક્ષક સુષ્મિતા ગુપ્તાએ ૨૦ માર્ચે ટિ્વટર પર બાળકની તસવીર અને ડૉક્ટરની સલાહ સંબંધિત કાગળ શેર કરીને સોનુ સૂદની મદદ માગી હતી. ગુરુવારે સોનુ સૂદે આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, આ બાળકની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
સુષ્મિતા ગુપ્તાએ જણાવ્યું, આ રોગની સારવાર માટે ૪થી ૫ લાખ રૂપિયા ખર્ચ થાય તેમ હતો, પરંતુ પરિવાર આ ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. જ્યારે અમે સોનુ સૂદની મદદ માગી ત્યારે તેણે સારવારની જવાબદારી લીધી હતી. બાળક અને તેનો પરિવાર ૩ એપ્રિલે મુંબઇ જવા રવાના થશે. સોનુ સૂદના સહાયકે માહિતી આપી છે કે, ૪ એપ્રિલથી બાળકની સારવાર શરૂ થશે.