ઈસ્લામ ધર્મના પવિત્ર પુસ્તક કુરાનમાં “ઈદ-ઉલ-અઝહા” એટલે બકરી ઈદનું વર્ણન કરવામાં આવ્યું છે. જે અનુસાર અલ્લાહએ એક દિવસ હજરત ઈબ્રાહિમ (અ.સ.)ના સપનામાં આવી અને તેમની સૌથી પ્રિય વસ્તુની કુરબાની માંગી
“ઈદ-ઉલ-અઝહા” ઝિલ-હિજ્જાના 10મા દિવસે અને ઈસ્લામિક કેલેન્ડરના 12મા મહિનામાં બકરી ઈદ ઉજવવામાં આવે છે. આ તારીખ દર વર્ષે ચંદ્રની સ્થિતિના આધારે બદલાય છે. આ જ કારણ છે કે તમામ દેશો અલગ-અલગ દિવસોમાં “ઈદ-ઉલ-અઝહા”ની ઉજવણી કરે છે. આ વર્ષે “ઈદ-ઉલ-અઝહા” એટલે કે બકરી ઈદનો આ તહેવાર 10મી જુલાઈ 2022ના રોજ રવિવારે ઉજવવામાં આવી રહ્યો છે.
ઈસ્લામ ધર્મના પવિત્ર પુસ્તક કુરાનમાં “ઈદ-ઉલ-અઝહા” એટલે બકરી ઈદનું વર્ણન કરવામાં આવ્યું છે. જે અનુસાર અલ્લાહએ એક દિવસ હજરત ઈબ્રાહિમ (અ.સ.)ના સપનામાં આવી અને તેમની કસોટી કરવા માટે સૌથી પ્રિય વસ્તુની કુરબાની માંગી. હઝરત ઈબ્રાહિમ (અ.સ.) પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરતા હતા તેથી તેમણે તેની કુરબાની આપવાનો નિર્ણય કર્યો. અલ્લાહનો હુકુમ માનવા માટે હઝરત ઈબ્રાહિમ (અ.સ.) પોતાના બાળકની ગરદન કાપવા જઈ જ રહ્યા હતા ત્યારે અલ્લાહએ બાળકને બદલી દુમ્બા (ઘેંટા)ની કુરબાની કરાવી. ત્યારથી ઈસ્લામ ધર્મમાં બકરી ઈદનું ચલણ શરૂ થયું છે.
આ દિવસ એટલે ઉજવાય છે કે હઝરત ઈબ્રાહિમ (અ.સ.) અલ્લાહના હુકુમને માનવા માટે પોતાના દીકરાની કુરબાની આપવા તૈયાર થઈ ગયા હતા અને અલ્લાહની તરફથી જે કસોટી હતી તેમાં પાસ થયા. બકરી ઈદ પર્વ ઈસ્લામના પાંચમા સિદ્ધાંત હજને પણ માન્યતા આપે છે. બકરી ઈદના દિવસે મુસ્લિમ બિરાદરો બકરો, ઘેટું કે ઊંટ જેવા પ્રાણીને કુરબાન કરે છે અને તેના માંસને ત્રણ ભાગમાં વહેંચે છે. એક પોતાના માટે, એક સંબંધીઓ માટે અને ત્રીજું ગરીબો માટે. આ દિવસે લોકો નવા કપડા પહેરી સવારે ખુત્બાની ખાસ નમાઝ અદા કરે છે અને ત્યારબાદ કુરબાનીની પ્રક્રિયા શરૂ થાય છે.