– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા
“બ્રિટિશ પુસ્તક પ્રકાશક કંપની મિલ્સ એન્ડ બુન્સની વાર્તાઓની અસર ભારતીય સીનેમા જગત અને તેમાં પણ ખાસ કરીને હિંદી ફિલ્મોની પ્રણય ત્રિકોણ વાળી વાર્તાઓ પર ખૂબ રહી છે.”
વરસો પહેલા રાજકોટની લાખાજીરાજ લાયબ્રેરીના કાઉન્ટર પર હું નવું પુસ્તક ઈસ્યુ કરાવતો હતો ત્યારે અમારા મુરબ્બી એવા લાયબ્રેરી કલાર્ક શ્રી સુખલાલ જાનીએ વાત આગળ વધારી.
“દિલીપ કુમાર અને રાજ કપૂરની ફિલ્મ અંદાઝમાં દિલીપ કુમાર છવાઈ ગયા અને કદાચ ત્યારે જ રાજ કપૂરે મનોમન નક્કી કરી લીધું હતું કે, તે આ જ વાર્તા પર ફરીથી એક એવી ફિલ્મ બનાવશે કે, જે અંદાઝ ફિલ્મને ભૂલાવી દેશે. તેમણે લખલૂટ ખર્ચે ફિલ્મ ‘સંગમ’ બનાવી. ખેર, મને તો બન્ને ફિલ્મો ગમી છે, પણ સન ૧૯૬૪માં ફિલ્મ ‘સંગમ’ રીલીઝ થઇ ત્યારે હું ફક્ત ૪ વર્ષનો હતો અને મારા માતાપિતા સાથે ગેસ્ફોર્ડ ટોકીઝમાં જોવા ગયો ત્યારે તો શું જોયું તે તો યાદ નહોતું રહ્યું, બાળસહજ કંટાળો આવ્યો હતો, પણ જ્યારે ગીત ‘હર દિલ જો પ્યાર કરેગા’ આવ્યું ત્યારે થયું કે, આ હાર્મોનિયમ આપણા ઘરમાં છે તેવું નથી, પણ છે સરસ. આપણે આવું વાજું લેવું છે અને મને ત્યારથી એકોર્ડીઅનની માયા લાગી ગઈ. પછી સ્ટેજ પ્રોગ્રામ્સમાં જોયું, રેડીયો પર સાજ ઔર આવાઝ કાર્યક્રમમાં શ્રી એનોક ડેનીયલ્સના નામથી પરિચિત થયો અને તેમનું એકોર્ડીઅન માણ્યું અને યુવાન વયે લીધું અને સ્ટેજ પર વગાડ્યું પણ ખરૂં.
આજે લગભગ છ દાયકાથી ફિલ્મ-ઉદ્યોગમાં પ્રવૃત્ત આદરણીય એકોર્ડિયનવાદક અને સંગીતકાર એનોક ડેનિયલ્સનો જન્મદિવસ છે.
તેમનો જન્મ ૧૬ એપ્રિલ, ૧૯૩૩ના રોજ પુણેમાં એક ધાર્મિક અને સંગીતને સમર્પિત ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેઓ જ્યાં રહેતા હતા તે વિસ્તારમાં બ્રિટિશ મિશનરીઓની સેન્ટ મેરી ધ વર્જિન કોન્વેન્ટ, સેન્ટ જોન ધ ઇવેન્જલિસ્ટ સોસાયટી, તેમજ એસ.એસ.જે.ઇ. ના કાઉલી ફાધર્સ દ્વારા સંચાલિત કોન્વેન્ટ સંસ્થાઓ આવેલી હતા. આ સંસ્થાઓ સાથે તેમનો પરિવાર સંકળાયેલો હતો અને તેથી ચર્ચ સંગીતે તેમના જીવનના શરૂઆતના વર્ષોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આથી તેમને આગામી થોડા વર્ષો સુધી રેવ. ફાધર સ્લેડ અને સિસ્ટર ગેર્ટ્રુડ જોયના માર્ગદર્શન હેઠળ ચર્ચ ઓર્ગન પર સંગીતનું શિક્ષણ મળતું રહ્યું. આ શિક્ષણે તેમની આગળ રહેલી લાંબી સંગીત યાત્રાનો પાયો નાખ્યો.
શાળાકીય શિક્ષણ પુરુ થયા પછી તેમણે પુણેની નવરોસજી વાડિયા કોલેજમાં પ્રવેશ મેળવ્યો,પણ કોલેજમાં વિદ્યાર્થી તરીકે પાછળ રહી ગયા. કારણ કે, એનોક સ્ટેજ પર નિયમિત પિયાનો વાદક તરીકે લોકપ્રિયતા મેળવી રહ્યા હતા. પણ બધા કાર્યક્રમના સ્થળોએ પિયાનોની હેરફેર કરવી તે વ્યાવહારિક તેમજ આર્થિક રીતે અનુકુળ નહોતું. આથી તેમણે પિયાનો એકોર્ડિયન ખરીદ્યું અને સ્ટેજ પર આ સ્ટાઈલિસ્ટ વાદ્ય અને તેના હેન્ડસમ વાદકને પ્રેક્ષકો દ્વારા વધાવી લેવામાં આવ્યા. સન ૧૯૫૩માં તેમને નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા યુથ ફેસ્ટિવલમાં પુણે યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા અને તેમને વિશાળ શ્રોતાગણ સમક્ષ પોતાની કલા રજૂ કરવાની તક મળી અને તે સફળ કાર્યક્રમ પછી તેમણે ભારતીય સેનામાં જોડાવાના વિચારને છોડીને સંગીતના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું મન બનાવી લીધું, પોતાની બેગ પેક કરી અને મુંબઈની વાટ પકડી અને ત્યાં ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું ભવિષ્ય બનાવવાનું નક્કી કરી લીધું.
શરૂઆતના સમયમાં મુશ્કેલીઓ પછી, તેમને પહેલો બ્રેક ૧૯૫૫માં મળ્યો. તેમણે હવાઇયન ગિટારવાદક વેન શિપલી સાથે તેમણે દેશભરમાં તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક શો કર્યા.
૧૯૫૭માં પૂર્વ આફ્રિકાના ખૂબ જ સફળ પ્રવાસ પછી, કોલંબિયા રેકોર્ડ્સે એનોકને એક સોલો કલાકાર તરીકે કરારબદ્ધ કર્યા. તેમણે અનેક વાદ્ય આલ્બમ રેકોર્ડ કર્યા, જેમાં ૪૦ સિંગલ્સ (૭૮ આર.પી.એમ.), ૧૫ એક્સટેન્ડેડ પ્લે રેકોર્ડ્સ અને ૧૮ લોંગ પ્લે રેકોર્ડ્સનો સમાવેશ થાય છે. જે પૈકીના કેટલાક ટાઈટલ્સ વિન્ટેજ વાઈન, વિન્ટેજ હિટ્સ, ઈવન્ટાઈડ એકોઝ, લતા મંગેશકર હીટ્સ, ડીલાઈટફુલ ડઝન, એક્ઝોટિક ડાયમંડઝ, વિન્ટેજ નોસ્ટાલ્જિયા, ડેનીયલ્સ ડઝ ઈટ અગેઈન વગેરેમાંથી કેટલીક રેકોર્ડઝની વિન્ટેજ વેલ્યુ છે, તેમજ તે ગીતો સીડી અને ઓડિયો ટેપ પર ઉપલબ્ધ છે. તેમની અભિનય કારકિર્દી ઉપરાંત, એનોક બોમ્બે ફિલ્મ ઉદ્યોગમાં એક વ્યસ્ત એરેન્જર અને સેશન્સ મ્યુઝિશિયન રહ્યા છે. તેમણે એસ.ડી. બર્મન, સી. રામચંદ્ર, શંકર અને જયકિશન, વસંત દેસાઈ, સલિલ ચૌધરી, ખય્યામ, રવિ, મદન મોહન, ઓ.પી. નાયર, એન. દત્તા, રામ કદમ અને સુધીર ફડકે જેવા અગ્રણી સંગીત દિગ્દર્શકો સાથે કામ કર્યું છે.
૬૦ અને ૭૦ના દાયકાના મોટાભાગના સમયમાં લાઇવ પર્ફોર્મન્સે એનોકને વ્યસ્ત રાખ્યા. પૂર્વ આફ્રિકામાં તલત મહમૂદ, સી.એચ. આત્મા અને વાન શિપલી સાથે ૪૫ શો, મોરેશિયસમાં મન્ના ડે સાથે, વેસ્ટ ઇન્ડીઝમાં મોહમ્મદ રફી સાથે, યુએસએ અને કેનેડામાં તલત મહમૂદ સાથે, દક્ષિણ આફ્રિકામાં કિશોર કુમાર સાથે અને લતા મંગેશકરના નેતૃત્વમાં લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં કાર્યક્રમ કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ ટ્રુપનો ભાગ હતા.
૧૯૬૩થી તેઓ બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ફિલ્મ સ્કોર્સ માટે એરેન્જર તરીકે કામ કરી રહ્યા છે. તેમની નોંધપાત્ર ફિલ્મોમાં કભી કભી, ત્રિશૂલ, છોટીસી બાત, પિંજરા અને ક્લાસિક વી. શાંતારામ ફિલ્મ, ઝનક ઝનક પાયલ બાજેનું સ્ટીરિયોમાં સંપૂર્ણ રિરેકોર્ડિંગ શામેલ છે.
શ્રી એનોક ડેનીયલ્સે સ્વ. તલત મહમૂદ (જેમ્સ ઓફ તલત મહમૂદ: મેલોડી ધ ક્વીન – તલત ધ પ્રિન્સ), પ્રીતિ સાગર (નર્સરી રાઈમ્સ), અને શગુફતાગી – ફ્રેગરન્સ ઓફ પોએટ્રી એન્ડ મેલોડી તેમજ અનેક દસ્તાવેજી, જાહેરાતો અને સોલો આલ્બમ રિલીઝ માટે સંગીત પણ એરેન્જ કર્યું છે, જેમાં કૈફી આઝમી દ્વારા લખાયેલી કવિતાઓનું ખય્યામ સાહેબ દ્વારા સ્વર નિયોજન કરવામાં આવ્યું અને તેની મ્યુઝિક એરેન્જમેન્ટ શ્રી એનોક ડેનીયલ્સે કરી હતી.
એનોકને પ્રથમ ઓ.પી. નૈયર ફાઉન્ડેશન એવોર્ડ (૨૦૦૭), મહારાષ્ટ્ર સરકાર રાજ્ય સાંસ્કૃતિક એવોર્ડ (૨૦૦૬) અને તાજેતરમાં શરદ ક્રિડા સાંસ્કૃતિક પ્રતિષ્ઠા એવોર્ડ (૨૦૦૮) મળ્યો છે. એનોક સર હાલમાં પુણેમાં રહે છે. તેમને નિરોગી દીર્ઘાયુષ્યની શુભેચ્છાઓ.
– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા.
– સંપર્ક 9426249601