– અશોકકુમાર સાગઠિયા..
મહાત્મા ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, ”હું કાગડા કુતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં આવું.”
તે ૧૨મી માર્ચ સન ૧૯૩૦નો તે અવિસ્મરણીય દિવસ હતો. સમગ્ર દાંડીકુચનો માર્ગ જાહેર કરવામાં આવ્યો હતો અને તે પહેલા દિવસના જે રસ્તા પરથી કુચ પસાર થવાની હતી, તે સમગ્ર રસ્તા પર મહાત્મા ગાંધીજી અને તેમના સાથી સત્યાગ્રહીઓને વધાવવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. તો સાબરમતી આશ્રમ અને આસપાસના વિસ્તારમાં અંગ્રેજ પોલીસ અધિકારીની નિગરાની હેઠળ સખત હથિયારધારી પોલીસ બંદોબસ્ત હતો અને જો કંઈ પણ નાની સરખી કાયદો અને વ્યવસ્થાને લાગતી અઘટિત બીના બને તો ફાયરીંગ સહીત સખત હાથે કામ લેવાની સુચના સ્થાનિક પોલીસ અધિકારીઓને આપવામાં આવી હતી.
એકાએક વાતાવરણમાં જયઘોષ ઉઠ્યો અને લોકોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું. મક્કમ પગલે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ઝડપથી કુચ આશ્રમમાંથી નીકળી અને આગળ વધી. માં ભારતી તેમજ સાબરમતીના સંત મહાત્મા ગાંધીજીનો જયજયકાર થયો અને ગાંધીજી અને તેમના સાથીદારો લાંબા ઝડપી પગલે આગળ વધી રસ્તાના ડાબા હાથે લક્કડિયા પુલ પર વળ્યા. આ પુલ પર બંને તરફ ભરી બંદુકે થોડા થોડા અંતરે સ્થાનિક પોલીસદળના શિસ્તબદ્ધ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા અને ગાંધીજી આવી પહોંચ્યા. જેવો મહાત્મા ગાંધીજીએ લક્કડિયા પુલ પર પગ મુક્યો કે, ત્યાં ફરજ પર રહેલા પહેલા પોલીસ કોન્સ્ટેબલથી રહેવાયું નહીં. તેણે સાવધાન થઇ અને ગાંધીજીને સેલ્યુટ કરી દીધી. પુલની સામે પાર ઘોડા પર સવાર થઈને સમગ્ર ઘટના પર ચાંપતી નજર રાખી રાખેલા અંગ્રેજ પોલીસ અધિકારીની નજરમાંથી આ સેલ્યુટ છટકી શકી નહીં અને ગુસ્સાથી તેની ભ્રુકુટી તંગ થઇ ગઈ. પણ જાણે કે, ચમત્કાર થયો હોય તેમ જેમ જેમ ગાંધીજી આગળ વધતા ગયા તેમ તેમ દરેક પોલીસ કોન્સ્ટેબલ સાવધાન થઇ અને સેલ્યુટ કરતો ગયો અને ગાંધીજીને ગાર્ડ ઓફ ઓનર મળતું રહ્યું. તે સાથેસાથે અંગ્રેજ પોલીસ અધિકારીનું હૃદય પરિવર્તન પણ થતું રહ્યું. જેવી મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ દાંડીયાત્રા આગળ વધીને તેની નજીક પહોંચી કે, તે અધિકારી સેલ્યુટ તો ન કરી શક્યો, પણ તેણે માથા પરથી હેટ ઉતારી અને ગાંધીજીનું અભિવાદન કર્યું.
આ સમગ્ર ઘટનાના સાક્ષી એવા મારા દાદાજી ત્યારે કિશોરાવસ્થામાં હતા. તેમણે મને આ વાત કહી છે. તેઓ જયારે ગાંધીજીનું નામ લેતા હતા, ત્યારે તેમની આંખો ભક્તિભાવથી બીડાઈ જતી મેં જોઈ છે. મારી કિશોરાવસ્થામાં મારા આદર્શ નેતાજી સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદ્દીરામ બોઝ, મદનલાલ ધીંગરા, ચાફેકર બ્રધર્સ વગેરે હતા અને મારા દાદાજી પણ તેમને સરખો જ આદર આપતા હતા. તેમણે મને શીખવ્યું હતું કે, તમે કોઈ મહાન વ્યક્તિના કાર્યો સાથે સહમત કે, અસહમત હોઈ શકો, પણ તેથી તે વ્યક્તિ મહાન હોય તે પણ તમારે સ્વીકારવું પડે.
અને છેલ્લે – દાંડીકુચના પ્રથમ ૮૦ યાત્રીઓ પૈકી મહારાષ્ટ્રના મુંબઈ પ્રાંતના એક ૨૫ વર્ષના યુવાનનું નામ ગણપતરાવ ગોડસે હતું….
ભારતમાતાની જય. આઝાદી અમર રહો…
– અશોકકુમાર હંસદેવજી સાગઠિયા..
– સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧