સંગતરાશના ટાંકણે ઘડેલી “મસ્જીદ-એ-નગીના” ન્યાયપ્રિય બાદશાહના ધર્મનિષ્ઠ રાણીની પુત્રપ્રેમની કહાની કહે છે
અશોકકુમાર હંસદેવજી સાગઠિયા…
સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧
અમદાવાદ,તા.૬
“બાદશાહ સલામત, આપના શાહજાદાએ મર્યાદા વટાવી દીધી છે…”
શહેરના શ્રેષ્ઠીઓ, ઉમરાવો, સૈન્ય અધિકારીઓ અને સામાન્ય જનતાએ રાવ કરી. વાત શાહજાદાની હતી, અને સલ્તનતમાં કાવતરાઓની ભરમાર હતી. પણ ન્યાય માગવામાં આવ્યો હતો અને ફરિયાદી પ્રજા હતી. બાદશાહે પોતાના વિશ્વાસુ જાસૂસો મારફત સઘળી તપાસ કરાવી અને ફરિયાદ ખરી નીકળી. આરોપીને હજૂરે આમમાં હાજર કરવામાં આવ્યો અને ભારે હૈયે બાદશાહે ન્યાય કર્યો…
ફરિયાદ ખરી છે, ગુનેહગારને મોતની સજા ફરમાવવામાં આવે છે.
પિતાએ ભરી સભામાં રહેમની ભીખ માગી….
“ગુનેહગાર મારો પુત્ર છે, આપ સહુને ગુજારીશ કરું છું કે, તેને શરબતમાં ઝેર આપી તેનું શાંતિથી મૃત્યું થાય તેવું હું માગું છું.” સમગ્ર દરબાર સ્તબ્ધ થઇ ગયો. કોઇથી કશું બોલી શકાયું નહીં. ઝેર મિશ્રિત શરબતનો પ્યાલો શાહજાદાએ હોઠે લગાવ્યો અને ભરી સભામાં સહુની વિદાય લીધી. ભારે હૈયે પિતાએ પુત્રને સુપુર્દ-એ-ખાક કર્યો. તે પછી પિતા વધુ જીવ્યા નહીં.
જે સ્થળે પિતા સુલતાન મહમૂદશાહ બેગડાએ તેના પુત્ર અબાખાન (તે અબુબકરખાન હોઈ શકે. શ્રી ઝવેરચંદ મેઘાણીએ રા’ ગંગાજળીયો પુસ્તકમાં આ ઘટના લખી છે)ને સુપુર્દ-એ-ખાક કર્યો હતો ત્યાં મુઝફ્ફરશાહ બીજા (ઈ. સ. ૧૫૧૧ – ૧૫૨૬) ના અમલ વખતે અબુબકરખાનની માતા રાણી અસની કે, જે રાણી સિપ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે (એમ કહેવાય છે કે, તેઓ હિંદુ સરદારના પુત્રી હતા), તેણીએ ઈ. સ. ૧૫૧૪માં બંધાવી હતી અને તેના મૃત્યુ પછી તેને પણ ત્યાં જ દફનાવવામાં આવી હતી. અમદાવાદના આસ્ટોડિયા ચકલામાં આવેલી સલ્તનત સમયના સ્થાપત્યના ઉત્તમ નમુનારૂપ, આયોજનની દૃષ્ટિએ સંપૂર્ણ એવી આ સુંદર મસ્જિદ નાની હોવા છતાં એની સુંદરતાને લીધે ‘મસ્જિદે નગીના’ કહેવાય છે.
આ મસ્જીદના બંને છેડે આવેલા ઊંચા બારીક કોતરણીવાળા કલાત્મક મિનારાઓ શહેરમાં સન ૧૮૧૯ અને ૨૦૦૧ના ભૂકંપ અને અન્ય કુદરતી આફતો સામે ઝીંક ઝીલીને આટલા વર્ષોથી અડીખમ ઉભા છે. તેની દીવાલે આવેલા રસ્તા પર પડતા કલાત્મક ઝરૂખાઓ, જાળીઓ, ગુંબજની અંદરની નકશી, ઉપરના સાદી પણ સરસ કોતરણીવાળા કાંગરા, મસ્જિદની અંદરના આરસના બારીક કોતરણીયુક્ત મહેરાબ વગેરે મનમોહક છે. મસ્જિદના પિલર પ્રમાણમાં સાદી કોતરણીવાળા છે. મસ્જિદની સામે આવેલા મકબરામાં રાણી સિપ્રી અને તેના પુત્રની કબરો છે. મકબરાની પાયાથી પ્લીન્થ ઉપર દીવાલો પર મુકેલી જાળીઓ ઉપરના બીમ અને તેની છતથી બહાર નીકળતા છજા અને ઉપરના ગુમ્બજની કોતરણીનું સૌન્દર્ય અવર્ણનીય છે. મસ્જીદ પરિસરમાં પ્રવેશ કરતા જમણી બાજુએ વજુ કરવા માટે સ્વચ્છ પાણીનો હોજ આવેલો છે.
કહે છે કે, કલા વિણ ભોજ્યેષુ.. થોડા વરસો પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રસ્તાઓના વિસ્તૃતિકરણ માટે આ મસ્જીદનો કેટલોક ભાગ તોડી પાડવાની દરખાસ્ત કરી હતી, પણ લોકોનો વિરોધ અને થોડી બાંધછોડથી મસ્જીદ બચી ગઈ.
અમે પહેલીવાર આ સ્થળેથી અમદાવાદ દર્શનની બસમાં પસાર થયા ત્યારે ટુર ગાઈડે ત્યાં પ્રવેશ વર્જિત છે એમ કહીને બહારથી બતાવી દીધી. મને તે વાત ગળે ઉતરી નહીં અને હું વિશ્વવિખ્યાત મસ્જીદ જોવા માટે ફરીથી ત્યાં ગયો ત્યારે ત્યાં હાજર રહેલા મુસ્લિમ બિરાદરોએ મને ભાવભીનો આવકાર આપ્યો અને મેં ત્યાં લગભગ એક કલાક જેટલો સમય વિતાવ્યો, પણ તે સમય દરમ્યાન હું એક જ પ્રવાસી ત્યાં હતો. આવું ન થવું જોઈએ. અમદાવાદની દરેક મસ્જીદમાં દરેક ધર્મના લોકોને પ્રવેશ મળે છે અને મુલાકાતીઓ સહજભાવે મસ્જિદની પવિત્રતાનો ખ્યાલ રાખે છે.
આપનો દિન શુભ રહે…
અશોકકુમાર હંસદેવજી સાગઠિયા…
સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧