“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૯ :- મહાન સૂફીસંત “હઝરત પીર મુહમ્મદ શાહ કાદરી સત્તારી (રેહ્મતુલ્લાહ અલૈહ)”
(અબરાર એહમદ અલવી)
“હઝરત પીર મુહમ્મદ શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના મઝાર શરીફ પર અકીદતથી લોકો આવે છે અને પોતાની મુરાદો પૂરી કરે છે.
“ઓલિયા એ ગુજરાત” ભાગ ૯માં જાણો મહાન સૂફીસંત “હઝરત પીર મુહમ્મદ શાહ કાદરી સત્તારી (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના જીવન વિષે….આપની દરગાહ અમદાવાદ ખાતે પાનકોરનાકા વિસ્તારમાં આવેલી છે. આપના નામ પરથી પીર મોહમ્મદ શાહ રોડ નામ રાખવામાં આવ્યો છે. આપ ખુબ જ સારા લેખક અને સંપાદક પણ હતા. આપની દરગાહના સંકુલમા જ પુસ્તકાલય આવેલું છે. આ પુસ્તકાલયમાં અરબી, ફારસી, ઉર્દુ, હિન્દી અને ગુજરાતીમાં પ્રકાશીત થયેલા પુસ્તકો છે. પ્રોફેસર સૈયદ મોલાના અબુલ હસન નદવીએ આપની સીરત વિગતો સાથે લખેલી છે.
“હઝરત સૈયદ પીર મોહમ્મદ શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)”નું નામ મોંહમ્મદ છે. આપ “પીર મુહમ્મદ શાહ”ના નામથી લોકોમાં પ્રખ્યાત છે. આપ બીજાપુર (દખ્ખણ)ના રેહવાસી હતા અને બીજાપુરમાં જ આપનો જન્મ થયો હતો. આપ પોતાના કાકા “હઝરત સૈયદ અબ્દુરેહમાન કાદરી (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના મુરીદ બન્યા અને ખીલાફત હાસલ કરી હતી. નાની વયમા જ આપના માતા-પિતાનો વિસાલ (મૃત્યુ) થયો હતો આથી આપના કાકા “હઝરત સૈયદ અબ્દુરેહમાન કાદરી (રેહ્મતુલ્લાહ અલૈહ)”એ આપનો ઉછેર કર્યો હતો.
“હઝરત પીર મુહમ્મદ શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)” હાફિઝે કુર્આન હતાં. આપ 20 વર્ષની વયે અમદાવાદમાં આવીને સ્થાઇ થયા હતા. હઝરત શાહ વઝીહોદ્દીન અલવી (રેહ્મતુલ્લાહ અલૈહ) જોડે પણ આપે મુલાકાત કરી હતી. આપ અમદાવાદની જામા મસ્જીદમાં મુકીમ થયા હતા. આપ હંમેશા એકાંતવાસમાં રેહતા હતા. આપ મોટા ભાગે વજદના આલમમાં રેહતા હતા જેના કારણે આપ ઘણા દિવસો સુધી બેહોશ રેહતા હતા. “હઝરત પીર મુહમ્મદ શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના અનુયાઇઓ વારંવાર આપ પર પાણી નાંખતા હતા. શીફતે જલાલ આપની ઉપર હંમેશા રેહતી હતી. 63 વર્ષની વયે આપે આ ફાની દુનિયાથી વિદાય લીધી હતી.
આમ તો “હઝરત પીર મુહમ્મદ શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)”ની ઘણી બધી કરામતો છે પણ અહીં તેમની સૌથી પ્રચલિત કરામત રજુ કરીએ છીએ…
અમદાવાદ શહેરમાં એક વખત વબા (બીમારી) “પ્લેગ” ફાટી નીકળ્યો હતો બધા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. “હઝરત પીર મુહમ્મદ શાહ (રેહ્મતુલ્લાહ અલૈહ)”ની દરગાહની સામે એક હિન્દુ ભાઈ રહેતો હતો તેની પુત્રી પણ આ (વબા) બીમારીમાં સપડાઇ ગઈ હતી. તે બિચારો પોતાની એક જ પુત્રીની બીમારીથી દિલગીર થઈ જીવનથી નિરાશ થઈ ગયો હતો. તે ઘણા દિવસથી પોતાની દીકરીની સેવા કરતા કરતા થાકી ગયો હતો. ઍક રાત્રે તે નિદ્રાવશ થયો અને અચાનક કુતરાઓનું ભસવું સાંભળ્યું તેથી તેની આંખ ખૂલી ગઈ. તેને જોયું કે, આખી ગલીમાં કોઈ ન હતું મોડી રાતે તેણે વિચાર કર્યો કે, કુતરા કેમ ભસે છે. તેનું કારણ શોધવા માટે તે પોતાની જગ્યાથી ઊઠીને ઘરની બારી આગળ આવી સડક પર જોવા લાગ્યો. તેણે એક આશ્ચર્યજનક દ્રશ્ય જોયો. તેનું કેહવું છે કે, “મે મારી નરી આંખે દરગાહ શરીફમાંથી એક પવિત્ર, સફેદ નૂરાની શકલના માણસને નીકળતા જોયા. તે પવિત્ર પુરુષ એક બીજા બીહામણા પુરુષને પોતાની બાથમાં લઈ બહાર કાઢતા હતા. તે બીહામણા પુરુષને જોઈ કુતરાઓ ભસતા હતા. આ પવિત્ર પુરુષે તે બીહામણા પુરુષને બળજબરીથી ત્યાંથી કાઢી મૂક્યો અને પછી સડક પરથી પણ તેને હાંકી કાઢ્યો. પછી તે પવિત્ર પુરુષ દરગાહમાં જતાં રહ્યા અને તે કદરૂપો પુરુષ સડક પર દોડી નાસી ગયો. તેને જોઈને કુતરાઓ ભસતા હતા.” આ દ્રશ્ય જોઈ હૂં ઘણો ગભરાઈ ગયો અને મે તરત જ બારી બંધ કરી દીધી અને મારી બીમાર પુત્રી પાસે જઇ બેસી ગયો. ઘણા વખત સુધી મે કુતરાનું ભસવું સાંભળ્યું અને પછી તે ધીમું પડી ગયું. જયારે સવારમાં મેં જોયું કે, મારી પુત્રીની આવી ભયાનક પ્લેગની બીમારી દૂર થઈ ગઈ હતી. ત્યારબાદ અમારા ફળિયામાં તો શું આખા શહેરમાંથી આ વબા (પ્લેગ)ની બીમારી દુર થઇ ગઈ હતી આ ઘટના પછી કોઈપણ માણસ બીમાર ન પડ્યો. તેમજ આ બીમારીથી કોઈની મૃત્યુ પણ ન થઇ. મને ઘણું આશ્ચર્ય લાગ્યું. તે વ્યક્તિ આગળ કહે છે કે, હૂં દરગાહ શરીફમાં ગયો અને મે તે પવિત્ર પુરુષ વિષે પૂછપરછ કરી તો દરગાહમાં જે માણસો હતા તેમણે કહ્યું કે, આવી શકલનો કોઈ માણસ અહીં આવ્યો નથી.