Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

ઓલિયા-એ-ગુજરાત :- ભાગ ૫ – “હઝરત મૌલાના કલીમુદ્દીન મુસા સુહાગ ચીશ્તી” ( રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી)

“હઝરત મુસા સુહાગ” (રેહ્મતુલ્લાહ અલૈહ) હંમેશા જનાના (સ્ત્રીઓ)ના લીબાસમાં રેહતા હતા.

“હઝરત મુસા સુહાગ” (રેહ્મતુલ્લાહ અલૈહ)નો મઝારે પાક શાહીબાગ વિસ્તારમાં મુસાસુહાગ કબ્રસ્તાનમાં આવેલો છે.

“હઝરત મૈલાના કલીમુદ્દીન મુસા સુહાગ ચીશ્તી” (રેહ્મતુલ્લાહ અલૈહ) જલીલ ઉલ કદ્ર બુઝુર્ગ છે. આપનું મુબારક નામ કલીમુદ્દીન મુસા છે અને મુસા સુહાગના નામથી પ્રખ્યાત છે.

શવાહીદે નિઝામી નામના લેખકે આપનું સુહાગન હોવાનું કારણ આ મુજબ આપ્યું છે. એકવાર આપ સુલતાનઉલ ઓલીયા નિઝામુદ્દીન ઓલીયા (રેહ્મતુલ્લાહ અલૈહ) મહેબુબે ઇલાહીની બારગાહમાં ઝીયારત માટે આવ્યાં તેમણે જોયું કેટલીક સ્ત્રીઓ તેમના મઝાર પર મન્નત પુરી કરવા માટે ઢોલ વગાડીને ગાઇ રહી હતી. સૈયદ મુસા સુહાગ શરીઅતના પાબંદ બુઝુર્ગ હતા સ્ત્રીનું આ વર્તન આપને પસંદ ના પડ્યું આપના દિલમાં એવો ખ્યાલ પૈદા થયો કે, મહેબુબે ઇલાહી (રેહ્મતુલ્લાહ અલૈહ)ને આ કામ પસંદ છે. જો આપને આ પસંદ ના હોત તો આવી અયોગ્ય હરકતો આપના મઝાર પર ન થાત.

આ વાતને કેટલોક સમય વિતી ગયો પછી આપ હજ્જ માટે મક્કા રવાના થયા હજ્જથી ફારીગ થઇને મદીના મુન્નવરાહ જતા હતા તો આપના સપનામાં કોઇ બુઝુર્ગ સુરતે આપને મદીના જવાની મનાઇ ફરમાવી અને ક્હયું કે, જો નહી માનો અને મદીના મુનવ્વરાહ જશો તો ઇમાન સલ્બ (જપ્ત) કરી લેવામાં આવશે. આપ જે કાફલામાં હતા તેજ કાફલામાં એક બીજા બુઝર્ગ પણ હતા. હઝરત મુસા સુહાગ (રેહ્મતુલ્લાહ અલૈહ) તેમને પોતે જોયેલા સપના અંગે તે બુઝુર્ગને જણાવ્યું. બુઝુર્ગે મુરાકેબો કર્યો અને સરકારે દો આલમ (સલ્લાહો અલયહે વસલ્લમ) તરફ દર્યાફત ફરમાવ્યો તો જવાબ મળ્યો કે, તેમણે અમારો કોઇ કસુર નથી કર્યો પરંતુ હિન્દુસ્તાનમાં અમારા ફરઝંદ છે નીઝામુદ્દીન ઓલીયા જેમનો દિલ્હીમાં મઝાર છે તેમની રૂહ તેમનાથી નારાજ છે. અમારી ઐલાદ કે, અમારા ઓલીયાઓનો તોહમતદાર અમારા મઝાર પર ન આવે તેને કહો ત્યાં જઇને પોતાનો કુસુર માફ કરાવે. તે બુઝુર્ગે સમગ્ર મામલાનો બયાન હઝરત મુસા સુહાગ  (રેહ્મતુલ્લાહ અલૈહ)ને કર્યો હઝરત મુસા સુહાગ  (રેહ્મતુલ્લાહ અલૈહ) હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે, હઝરત સુલ્તાનુલ મશાઇખે મીલ્લત નીઝામુદ્દીન ઓલીયા  (રેહ્મતુલ્લાહ અલૈહ)નો મે એવો તો કયો કુસુર કર્યો છે. વિચારતા વિચારતા પેલા વાક્યો યાદ આવ્યા અને મુસા સુહાગ  (રેહ્મતુલ્લાહ અલૈહ)ને પેલો વાક્યો (પ્રસંગ) યાદ આવ્યો અને મુસા સુહાગ (રેહ્મતુલ્લાહ અલૈહ)એ તે વાકિયો શરૂઆતથી અંત સુધી કહી સંભળાવ્યો તો તે બુઝુર્ગે હઝરત મુસા સુહાગ (રેહ્મતુલ્લાહ અલૈહ)ને સલાહ આપી કે, તમે હિન્દુસ્તાન પાછા ફરો અને આપને જે અમલ પર એતેરાઝ હતો તેજ અમલ હઝરત મહેબુબે ઇલાહીના મઝાર પર કરો અને માફી માંગો.

બુઝુર્ગની સલાહ મુજબ હઝરત મુસા સુહાગ (રેહ્મતુલ્લાહ અલૈહ) દિલ્હી આવ્યા અને સ્ત્રીઓનો પોશાક ધારણ કરી લીધો ગળામાં ઢોલ નાખી આપ સુલ્તાને મશાઇખના મઝાર પર ગાતા હતા અને ચક્કર મારી રહ્યા હતા કે, અચનાક આપ બેહોશ થઇ ગયા. તે બેહોશીમાં આપને બધુ જ હાંસિલ થઇ ગયું જે આપને અતા થવાનું હતું. મહેબુબે ઇલાહિની અતાથી આપના કલ્બ (દિલ)ના પર્દા ખુલી ગયા આપની દુનીયા બદલાઇ ગઇ. જ્યારે આપ હોશમાં આવ્યાં ત્યારે લોકોએ આ લીબાસ (પહેરવેશ) ઉતારી નાખવા માટે ઇસરાર કર્યો. હઝરત મુસા સુહાગ (રેહ્મતુલ્લાહ અલૈહ)એ ફરમાવ્યું મને જે પણ મળ્યું છે તે આ લાબીસમાં મળ્યું છે આ લાબીસ કયારેય તર્ક નહી કરૂ. ત્યારથી આપ સદા સુહાગન તરીકે થઇ ગયા.

હઝરત મુસા સુહાગ (રેહ્મતુલ્લાહ અલૈહ) હંમેશા જનાના (સ્ત્રીઓ)ના લીબાસમાં રેહતા હતા. આપ ગુજરાતના અમદાવાદ શેહરમાં આવ્યાં અને કાયમ માટે અહી જ વસી ગયા. આપ હંમેશા બંગળીઓ પહેરતા હતા અને આપ સોહરવર્દીયા સીલસીલામાં મુરીદ તથા ખલીફા હતા.

અમદાવાદ શહેરમાં એકવાર દુષ્કાળ પડ્યો વરસાદ બીલકુલ પડ્યો નહી અમદાવાદવાસીઓ હઝરત સીરાજુદ્દીન શાહેઆલમ (રેહ્મતુલ્લાહ અલૈહ) પાસે દુઆ માટે ગયા. શાહેઆલમ (રેહ્મતુલ્લાહ અલૈહ)એ  ફરમાવ્યું આ જગ્યા વ્યંઢળો ગાઇ રહ્યા છે અને નાચી રહ્યા છે તેમનામાં એક બુઝુર્ગ હઝરત મુસા છે તે ઢોલ વગાડે છે તેમની પાસે જાઓ. લોકો દુઆ માટે હઝરત મુસા સુહાગ (રેહ્મતુલ્લાહ અલૈહ) પાસે પહોંચ્યા અને દુઆ માટે આગ્રહ કર્યો, આપે ફરમાવ્યું હુ તો ગુનેગાર સીહાકાર બંદો છું. જ્યારે લોકોનો આગ્રહ વધી ગયો તો હઝરત મુસા સુહાગ (રેહ્મતુલ્લાહ અલૈહ)એ આકાશ તરફ જોઈને કહ્યું હું અર્ઝ કરૂ છું અને હઝરત મુસા સુહાગે એક પથ્થર ઉઠાવીને આકાશ તરફ જોઇને ક્હયું “મારા ખાવીન્દ હમણાને હમણાં પાણી વરસાવ નહીતર હું મારો સુહાગ ફના કરી દઇશ…” આપનું આ કહેવું હતું અને એટલી હદે મુશળધાર વરસાદ થયો કે, જળ સ્થળ એક થઇ ગયા.

હઝરત મુસા સુહાગ (રેહ્મતુલ્લાહ અલૈહ)નો મઝારે પાક શાહીબાગ વિસ્તારમાં મુસાસુહાગ કબ્રસ્તાનમાં આવેલો છે. આપનો સિલસિલએ સુહાગ આજ સુધી જારી છે આજે પણ આપના મઝાર પર કુંવારી છોકરીઓના સારા રીશ્તા માટે આજે પણ મન્નતો (બાધા) માંગવામાં આવે છે અને જ્યારે મન્નત પૂરી થાય તો આપના મજાર પાસેના વૃક્ષ પર હરિલાલ ચૂડીઓ ચડાવવામાં આવે છે. આજે પણ જો વરસાદ ના વર્ષે તો લોકો હજરત મુસા સુહાગના મજાર પર જઇ વરસાદ માટે દુઆ માંગે છે.

આપના સિલસિલામાં સાહેબે તકવા પરહેઝગાર શરીઅતના પાબંદ બુઝુર્ગો જોવા મળે છે તમામ બુઝુર્ગો જનાના (સ્ત્રીઓના) પહેરવેશમાં રહે છે.