Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

Online Fraud : હોટલ રેટિંગનો ટાસ્ક પૂરો કરવાની લાલચ આપી છેંતરપિંડી આચરતા શખ્સને સુરત પોલીસે પકડી પાડયો

ગુગલ મેપ પર હોટલના રેટિંગ તેમજ રિવ્યુ આપવાનો ટાસ્ક પૂરો કરવાથી સારું કમિશન મળશે તેવી લોભામણી લાલચો ઓનલાઇન અજાણ્યા ઇસમો દ્વારા આપવામાં આવી હતી.

સુરત,તા. ૧૪
સુરત શહેરમાં હોટલના રેટિંગ આપી અલગ અલગ ટાસ્ક પૂરા કરીને સારું વળતર મેળવવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવી દીધા તેવી વધુ એક ઘટના  સામે આવી છે.

સુરતના ફરિયાદીને અલગ અલગ હોટલમાં રેટિંગ આપવા તેમજ બીટકોઈન બાય-સેલ કરવાનો ટાસ્ક પૂરો કરીને સારું કમીશન મળશે તેવી લાલચ આપી અલગ અલગ ટાસ્ક પેટે ફરિયાદી પાસેથી ૫,૨૪,૦૦૦ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી અને આ ઘટનાને લઇ સુરતની સાયબર ક્રાઈમ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

સુરતના એક વ્યક્તિને સોશિયલ મીડિયા પર પાર્ટ ટાઈમ વર્ક ફોર્મ આપવાનું જણાવી ગુગલ મેપ પર હોટલના રેટિંગ તેમજ રિવ્યુ આપવાનો ટાસ્ક પૂરો કરવાથી સારું કમિશન મળશે તેવી લોભામણી લાલચો ઓનલાઇન અજાણ્યા ઇસમો દ્વારા આપવામાં આવી હતી. ત્યારબાદ સુરતના આ વ્યક્તિએ અજાણ્યા ઇસમ દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરીને હોટલ રેટિંગનો ટાસ્ક પૂરો કર્યો હતો. પહેલો ટાસ્ક પૂરો કરવાના તેને ૧૨૦૦ રૂપિયા મળ્યા હતા અને ત્યારબાદ સુરતના વ્યક્તિને અન્ય એક વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમજ આ વેબસાઈટમાં એક આઈડી બનાવી બીટકોઈનના બાઈ અને સેલ કરવાના પ્રીમિયમ ટાસ્ક પૂરો કરી વધુ રૂપિયા મળશે તેવી લાલચ આપી હતી.

આ ટાસ્ક પૂરો કરવા માટે ફરિયાદીને સૌપ્રથમ પૈસા ભરવા પડશે તેવું જણાવ્યું હતું. તેથી સુરતના આ વ્યક્તિએ અજાણ્યાના કહેવા અનુસાર અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ૫,૫૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ અજાણ્યા ઇસમો દ્વારા આ પૈસામાંથી માત્ર ૨૪,૨૭૬ રૂપિયા સુરતના વ્યક્તિને પરત આપવામાં આવ્યા હતા અને અન્ય ૫,૨૪,૦૦૦ રૂપિયા પરત આપવામાં આવ્યા ન હતા. તેથી પોતે છેતરાયો હોવાનું માલુમ થતાં તેમના સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી.

સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અમદાવાદના જાેધપુર ગામ પાસે આવેલા સ્નેહશીલ ફ્‌લેટમાં રહેતા વિરેનકુમાર સથવારાની ધરપકડ કરી છે. વિરેનકુમાર સથવારાની ધરપકડ બાદ પોલીસે પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, તેને પોતાનું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું બેન્ક એકાઉન્ટ ૧૫,૦૦૦ રૂપિયાનું કમિશન લઈ ટેલિગ્રામ આઈડી તેમજ ટેલિગ્રામ ગ્રુપ ઉપર કોઈને વેચી દીધું હતું. આરોપી દ્વારા આ બેંક એકાઉન્ટમાં છેતરપિંડી કરવા બાબતે એક ફરિયાદ દાખલ થઈ છે અને આ બેન્ક એકાઉન્ટમાં ૩ જાન્યુઆરી ૨૦૨૪થી ૫ જાન્યુઆરી ૨૦૨૪ સુધી ૪,૩૫,૭૨૫ના ટ્રાન્ઝેક્શન થયા છે. તો બીજી તરફ સુરત સાયબર ક્રાઈમ દ્વારા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ૧,૩૨,૦૦૦ રૂપિયા ફ્રીઝ કરાવવામાં આવ્યા છે.

 

(જી.એન.એસ)