દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનમાં જાણે કે કન્યાઓનો દુકાળ પડી ગયો છે. ત્યાં ૧૦ વર્ષમાં એક વખત થતી વસ્તી ગણતરીમાં એવો ખુલાસો થયો છે કે ચીનમાં લગભગ ૩ કરોડ અવિવાહિત લોકો છે. કારણ કે, છેલ્લા ઘણાં સમયથી ચીનમાં સંતાનમાં છોકરો જન્મે તેવી લોકોમાં ઈચ્છા જોવા મળી હોવાથી કન્યાઓનું સંકટ ઊભું થયું હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન ‘સાઉથ ચાઈના મોનિગ પોસ્ટ’ના રિપોર્ટમાં જણાવાયું છે કે તાજેતરની વસ્તી ગણતરીમાં છોકરીઓની કુલ વસ્તીમાં થોડો વધારો થયો છે. ચીનમાં ૧૧૩.૩ છોકરાઓની સરખામણીમાં માત્ર ૧૦૦ છોકરીઓ છે. ચીનના એક પ્રોફેસરના જણાવ્યા મુજબ, ચીનમાં સામાન્ય રીતે પુરૂષ તે મહિલા સાથે લગ્ન કરે છે કે જે તેના કરતા ઉંમરમાં ઘણી નાની હોય છે. પણ, હવે ચીનમાં વૃદ્ધોની સંખ્યા વધી ગઈ છે. જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. ચીનના પરિવારો સંતાનમાં છોકરીની સરખામણીમાં છોકરાની વધુ ઈચ્છા ધરાવે છે.
ચીનના એક અન્ય પ્રોફેસરે ચેતવણી આપતા જણાવ્યું કે આ બાળકો જયારે લગ્નની ઉંમર સુધી પહોંચશે ત્યારે કન્યા મેળવવામાં સમસ્યા ઊભી થશે કારણ કે ત્યારે તેઓની ભારે અછત હશે. ચીનમાં વર્ષ ૧૯૭૯માં એક બાળકની નીતિ લાગુ કરવામાં આવી હતી જે વર્ષ ૨૦૧૬માં પરત લેવામાં આવી હતી. ચીનમાં ગત વર્ષે જન્મેલા એક કરોડ ૨૦ લાખ બાળકોમાંથી ૬ લાખ બાળકોએ પોતાની ઉંમરની પત્ની વિના જ રહેવું પડશે.
ચીનમાં હવે તે વાતની ચિંતા સતાવી રહી છે કે ત્યાં કામ કરી શકે તે ઉંમરના લોકોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. ચીનના દંપતી બાળકને જન્મ આપવાનું ટાળી રહ્યા છે જેનું કારણ છે મોંઘવારી, નાના મકાન અને માતા બન્યા પછી મહિલાઓ સાથે નોકરીમાં થતાં ભેદભાવ વગેરે.