અમદાવાદ : શારદાબેન હોસ્પિટલમાં પંખાની યોગ્ય સુવિધા ન હોવાથી બાળકીને નીચે સુવાડવા પરિવાર મજબુર બન્યો
શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓનો વિડીયો વાયરલ
અમદાવાદ,તા. ૧૩
શહેરની શારદાબેન હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે, હોસ્પિટલમાં પંખાની યોગ્ય સુવિધા ન હોવાથી બાળકીને નીચે સુવાડવા પરિવાર મજબુર બન્યો હતો. ભયંકર ગરમીમાં માતાએ નાછૂટકે બાળકીને નીચે સુવડાવી પડી હતી.
હોસ્પિટલમાં કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં કોઇ પૂરતી સુવિધા નથી. દર્દીઓ સાજા થવાના બદલે વધુ બીમાર થઈ રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પૂરતા પંખા ન હોવાથી દર્દીઓ તકલીફો ભોગવી રહ્યા છે. અમદાવાદમાં લોકોને નિઃશુલ્ક અને અદ્યતન તબીબી સારવાર પૂરી પાડવાના હેતુથી શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં લોકોને યોગ્ય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે તે હેતુસર કરોડો રૂપિયાનું ટેન્ડર પણ મંજૂર કરાયું હતું.
કરોડો રૂપિયાનું ફંડ મળવા છતાં હોસ્પિટલમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો તે ખુબ જ શર્મનાક કહેવાય. સુવિધા ફક્ત હોસ્પિટલ સત્તાધીશોને મળે છે દર્દીઓ હંમેશા સુવિધા વંછિત રહે છે. હાલમાં સામે આવેલ હોસ્પિટલના એક વાયરલ વીડિયોમાં દેખાય છે કે, પંખા જેવી સામાન્ય સુવિધા પણ નથી, જો કે, આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો પરંતુ હવે જોવાનું રહ્યું કે, શારદાબેન હોસ્પિટલના સત્તાધીશોની આંખ ક્યારે ખૂલે છે..?
(જી.એન.એસ)