26 નવેમ્બર ‘બંધારણ દિવસ’ : “ઉર્જાઘર સંસ્થા” દ્વારા શાળામાં ‘Samvidhan Live Be a Jagrik Programme’નું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ,તા.૨૬ નવેમ્બર
આ કાર્યક્રમ છેલ્લા પાંચ અઠવાડિયાથી સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે જે રમતના સ્વરૂપમાં છે, જેને રમીને યુવા વિદ્યાર્થીઓ મનોરંજક રીતે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીને કાર્યો કરે છે અને શીખે છે.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ સામૂહિક રીતે બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કર્યું હતું અને બંધારણીય મૂલ્યોને મજબૂત કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો.
26 નવેમ્બર ‘બંધારણ દિવસ’ દરેક ભારતીય નાગરિક માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. બંધારણ વિના કોઈ દેશ ચાલી શકે નહીં. તે બંધારણ જ છે જે ભારતની 140 કરોડની વસ્તી કે, જે વિવિધ ધર્મો અને જાતિઓમાં છે તેને એક દેશના નાગરિકની ઓળખ સાથે એક કરે છે. બંધારણમાં જ દેશના સિદ્ધાંતો અને તેને ચલાવવાની પદ્ધતિઓ શામેલ છે.
બંધારણ દ્વારા આપવામાં આવેલ મૂળભૂત અધિકારો આપણી ઢાલ તરીકે કામ કરે છે અને આપણને આપણા અધિકારો આપે છે જ્યારે કે, તેમાં આપવામાં આવેલ મૂળભૂત ફરજો આપણને આપણી જવાબદારીઓનું પણ સ્મરણ કરાવે છે.
15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણી પાસે આપણું પોતાનું કોઈ બંધારણ નહોતું. બંધારણ વિના દેશ ચલાવી શકાય તેમ નથી, તેથી તેને બનાવવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી. જવાહરલાલ નેહરુ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામા પ્રસાદ મુખર્જી, મૌલાના અબુલ કલામ આઝાદ વગેરે આ બેઠકના અગ્રણી સભ્યો હતા. ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા, તેથી તેમને બંધારણના નિર્માતા પણ કહેવામાં આવે છે. બંધારણને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. તે 26મી નવેમ્બર, 1949ના રોજ પૂર્ણ થયું અને અપનાવવામાં આવ્યું. આ પછી 26મી જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ અમલમાં આવ્યું.
આજે ભારતના બંધારણને 75 વર્ષ પૂરા થયા છે તેની યાદમાં “ઉર્જાઘર સંસ્થા” દ્વારા ક્રેસન્ટ સ્કૂલના સહયોગથી શાળામાં બંધારણના 75માં વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
કોમ્યુટિની-ધ યુથ કલેક્ટિવ અને વાર્તાલિપના સહયોગથી શાળામાં ‘સંવિધાન લાઈવ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું જે એક રમતના સ્વરૂપમાં છે, જેને રમીને યુવા વિદ્યાર્થીઓ મનોરંજક રીતે બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીને કાર્યો કરે છે અને શીખે છે. બંધારણને તેમના રોજિંદા જીવન સાથે જોડે છે. આ રમતમાં યુવાનો અનુભવ આધારિત શિક્ષણ મેળવવાના હેતુથી ભારતીય બંધારણમાં દર્શાવેલ મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજોને આધારે કાર્યો કરે છે.
કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ સામૂહિક રીતે બંધારણની પ્રસ્તાવનાનું વાંચન કર્યું હતું અને બંધારણીય મૂલ્યોને મજબૂત કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો.
“ઉર્જાઘર સંસ્થા” વતી સંસ્થાના ડાયરેક્ટર વકાર કાઝીએ ભારતીય બંધારણ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની જવાબદારી’ અને ક્રેસન્ટ સ્કૂલના આચાર્ય અબ્દુલ કય્યુમ સાહેબે ‘અભ્યાસની સાથે સક્રિય નાગરિકતાની જરૂરિયાત’ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કો-ઓર્ડીનેટર શકીલ શેખ દ્વારા સારી રીતે કરવામાં આવ્યું હતું.