બીત લાહિયામાં કમલ અડવાન હોસ્પિટલના ડિરેક્ટર હોસમ અબુ સફિયાએ જણાવ્યું હતું કે, હુમલામાં ડઝનેક લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે.
(એ.આર.એલ),બીત લાહિયા,તા.૧૮
ઇઝરાઈલે લેબનોનના ટાયર વિસ્તારમાં ઝડપી હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ૧૧ લોકો માર્યા ગયાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે ૪૮ લોકો ઘાયલ થયા છે. આ પહેલા પણ ઇઝરાઈલ લેબનોન અને ગાઝા પટ્ટીમાં સતત હુમલા કરી રહ્યું છે. હિઝબુલ્લાહના મુખ્ય પ્રવક્તા મોહમ્મદ અફીફ રવિવારે ઈઝરાઈલના હુમલામાં માર્યા ગયા હતા.
તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બરમાં ઈઝરાઈલની સૈન્ય કાર્યવાહીમાં વધારો અને લાંબા સમયથી હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહની હત્યા બાદ મોહમ્મદ અફીફે મીડિયામાં પોતાના સંગઠનનો પક્ષ રજૂ કરી રહ્યો હતો. હવે ઈઝરાઈલની સેનાએ તેમને પણ મારી નાખ્યો. તે જ સમયે, ઉત્તરી ગાઝાના બીત લાહિયામાં વહેલી સવારે ઇઝરાઈલ દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં ઓછામાં ઓછા ૩૦ લોકો માર્યા ગયા હતા.
બીત લાહિયામાં કમલ અડવાન હોસ્પિટલના ડિરેક્ટર હોસમ અબુ સફિયાએ જણાવ્યું હતું કે, હુમલામાં ડઝનેક લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ઘણા ઘરોને પણ નુકસાન થયું છે. અગાઉ, ઇઝરાઈલી સૈન્યએ એક નિવેદનમાં કહ્યું હતું કે, તેણે બીત લાહિયામાં આતંકવાદી ઠેકાણાઓ પર અનેક હુમલા કર્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, યુદ્ધ ઝોનમાંથી નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.
આ પહેલા શનિવારે ઇઝરાઈલે ગાઝા પટ્ટીમાં રાતોરાત રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં ૧૨ લોકોના મોત થયા હતા. પેલેસ્ટાઈનના તબીબી અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. ઇઝરાઈલી પોલીસે જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના શહેર સીઝેરિયામાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના ખાનગી નિવાસસ્થાન પર શેલ છોડવામાં આવ્યા બાદ તેઓએ ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે નેતન્યાહુ અને તેમનો પરિવાર રાતોરાત તેમના નિવાસસ્થાન પર ન હતા ત્યારે બે શેલ છોડવામાં આવ્યા હતા અને કોઈ ઈજા થઈ ન હતી. ગયા મહિને નેતન્યાહુ અને તેમનો પરિવાર ઘરની બહાર હતા ત્યારે હિઝબુલ્લાહે પણ નિવાસસ્થાન પર ડ્રોન વડે હુમલો કર્યો હતો.