Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

(અબરાર એહમદ અલવી)

ત્રણ વર્ષથી લઇ ૮૯ વર્ષ સુધીના દર્દીઓની સફળ સારવાર

પથરીની સારવાર માટે દર્દીઓએ હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાની જરૂર નથી – ડૉ. રાકેશ જોશી મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ અમદાવાદ

કુલ ૪૦ દર્દીઓ પથરીની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં વેઇટીગમા  જેમની પણ ઝડપથી સારવાર કરાશે

અગાઉ આવી સારવાર માટે દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં જવું પડતું

પ્રાઈવેટ હોસ્પિટલમાં લીથોટ્રીપ્સી સારવારનો અંદાજિત ખર્ચ ૧૦થી ૧૫ હજાર રૂપિયા.

છેવાડાના અને ગરીબ દર્દી ને પણ આધુનિક સારવાર સરકારી હોસ્પિટલ માં મળી રહે તેવો પ્રજાલક્ષી અભિગમ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરીની સારવાર ઉપલબ્ધ થઈ છે .

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓને લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ છે.  આ અંગે વધુ વિગતો આપતા સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગના વડા ડૉ. શ્રેણીક શાહે જણાવ્યું હતું કે, લીથોટ્રીપ્સી એટલે કે, Extracorporeal Shock Wave Lithotripsy (ESWL) સારવાર એ કિડની અને મૂત્રમાર્ગમાં રહેલ પથરીને તોડવા માટે એક સુરક્ષિત, અસરકારક અને દર્દી માટે અનુકૂળ સારવાર પદ્ધતિ છે.

ડો. શ્રેણીક શાહે વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસમાં ત્રણ વર્ષથી લઈ ૮૯ વર્ષ સુધીના દસ દર્દીને કિડની અને પેશાબના માર્ગમાં રહેલ ૧.૫ સે.મી થી ૨ સે. મી સાઈઝની પથરીને લીથોટ્રીપ્સીની મદદથી સફળતાપૂર્વક સારવાર કરી છે. આ દર્દીઓની પથરી સંપૂર્ણપણે દૂર થઈ છે અને દર્દીઓ હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. બીજા ૪૦ જેટલા પથરીના દર્દીઓ વેઇટીગ માં છે જેમને જલ્દી આ પધ્ધતિથી સારવાર કરી દર્દમુકત કરવામા આવશે.

લીથોટ્રીપ્સી સારવારથી પથરીના દર્દીઓ માટે મુખ્ય ફાયદાઓ

* કોઈ ચીરફાડ કે, કાપાની જરૂર હોતી નથી.
* દર્દીની તકલીફમાં ઝડપી સુધારો થાય છે. દર્દી ૧ થી ૨ કલાકમાં પોતાની રોજીંદા સામાન્ય ક્રિયાઓ પર પાછા ફરી શકે છે.
* સારવારનું જોખમ ઓછું હોય છે. ઓછો દુખાવો, ઓછું ચેપનું જોખમ અને કોઈ મોટી તકલીફ હોતી નથી.

સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે કૉર્પોરેટ કક્ષાની સુવિધા ઉભી કરવામાં આવી છે. જે સિવિલ હોસ્પિટલ ખાતે આવતા પથરીના દર્દીઓની સારવાર માટે ચોક્કસપણે ખુબ જ ઉપયોગી સાબિત થશે.