ન્યુ દિલ્હી
મોહમ્મદ શમી ઇંગ્લેન્ડ પ્રવાસમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને હોસ્ટ સામે ૫ ટેસ્ટની શ્રેણી રમવા માટે ઉત્સુક છે. ટીમમાં સૌથી સીનિયર બોલર્સમાંથી એક શમીને આશા છે કે તે યંગસ્ટર્સ સાથે પોતાનું પ્રોફેશનલ નોલેજ શેર કરી શકશે.
૩૦ વર્ષીય શમીએ કહ્યું, “ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આટલો સમય પસાર કર્યા પછી અનુભવ તમને જે શીખવાડે છે, તે બીજી કોઈ વસ્તુ શીખવાડી શકે એમ નથી. હું મારુ નોલેજ અને વિવિધ પરિસ્થિતિમાં કેવા અપ્રોચ સાથે બોલિંગ કરવી તે અંગેના ઇનપુટ્સ યંગસ્ટર્સને શીખવાડવા માગું છું. હું કાયમ રમી શકવાનો નથી, તેથી નિવૃત થાવ તે પહેલાં આગામી જનરેશનને તૈયાર કરવા માગું છું.”
શમીએ કહ્યું કે, “અમે એક યુનિટ તરીકે છેલ્લા ૬ મહિનામાં એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્રિકેટ રમ્યા છીએ ટીમમાં દરેક મેમ્બરનો કોન્ફિડન્સ હાઈ છે. અમે છેલ્લી શ્રેણીનું ફોર્મ જાળવી શકીએ તો મને ખાતરી છે કે આ ટૂરમાં અમે સફળ થઈશું.”
શમીએ વધુમાં જણાવ્યું કે, “બહુ વધારે પડતું પ્લાનિંગ કરવાનો કોઈ ફાયદો નથી. કોણે વિચાર્યું હતું કે, કોરોના મહામારી આપણા જીવનના ૨ વર્ષ બગાડી નાખશે. તેથી હું સીરિઝ ટુ સીરિઝનું પ્લાનિંગ કરું છું અને બહુ દૂરનું વિચારતો નથી.” ઉલ્લેખનીય છે કે શમીએ ૫૦ ટેસ્ટમાં ૧૮૦ વિકેટ ઝડપી છે. તેણે ૨૦૧૩માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ કોલકાતા સામે રમીને ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું.